ઓનલાઈન છેતરપિંડીને કારણે પૈસા ગુમાવ્યા? RBIના નિયમો હેઠળ તમને સંપૂર્ણ રિફંડ ક્યારે મળશે?
ડિજિટલ બેંકિંગ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વર્તમાન યુગમાં સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. અનધિકૃત રીતે ખાતામાંથી નાણાં ઉપડી જવાની સ્થિતિમાં ગ્રાહકો મોટે ભાગે ગભરાઈ જાય છે. જોકે, ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સ્પષ્ટ દિશા-નિર્દેશો મુજબ, જો તમારા ખાતામાંથી તમારી સંમતિ વિના કે બેંકની બેદરકારીના કારણે પૈસા ઉપાડવામાં આવ્યા હોય, તો તમે પૂર્ણ રિફંડ મેળવવા માટે કાયદાકીય રીતે હકદાર બની શકો છો.
આવા કિસ્સાઓમાં ગ્રાહકની જવાબદારી ‘શૂન્ય’ (Zero Liability) ગણવામાં આવે છે. બેંકની બેદરકારીમાં પૂરતા સુરક્ષા માપદંડોનો અભાવ, શંકાસ્પદ વ્યવહારોની સમયસર ઓળખ ન કરવી અથવા સાયબર સિક્યોરિટી નિયમોનું પાલન ન કરવાનો સમાવેશ થાય છે. જો બેંકનો દોક્ષ સાબિત થાય, તો ફરિયાદમાં વિલંબ થયો હોય તો પણ ગ્રાહકને તેનું પૂરેપૂરું વળતર મળે છે.
ગ્રાહકે ક્યારે નુકસાન સહન કરવું પડે છે?
આરબીઆઈના નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક પોતાની ભૂલથી પોતાનો વન ટાઈમ પાસવર્ડ (OTP), પિન (PIN), યુઝર આઈડી કે પાસવર્ડ કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરે છે, તો જ્યાં સુધી તે છેતરપિંડીની જાણ બેંકને ન કરે ત્યાં સુધી થયેલા તમામ આર્થિક નુકસાન માટે ગ્રાહક પોતે જવાબદાર રહેશે.
જોકે, જો છેતરપિંડીમાં ગ્રાહક કે બેંક બંનેમાંથી કોઈનો વાંક ન હોય અને તે કોઈ તૃતીય પક્ષ (Third-Party Security Breach) દ્વારા કરવામાં આવી હોય, તો ગ્રાહકે બેંક તરફથી મેસેજ કે નોટિફિકેશન મળ્યાના ત્રણ કામકાજના દિવસોમાં (3 Working Days) તેની જાણ બેંકને કરી દેવી પડે છે. સમયસર રિપોર્ટિંગ કરવાથી ગ્રાહક કોઈપણ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે અને તેના પૈસા પાછા મળી જાય છે. રિપોર્ટ કરવામાં વિલંબ થાય તો બેંકની નીતિ મુજબ ગ્રાહકની જવાબદારી મર્યાદિત થઈ શકે છે.

૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી અમલમાં આવશે નવા અને વધુ કડક નિયમો
ગ્રાહકોની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે રિઝર્વ બેંકે નવા નિર્દેશો જારી કર્યા છે, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી દેશભરમાં લાગુ થશે. આ નવા નિયમો હેઠળ, કોઈ ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની ભૂલ હતી તે સાબિત કરવાની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે. થર્ડ-પાર્ટી સુરક્ષા ભંગના કેસોમાં રિપોર્ટ કરવાની સમયરેખા પણ ૩ દિવસથી વધારીને ૫ કેલેન્ડર દિવસ કરી દેવામાં આવી છે. આ સિવાય સ્થાનિક ફરિયાદોનું નિરાકરણ ૪૫ દિવસમાં અને આંતરરાષ્ટ્રીય (Cross-Border) કેસોનું નિરાકરણ ૬૦ દિવસની અંદર પૂરું કરવાનું રહેશે.
નવા નિયમોમાં નાની રકમની છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકો માટે વિશેષ રાહત ઉમેરવામાં આવી છે. જો નુકસાન ₹૫૦,૦૦૦ સુધીનું હોય, તો ચોક્કસ શરતો પૂરી કરવા પર પાત્ર ગ્રાહકને વાસ્તવિક ચોખ્ખા નુકસાનના ૮૫% અથવા મહત્તમ ₹૨૫,૦૦૦ (જે ઓછું હોય તે) નું વળતર મળી શકે છે. આ સુવિધા જીવનકાળમાં એકવાર ઉપલબ્ધ થશે, જેના માટે ઘટનાના ૫ દિવસમાં બેંક અને સાયબર પોર્ટલ પર ફરિયાદ કરવી અનિવાર્ય રહેશે.

ઓનલાઈન ફ્રોડ થાય ત્યારે તાત્કાલિક શું કરવું?
જો તમારા ખાતામાંથી અચાનક અનધિકૃત વ્યવહાર થાય, તો સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત બેંકની અધિકૃત એપ, ટોલ-ફ્રી હેલ્પલાઈન કે નજીકની શાખાનો સંપર્ક કરીને કાર્ડ, યુપીઆઈ (UPI) કે નેટ બેંકિંગ બ્લોક કરાવો અને સત્તાવાર રજિસ્ટ્રેશન કે ટિકિટ નંબર મેળવી લો.
આ ઉપરાંત, વિલંબ કર્યા વિના સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ (1930) પર કૉલ કરીને ઘટનાની નોંધણી કરાવો અથવા રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. તમારા ફોનમાં આવેલા ટ્રાન્ઝેક્શન મેસેજ, બેંક સ્ટેટમેન્ટ અને ઈમેલ પુરાવા તરીકે સુરક્ષિત રાખો. તમે જેટલી ઝડપથી રિપોર્ટ કરશો, છેતરપિંડીના નાણાં હોલ્ડ કરાવવાની અને રિફંડ મેળવવાની શક્યતાઓ એટલી જ વધી જશે.
