IND vs PAK: T20 વર્લ્ડ કપ માટે ભારત-પાક જંગનો જબરો ક્રેઝ, ટિકિટો ખુલતા જ બુકમાયશો (BookMyShow) નું સર્વર ધબાય નમઃ
કોલંબો/મુંબઈ: ક્રિકેટની દુનિયામાં જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ હોય છે. વર્ષ 2026 માં રમાનારા T20 વર્લ્ડ કપ માટે પણ આવો જ નજારો જોવા મળ્યો છે. 14 જાન્યુઆરીના રોજ જેવી ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોના બીજા તબક્કાનું ઓનલાઇન વેચાણ શરૂ થયું, કે તરત જ લાખોની સંખ્યામાં ચાહકો તૂટી પડ્યા હતા, જેને પરિણામે ટિકિટિંગ પાર્ટનર ‘BookMyShow’ ની વેબસાઇટ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી.
ડિજિટલ દુનિયામાં ‘ટ્રાફિક જામ’: મિનિટોમાં લાખો લોગિન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરાયેલા સમય મુજબ જેવી ટિકિટ વિન્ડો ખુલી, કે તરત જ ડિજિટલ પ્લેટફોર્મ પર ટ્રાફિકનું પૂર આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકસાથે લાખો લોકોએ લોગિન કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલા ભારે લોડને કારણે સર્વર પ્રતિસાદ આપવાનું બંધ કરી દીધું અને ચાહકોને ‘Error’, ‘Failed Transaction’ અથવા લાંબો ‘Waiting Time’ જોવા મળ્યો હતો.
BookMyShow દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “અદભૂત પ્રતિસાદને કારણે સર્વર પર ટેકનિકલ દબાણ વધ્યું છે. અમારી ટીમ આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહી છે અને ટૂંક સમયમાં બુકિંગ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે.“
15 ફેબ્રુઆરી: કોલંબોમાં જામશે ‘મહાજંગ’
T20 વર્લ્ડ કપ 2026 નું યજમાન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટની સૌથી હાઈ-પ્રોફાઈલ મેચ 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે.
- ગ્રુપ-A નું ગણિત: યજમાન ભારતીય ટીમને ગ્રુપ-A માં રાખવામાં આવી છે, જેમાં પાકિસ્તાન ઉપરાંત નમીબિયા, નેધરલેન્ડ્સ અને યુએસએ જેવી ટીમો સામેલ છે.
- ટિકિટની કિંમત: આ વખતે ICC એ ચાહકો માટે ટિકિટના ભાવ ખૂબ જ સસ્તા રાખ્યા છે, જેમાં ભારતની મેચો માટે ટિકિટ માત્ર ₹100 થી શરૂ થઈ રહી છે, જે આટલા મોટા ધસારાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે.
ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ કપ શિડ્યુલ: ઘરઆંગણેથી થશે શરૂઆત
ભારતીય ટીમ પોતાની વર્લ્ડ કપની સફર ઘરઆંગણેથી શરૂ કરશે. ટીમ ઇન્ડિયાના પ્રારંભિક મુકાબલા નીચે મુજબ છે:
- 7 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ USA (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ).
- 12 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નમીબિયા (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી).
- 15 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો).
- 18 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ).
🚨Important announcement for ICC Men’s T20 World Cup🚨 pic.twitter.com/NoeoZ5Brrg
— BookMyShow (@bookmyshow) January 14, 2026
ચાહકોમાં આતુરતા અને સુરક્ષાની ચિંતા
જ્યારે પણ ભારત-પાકિસ્તાન મેચ હોય ત્યારે માત્ર ટિકિટ જ નહીં પરંતુ હોટલ અને ફ્લાઇટના ભાડામાં પણ અત્યારથી જ તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ટેકનિકલ ખામી સુધાર્યા બાદ બુકિંગ ફરી શરૂ થશે તેવી ખાતરી આપવામાં આવી છે, પરંતુ લાખો ચાહકો હજુ પણ ટિકિટ ન મળવાને કારણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
