ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ: ૨ કલાકનો સમય બગાડ્યો, જાણો હવે કેવી રીતે થશે ઓવરોની ભરપાઈ

4 Min Read

ગાલે ટેસ્ટ: વરસાદે પહેલા જ દિવસે બગાડ્યા ૨ કલાક, જાણો હવે કેવી રીતે થશે ઓવરોની ભરપાઈ

ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેના ઐતિહાસિક મેદાન પર શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે કુદરતે પોતાનો મિજાજ બતાવ્યો છે. મેચમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યાં જ લંચ બ્રેક દરમિયાન કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ભારે વરસાદ તૂટી પડ્યો. આ કારણે રમતના લગભગ બે કલાક જેટલો સમય બગડ્યો હતો. જોકે, ક્રિકેટ ચાહકો અને બંને ટીમો માટે રાહતના સમાચાર એ છે કે હવામાન ચોખ્ખું થતાં જ મેચ બપોરે ૨:૦૦ વાગ્યે ફરી શરૂ કરી દેવામાં આવી છે અને ખોવાયેલા સમયની ભરપાઈ કરવા માટે રમતનો સમય સાંજે ૬:૦૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્યણ લેવાયો છે.

ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય, જયસ્વાલ રનઆઉટ

મેચની શરૂઆતમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સાચો નિર્ણય લીધો હતો. કેપ્ટનના મતે ગાલેની પીચ બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ દેખાઈ રહી હતી. ભારત તરફથી કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટરો સેટ થતા દેખાતા હતા, પરંતુ કમનસીબે કેએલ રાહુલના એક ખોટા કોલના કારણે યશસ્વી જયસ્વાલ ૩૨ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. ભારત માટે આ એક મોટો ઝટકો હતો, કારણ કે પીચ પર સેટ થઈ ચૂકેલી જોડી તૂટી ગઈ હતી. જયસ્વાલના આઉટ થયા બાદ દેવદત્ત પડિક્કલ મેદાન પર આવ્યા હતા અને તેમણે રાહુલ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી.

- Advertisement -

sl.jpg

લંચ વખતે જ ત્રાટક્યો વરસાદ

બપોરે ૧૨:૦૦ વાગ્યે જ્યારે પ્રથમ સત્ર પૂરું થયું અને લંચ બ્રેક જાહેર કરવામાં આવ્યો, ત્યારે ભારતે ૨૭ ઓવરમાં ૧ વિકેટના નુકસાને ૧૦૧ રન બનાવી લીધા હતા. રાહુલ અને પડિક્કલ ક્રિઝ પર મજબૂતીથી ટકેલા હતા. પરંતુ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ ગયા કે તરત જ ગ્રાઉન્ડ્સમેન સાવચેતીના ભાગરૂપે કવર્સ લઈને દોડી આવ્યા હતા. આકાશમાં ઘેરાયેલા કાળા વાદળોની ભયાનક આગાહી થોડી જ મિનિટોમાં સાચી પડી અને મુશળધાર વરસાદ શરૂ થયો.

- Advertisement -

વરસાદ લાંબો સમય તો ન ચાલ્યો, પણ એટલો ધોધમાર હતો કે કવર્સ પર અને આઉટફિલ્ડના કેટલાંક ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું. વરસાદ બંધ થયા પછી ગ્રાઉન્ડ સ્ટાફે મેદાન સુકવવાની કામગીરી ઝડપથી હાથ ધરી હતી. બપોરે ૧:૩૦ વાગ્યે અમ્પાયરોએ પિચ અને આઉટફિલ્ડનું નિરીક્ષણ કર્યું અને ૨:૦૦ વાગ્યે રમત ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

બગડેલા સમયનું સંચાલન કેવી રીતે થશે?

પ્રથમ દિવસે ૨ કલાકનો સમય બગડવાને કારણે દિવસની નિર્ધારિત ઓવરો પૂરી થઈ શકી નહોતી. અમ્પાયરો અને મેચ ઓફિશિયલ્સે દિવસના બાકીના સમયનું આયોજન નીચે મુજબ કર્યું છે:

બીજું સત્ર: બપોરે ૨:૦૦ વાગ્યે શરૂ થઈને ૩:૫૦ વાગ્યા સુધી રમાશે.

- Advertisement -

ટી બ્રેક (ચાનો વિરામ): બપોરે ૩:૫૦ થી ૪:૧૦ વાગ્યા સુધી રહેશે.

ત્રીજું સત્ર: સાંજે ૪:૧૦ વાગ્યે શરૂ થશે અને મોડામાં મોડું સાંજે ૬:૦૦ વાગ્યા સુધી રમત ચાલુ રખાશે.

sl1.jpg

આઈસીસી (ICC) ના નિયમો મુજબ, જો ટેસ્ટ મેચના પહેલા દિવસે વરસાદ કે અન્ય કારણોસર સમય બગડે, તો તેની ભરપાઈ મેચના બાકીના દિવસોમાં કરી શકાય છે. કારણ કે આ મેચનો પહેલો જ દિવસ છે, તેથી આગામી દિવસોમાં (બીજા, ત્રીજા કે ચોથા દિવસે) રમત દરરોજ ૧૫ થી ૩૦ મિનિટ વહેલી શરૂ કરીને અથવા સાંજે મોડે સુધી રમાડીને બાકી રહેલી ઓવરો પૂરી કરવામાં આવશે.

Share This Article