ચીનથી ભારતની આયાતમાં 5 વર્ષમાં 39%નો ઉછાળો: ‘આત્મનિર્ભર ભારત’ વચ્ચે ચાઇનીઝ સામાન પરની નિર્ભરતા કેમ ઘટી નથી રહી?
દેશમાં ‘મેક ઈન ઈન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને પીએલઆઈ (PLI) જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરી વસ્તુઓ અને ઔદ્યોગિક ઉત્પાદનો માટે બીજા દેશો પરની નિર્ભરતા ઘટાડવાનો છે. પરંતુ ચીનના કિસ્સામાં ચિત્ર કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. ચીનથી ભારતની આયાત સતત વધી રહી છે અને તેની સાથે બંને દેશો વચ્ચેનો વેપાર ઘાટો (Trade Deficit) પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
રાજ્યસભામાં તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા જવાબ મુજબ, વર્ષ 2021-22માં ભારતે ચીનથી 94.57 અબજ ડોલરનો સામાન આયાત કર્યો હતો. વર્ષ 2025-26માં આ આંકડો વધીને 131.63 અબજ ડોલર થઈ ગયો છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં ચીનથી ભારતની આયાતમાં આશરે 39%નો વધારો થયો છે. આ સાથે ભારતની કુલ મર્ચેન્ડાઇઝ આયાતમાં ચીનનો હિસ્સો પણ 15.43%થી વધીને 16.96% થઈ ગયો છે.
સૌથી મોટી ચિંતા: રેકોર્ડ સ્તરે પહોંચતો વેપાર ઘાટો
આયાતમાં સતત થઈ રહેલા વધારાની સીધી અસર ભારત-ચીન વેપાર ઘાટા પર પડી છે. આંકડાઓ અનુસાર:
2021-22: $73.31 અબજ
2022-23: $83.20 અબજ
2023-24: $85.08 અબજ
2024-25: $99.20 અબજ
2025-26: $112.16 અબજ
આમ, છેલ્લા પાંચ વર્ષમાં વેપાર ઘાટો આશરે 53% વધી ગયો છે. આ આંકડો સ્પષ્ટ દર્શાવે છે કે ભારત ચીન પાસેથી જેટલી ખરીદી કરી રહ્યું છે, તેની સરખામણીમાં ચીનને ભારતીય સામાનનું વેચાણ ખૂબ જ ઓછું છે. વર્ષ 2025-26માં ચીન ખાતે ભારતની નિકાસ વધીને આશરે 19.47 અબજ ડોલર રહી હતી, પરંતુ સામે 131.63 અબજ ડોલરનીંગી જંગી આયાતને કારણે વેપાર ઘાટો 112.16 અબજ ડોલરે પહોંચી ગયો હતો.
આખરે ચીન પર કેમ નિર્ભર છે ભારત?
અહીં સવાલ એ થાય છે કે ભારતને ચીનથી આટલો બધો સામાન કેમ મંગાવવો પડે છે? શું આ માત્ર મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ કે રોજિંદા વપરાશની વસ્તુઓ છે?
હકીકતમાં, ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને મેન્યુફેક્ચરિંગના વિસ્તરણ માટે મોટા પ્રમાણમાં કાચો માલ (Raw Materials), ઇન્ટરમીડિયેટ ગુડ્સ, મશીનરી અને તકનીકી ઉપકરણોની જરૂર પડે છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારતની આયાતમાં નીચે મુજબના ક્ષેત્રોના મહત્વપૂર્ણ કાચા માલનો સમાવેશ થાય છે:
મહત્વપૂર્ણ ખનિજો: લિથિયમ, કોબાલ્ટ, નિકલ, ગ્રેફાઇટ, રેર અર્થ એલિમેન્ટ્સ અને કોપર. આ તત્વો ક્લીન એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ (EV), ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવા ભવિષ્યના ઉદ્યોગો માટે અનિવાર્ય છે.
કેપિટલ ઇક્વિપમેન્ટ અને એડવાન્સ ટેકનોલોજી: જે દેશના ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ (દવાઓ માટે જરૂરી API), ખાતર, સેમિકન્ડક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોના ઉત્પાદનને વેગ આપે છે.
એટલે કે ચીનથી થતી મોટાભાગની આયાત તૈયાર ગ્રાહક સામાન (Finished Goods) નથી, પરંતુ ભારતની પોતાની ફેક્ટરીઓમાં ઉત્પાદન ચાલુ રાખવા માટે જરૂરી ઇનપુટ્સ (Ininputs) છે. આથી ચીનથી આયાત ઘટાડવી એ માત્ર ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો વિષય નથી, પરંતુ દેશમાં એક મજબૂત અને સંપૂર્ણ સપ્લાય ચેઈન ઉભી કરવાનો મામલો છે.
ચીન હજુ પણ ભારતનો સૌથી મોટો આયાત સ્ત્રોત
ચીન માત્ર પાંચ વર્ષથી ભારતનો સૌથી મોટો આયાત ભાગીદાર નથી, પરંતુ 2025-26માં અન્ય દેશોની સરખામણીમાં ચીન સાથેનું આ અંતર વધુ વધી ગયું છે.
દેશ ભારત દ્વારા કરવામાં આવેલી આયાત (2025-26)
ચીન (China) $131.63 અબજ
યુ.એ.ઈ. (UAE) $63.89 અબજ
રશિયા (Russia) $55.37 અબજ
અમેરિકા (USA) $53.49 અબજ
ચીનથી ભારતની ખરીદી યુએઈ કરતાં લગભગ બમણી અને અમેરિકાથી થતી આયાત કરતાં અઢી ગણી કરતાં પણ વધુ છે, જે ચીનના આર્થિક પ્રભાવને દર્શાવે છે.
આત્મનિર્ભરતાનો સાચો માર્ગ શું હોઈ શકે?
સરકારનું કહેવું છે કે ભારત સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા, કુદરતી સંસાધનોનો વિકાસ કરવા અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા પર સતત કામ કરી રહ્યું છે. પ્રોડક્શન લિંક્ડ ઈન્સિન્ટિવ (PLI) યોજના આ દિશામાં એક મોટું પગલું છે.
પરંતુ આંકડા દર્શાવે છે કે આ મોટા ફેરફારમાં હજુ સમય લાગશે. ચીન સાથેનો વેપાર રાતોરાત બંધ કરવો શક્ય કે વ્યવહારુ નથી. અસલી પડકાર ચીન પરથી સંપૂર્ણપણે નિર્ભરતા હટાવવાનો નથી, પરંતુ જે ક્ષેત્રોમાં ભારત આજે પણ ચીની કાચા માલ, મશીનરી અને ટેકનોલોજી પર નિર્ભર છે, ત્યાં સ્થાનિક ક્ષમતા (Domestic Capacity) ઊભી કરવાનો છે. જો ભારત પોતાની સપ્લાય ચેઈન આત્મનિર્ભર બનાવશે, તો જ આયાતની જરૂરિયાત ધીમે ધીમે ઘટશે અને વૈશ્વિક સ્તરે ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા વધશે.

