અમેરિકાના નવા નિર્ણયથી ભારત માટે કયા મોટા પડકારો?
યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાની નાણાકીય ઘેરાબંધી મજબૂત કરવાના હેતુથી યુએસ સેનેટે એક અત્યંત મહત્વપૂર્ણ અને આકરા કાયદાને મંજૂરી આપી છે. “લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬” નામના આ બિલને સેનેટમાં ૮૬-૧૧ ના જંગી બહુમતીથી લીલી ઝંડી મળી ગઈ છે. આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન તેલ અને ગેસની આયાત કરતા ટોચના પાંચ દેશો—ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા—ના માલસામાન પર ૧૦૦ ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાની વ્યાપક સત્તા આપે છે. સેનેટની મંજૂરી બાદ હવે આ બિલ ૩૧ ઓગસ્ટે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ ફરી મળે ત્યારે આખરી મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
આ બિલમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અન્ય ટોચના નેતાઓ સહિત નાણાકીય સંસ્થાઓ પર નવા પ્રતિબંધોની જોગવાઈ છે. આ સાથે જ ઈરાન પ્રતિબંધ કાયદાની મુદત ૨૦૩૧ સુધી લંબાવવામાં આવી છે. જોકે, અમેરિકાના જ કેટલાક ડેમોક્રેટિક કોંગ્રેસમેનોએ આ બિલથી રાષ્ટ્રપતિને મળનારી અમર્યાદિત ટેરિફ સત્તાઓની ટીકા કરી છે અને આશંકા વ્યક્ત કરી છે કે તેનો આખરી બોજ અમેરિકી ગ્રાહકો પર પણ પડી શકે છે.

રશિયા પાસેથી સૌથી વધુ ઊર્જા આયાત કરતા દેશો
CREA અને યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) ના ડેટા અનુસાર, રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદારોમાં ચીન અને ભારત મોખરે છે. રશિયાના કુલ ક્રૂડ ઓઇલ નિકાસમાં ચીન ૪૭ ટકા અને ભારત ૩૮ ટકા હિસ્સો ધરાવે છે, એટલે કે બંને દેશો મળીને આશરે ૮૫ ટકા ક્રૂડ ખરીદે છે. તુર્કી અને યુરોપિયન યુનિયન દરેક ૬-૬ ટકા હિસ્સો ધરાવે છે. ૨૦૨૪ માં ચીને દરરોજ ૨.૨ મિલિયન બેરલ અને ભારતે ૧.૭ મિલિયન બેરલ ક્રૂડ આયાત કર્યું હતું, જ્યારે ૨૦૨૫ ના પ્રથમ છામાસિકમાં પણ આ સ્થિતિ જળવાઈ રહી હતી.
જોકે, રિફાઇન્ડ તેલ ઉત્પાદનોની વાત કરીએ તો તુર્કી ૨૭ ટકા હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ચીન (૧૩%), બ્રાઝિલ (૧૧%) અને ભારત (૮%) નો નંબર આવે છે. બીજી તરફ, યુરોપિયન યુનિયન (EU) હજુ પણ રશિયા પાસેથી પાઇપલાઇન ગેસ (૩૫%) અને લિક્વિફાઇડ નેચરલ ગેસ – LNG (૪૯%) નો સૌથી મોટો ખરીદદાર દેશ છે.

અમેરિકી નિર્ણયથી ભારત સામે ઊભા થતા મુખ્ય પડકારો
અમેરિકાના આ નવો કાયદો ભારત માટે આર્થિક અને રાજદ્વારી સ્તરે અનેક જટિલ પડકારો ઊભા કરી શકે છે:
૧. ભારતીય નિકાસ પર પ્રતિકૂળ અસર: જો અમેરિકા ભારતીય ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ લાદે છે, તો યુએસ માર્કેટમાં ભારતીય કાપડ, એન્જિનિયરિંગ ગુડ્ઝ અને ફાર્માસ્યુટિકલ્સ ખૂબ મોંઘા થઈ જશે, જેનાથી ભારતની નિકાસને મોટો ફટકો પડશે.
૨. મોંઘા ઓઇલ આયાત સ્ત્રોતો તરફ વળવાની મજબૂરી: જો પ્રતિબંધોના કારણે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ઓછું કરે, તો ભારતીય રિફાઇનરીઓએ સાઉદી અરેબિયા, ઇરાક, યુએઈ અને યુએસ જેવા પરંપરાગત અને મોંઘા સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડશે.
૩. આયાત બિલ અને રૂપિયા પર દબાણ: ભારત પોતાની ક્રૂડ ઓઇલ જરૂરિયાતનું લગભગ ૮૮.૬ ટકા તેલ આયાત કરે છે. મોંઘું તેલ ખરીદવાથી દેશનું આયાત બિલ નોંધપાત્ર રીતે વધશે, જેનાથી ડૉલરની માગ વધશે અને ભારતીય રૂપિયાનું મૂલ્ય તૂટવાનું જોખમ રહેશે.
૪. પરોક્ષ ફુગાવો અને ઊર્જા સુરક્ષા: જોકે ૧૦૦ ટકા યુએસ ટેરિફ ભારતમાં સીધો પેટ્રોલ-ડીઝલનો ભાવ બમણો નહીં કરે, પરંતુ પરોક્ષ રીતે ઇંધણ આયાત ખર્ચ વધવાથી દેશમાં ફુગાવાનું દબાણ વધી શકે છે.
ભારત માટે પોતાના દેશની ઊર્જા સુરક્ષા જાળવી રાખીને અમેરિકા સાથેના દ્વિપક્ષીય વેપાર સંબંધોને અકબંધ રાખવા એ વિદેશ નીતિ અને આર્થિક મુત્સદ્દીગીરીની મોટી કસોટી બની રહેશે.