ભારત-સિંગાપુર ભાગીદારીને નવી અદભુત રફતાર: 7 મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમતિ
ભારત અને સિંગાપુર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો એક નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યા છે. હાલમાં જ યોજાયેલી ભારત-સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજ બેઠક (ISMR) ના ચોથા તબક્કામાં બંને દેશોએ પોતાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી. સિંગાપુર ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ બેઠકમાં ગ્રીન ઇકોનોમી, ફૂડ સિક્યોરિટી, ડિજિટલ કનેક્ટિવિટી અને સેમિકન્ડક્ટર જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
બંને દેશો વચ્ચે છ મુખ્ય સ્તંભો – એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, કનેક્ટિવિટી, ડિજિટલાઇઝેશન, હેલ્થકેર અને મેડિસિન, સ્કિલ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબિલિટી પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, ભારતીય રાજ્યો અને સિંગાપુર વચ્ચે સીધા સંબંધો સ્થાપિત કરવા માટે ભારતીય મુખ્યમંત્રીઓની સિંગાપુર મુલાકાતોને નિયમિત બનાવવા માટે પણ સંમતિ સાધવામાં આવી હતી.
મહત્વના કરારો અને કરારપત્રોની આપ-લે
આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે બે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) અને એક લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) ની આપ-લે કરવામાં આવી હતી:
ખાદ્ય સુરક્ષા (Food Safety): ભારતની ‘FSSAI’ અને સિંગાપુરની ‘ફૂડ એજન્સી’ વચ્ચે ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે સહયોગ માટે MoU થયા છે. તેનાથી કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોના દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન મળશે તેમજ ટેકનિકલ માહિતીનું આદાન-પ્રદાન સરળ બનશે.
દરિયાઈ વારસો અને સંસ્કૃતિ: ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય તથા સિંગાપુરના સંસ્કૃતિ મંત્રાલય વચ્ચે સંસ્કૃતિ અને દરિયાઈ વારસા અંગે કરાર થયો છે. આ અંતર્ગત ગુજરાતના લોથલ ખાતે આકાર લઈ રહેલા ‘નેશનલ મરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ સહિત મ્યુઝિયમો વચ્ચે સહયોગ વધારાશે.
દૂરસંચાર ક્ષેત્ર: ભારતની ‘ટ્રાઈ’ (TRAI) અને સિંગાપુરની ‘IMDA’ વચ્ચે ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન અંગે અનુભવો વહેંચવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરાયા છે.
મંત્રીસ્તરીય બેઠકના મુખ્ય આકર્ષણો અને સિદ્ધિઓ
આ ભાગીદારી માત્ર કાગળ પર નહીં પરંતુ વ્યવહારિક સ્તરે ઝડપથી આગળ વધી રહી છે, જે નીચે મુજબની સિદ્ધિઓ પરથી સ્પષ્ટ થાય છે:
UPI-PayNow કનેક્ટિવિટી: ભારત અને સિંગાપુર વચ્ચે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના જોડાણ બાદ નાણાકીય લેવડ-દેવડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
દવાઓ અને કૃષિ નિકાસ: સિંગાપુરમાં ભારતીય જેનરિક દવાઓના રજીસ્ટ્રેશન માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. સાથે જ ભારતમાંથી લીચી, કેરી, ચેરી અને પ્લમની નિકાસમાં સારો પ્રોગ્રેસ થયો છે. સિંગાપુરની ફૂડ એજન્સીએ ભારતની કેટલીક પ્રોસેસ્ડ પોલ્ટ્રી યુનિટ્સને નિકાસની મંજૂરી આપી છે.
કૌશલ્ય વિકાસ: ચેન્નઈ ખાતે ‘નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ સ્કીલિંગ’ વિકસાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઇડ્રોજન: સેમિકન્ડક્ટર ક્ષેત્રે ‘ગ્રીન લેન ઇનિશિયેટિવ’ અને ગ્રીન હાઇડ્રોજન સપ્લાય ચેઇન વિકસાવવા માટે બંને દેશો એકસાથે કામ કરી રહ્યા છે.
વ્યાપારિક વિસ્તરણ: સિંગાપુર બિઝનેસ ફેડરેશને બેંગલુરુમાં પોતાની નવી ઓફિસ ખોલવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.
ઉચ્ચસ્તરીય મુલાકાતો અને ભવિષ્યની રૂપરેખા
આ મુલાકાત દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળે સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન સાથે મળીને સિંગાપુર સ્થિત ભારતીય હાઈકમિશનના નવા ચાન્સરી-સહ-આવાસીય પરિસરનો શિલાન્યાસ પણ કર્યો હતો.
બીજી તરફ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ‘ઇન્ડિયા-સિંગાપુર બિઝનેસ ફોરમ’ને સંબોધિત કર્યું હતું અને રોકાણકારો સાથે બેઠકો કરી હતી. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે સેમિકન્ડક્ટર ક્ષેત્રના અગ્રણીઓ સાથે ગોળમેજ ચર્ચામાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિંગાપુર યાત્રા દરમિયાન બંને દેશોના સંબંધોને “વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી” નો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2025માં સિંગાપુરના વડાપ્રધાનની ભારત મુલાકાત વખતે આ ભાગીદારીનો રોડમેપ સ્વીકારાયો હતો. આ મંત્રીસ્તરીય મિકેનિઝમ ભવિષ્યના ભારત-સિંગાપુર સંબંધોને વધુ મજબૂત અને પ્રગતિશીલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.


