હથિયારોના ભંડારથી લઈને સહયોગીઓના વિશ્વાસ સુધી: શા માટે સવાલોના ઘેરામાં આવી અમેરિકાની તાકાત?
અમેરિકા આજે પણ વિશ્વની સૌથી મોટી લશ્કરી શક્તિ ધરાવે છે. પરંતુ, જ્યારે વાત મધ્ય પૂર્વથી લઈને એશિયા સુધીના અનેક મોરચે એકસાથે લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધોની આવે છે, ત્યારે તેના શસ્ત્રોના ભંડાર, સંરક્ષણ ઉત્પાદન (ડિફેન્સ પ્રોડક્શન) અને સહયોગી દેશોના વિશ્વાસની આકરી કસોટી થતી જોવા મળી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી વોશિંગ્ટનની વિદેશ નીતિ અને વ્યૂહાત્મક ઈરાદાઓને લઈને તેના મિત્ર દેશોમાં ચિંતાનો માહોલ વધ્યો છે. ઈરાન સાથેની અનિર્ણાયક સ્થિતિ અને ત્યાં અમેરિકી હથિયારોના સતત થઈ રહેલા વપરાશે વધુ એક ગંભીર સવાલ ઊભો કર્યો છે: શું અમેરિકા પાસે આજે પણ લાંબા ગાળાનું મોટું સૈન્ય યુદ્ધ લડવાની ક્ષમતા પહેલા જેવી જ અક્ષુણ્ણ છે? સવાલ માત્ર અમેરિકાના લશ્કરી બળનો નથી, પરંતુ વિશ્વના અનેક દેશો હવે એ પણ વિચારવા મજબૂર બન્યા છે કે જો અમેરિકા ઈચ્છે તો પણ શું તે દાયકાઓથી કરતું આવ્યું છે તેમ પોતાના સહયોગી દેશોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે?
એકસાથે બહુવિધ મોરચા અને વ્યૂહાત્મક પડકારો
એક અહેવાલ મુજબ, વોશિંગ્ટન હાલમાં યુરોપ, મધ્ય પૂર્વ અને એશિયા-પેસિફિક એમ ત્રણેય ક્ષેત્રોમાં એકસાથે ગંભીર વ્યૂહાત્મક સવાલો અને પડકારોનો સામનો કરી રહ્યું છે.
યુરોપમાં તણાવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા યુદ્ધે અમેરિકા અને નાટો (NATO) ના સંસાધનો પર ભારે દબાણ લાવ્યું છે.
મધ્ય પૂર્વમાં અસ્થિરતા: ઇઝરાયેલ અને મધ્ય પૂર્વના અન્ય વિસ્તારોમાં વધતી હિંસાને કારણે અમેરિકી સૈન્ય સંસાધનોનો સતત વપરાશ થઈ રહ્યો છે.
એશિયામાં સુપરપાવર સ્પર્ધા: ચીન સાથે વધતી આર્થિક અને લશ્કરી સ્પર્ધા અમેરિકા માટે સૌથી મોટો પડકાર બનીને ઉભરી છે.
આ ત્રણેય મોરચે એકસાથે ઉદ્ભવેલા સંકટોને કારણે નિષ્ણાતો ચિંતિત છે કે જો આ તમામ સ્થળોએ એકસાથે મોટું સૈન્ય સંઘર્ષ ફાટી નીકળે, તો શું અમેરિકા પાસે પૂરતા પ્રમાણમાં હથિયારો, સૈનિકો અને ઔદ્યોગિક ક્ષમતા ઉપલબ્ધ હશે?
ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની ધીમી ગતિ અને સપ્લાય ચેઈનની મર્યાદા
અમેરિકી સંરક્ષણ ઉદ્યોગની વર્તમાન ક્ષમતા આ સમગ્ર ચર્ચાના કેન્દ્રસ્થાને છે. આધુનિક યુદ્ધમાં માત્ર અત્યાધુનિક કે હાઇ-ટેક હથિયારો હોવા પૂરતા નથી. લાંબા સમય સુધી ચાલતા સંઘર્ષમાં સતત મિસાઇલો, દારૂગોળો, ડ્રોન અને અન્ય લશ્કરી સાધનોનું ઉત્પાદન ચાલુ રાખવાની ક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
જ્યાં એક સમયે અમેરિકા પોતાની વિશાળ ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું હતું, ત્યાં આજે તેની સપ્લાય ચેઈનની ધીમી ગતિ અને ઉત્પાદનમાં થતો વિલંબ તેના માટે મોટો અવરોધ સાબિત થઈ રહ્યો છે. નાટો દેશો અને યુક્રેનને હથિયારોનો પુરવઠો પૂરો પાડ્યા પછી અમેરિકાના પોતાના અનામત શસ્ત્ર ભંડારમાં ખાલીપો જોવા મળ્યો છે, જેને ઝડપથી ભરવો હાલની ઉત્પાદન ઝડપ મુજબ મુશ્કેલ બની રહ્યો છે.
શું નબળી પડી રહી છે અમેરિકાની ‘હાર્ડ પાવર’?
અમેરિકા દાયકાઓથી પોતાની ‘હાર્ડ પાવર’ અને લશ્કરી તાકાતના જોરે વિશ્વમાં ‘ડિટરન્સ’ (Deterrence) એટલે કે વિરોધી દેશોને હુમલો કરતા રોકવાની શક્તિ જાળવી રાખતું આવ્યું છે. પરંતુ આ ડિટરન્સ માત્ર અમેરિકાના ઇરાદાઓ પર જ નહીં, પરંતુ તેની વાસ્તવિક ક્ષમતાઓ પર પણ આધાર રાખે છે.
અટલાન્ટિક કાઉન્સિલના સિનિયર ફેલો અને સ્ટ્રેટેજિસ્ટ મેથ્યુ ક્રોનિંગના જણાવ્યા મુજબ, પહેલાં ચર્ચાનો મુખ્ય વિષય એ રહેતો કે અમેરિકા કોઈ દેશના રક્ષણ માટે સૈન્ય કાર્યવાહી કરશે કે નહીં. પરંતુ હવે મુખ્ય સવાલ એ ઊભો થયો છે કે શું તેની પાસે કાર્યવાહી કરવા માટે જરૂરી સાધનો અને પૂરતી ક્ષમતા બચી છે? જો વિરોધી દેશો એવું જોશે કે અમેરિકાનો શસ્ત્ર ભંડાર સતત ખાલી થઈ રહ્યો છે, તો તેઓ એવું માની શકે છે કે તેની લશ્કરી શક્તિ થોડા મહિના કે વર્ષો પહેલાની સરખામણીમાં નબળી પડી ગઈ છે.

માત્ર શસ્ત્રો જ નહીં, નીતિગત સ્થિરતા પણ સવાલોના ઘેરામાં
અમેરિકાની વૈશ્વિક તાકાત સામે માત્ર હથિયારોની અછત જ એકમાત્ર સવાલ નથી, પરંતુ તેની રાજકીય વ્યવસ્થા અને વ્યૂહાત્મક સુસંગતતા પણ એટલી જ મહત્વની છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો, સંરક્ષણ ક્ષેત્રે ધીમી કામગીરી અને રાજકીય નિર્ણયોમાં આવતી અસ્થિરતા લાંબા ગાળે અમેરિકાની વૈશ્વિક છબીને અસર કરી રહી છે.
આનો અર્થ એવો બિલકુલ નથી કે અમેરિકા અચાનક એક નબળું રાષ્ટ્ર બની ગયું છે. આજે પણ તેની પાસે વિશ્વનું સૌથી શક્તિશાળી ન્યુક્લિયર આર્સેનલ, અત્યાધુનિક ટેકનોલોજી, વિશ્વભરમાં ફેલાયેલા લશ્કરી મથકો અને મજબૂત મિત્ર દેશોનું નેટવર્ક છે. પરંતુ વાસ્તવિક સવાલ એ છે કે શું ટ્રમ્પના બીજા કાર્યકાળમાં બદલાઈ રહેલી વિદેશ નીતિ વચ્ચે અમેરિકા આ ક્ષમતાઓનો ઉપયોગ લાંબા અને બહુવિધ મોરચાના યુદ્ધમાં અસરકારક રીતે કરી શકશે? आने વાળા સમયમાં અમેરિકાની સાચી શક્તિ માત્ર તેના હથિયારોથી નહીં, પરંતુ તેના સૈન્ય ઉત્પાદન અને સહયોગી દેશોના વિશ્વાસને જાળવી રાખવાની ક્ષમતાથી નક્કી થશે.

