મોટા ઝટકા બાદ મોટી રાહત! હવે અડધી કિંમતે મળશે આ વિદેશી બ્રાન્ડ્સની વ્હિસ્કી?
ભારત અને યુકે (બ્રિટન) વચ્ચે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) લાગુ થયા બાદ અને ડિયાજિયો (Diageo) તેમજ પેર્નોડ રિકાર્ડ (Pernod Ricard) જેવી દિગ્ગજ કંપનીઓએ મુખ્ય રાજ્યોમાં ગ્રાહકોને આયાત ખર્ચ ઘટવાનો સીધો લાભ આપવાનું શરૂ કરતા જ ભારતમાં સ્કોચ વ્હિસ્કીની કિંમતોમાં પહેલીવાર ૧૦ થી ૧૫ ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને ઉત્તર પ્રદેશ જેવા અગ્રણી રાજ્યોમાં જોની વોકર બ્લેક લેબલ અને જે એન્ડ બી (J&B) જેવા લોકપ્રિય બ્રાન્ડ્સના ભાવ પહેલેથી જ ઓછા થઈ ચૂક્યા છે, અને એવી પ્રબળ સંભાવના છે કે અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં આ દિશામાં પગલાં ભરશે.

કઈ કંપનીઓએ કિંમતો ઘટાડવા માટે દરખાસ્ત મૂકી છે?
ઇન્ડસ્ટ્રીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે પેર્નોડ રિકાર્ડ કંપનીએ પણ ચિવાસ (Chivas), બેલેન્ટાઇન (Ballantine’s) અને ધ ગ્લેનલિવેટ (The Glenlivet) જેવા વિશ્વવિખ્યાત બ્રાન્ડ્સની કિંમતો ઘટાડવા માટે સરકાર સમક્ષ સત્તાવાર અરજી કરી દીધી છે. ગત ૧૫ જુલાઈએ આ ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં આવ્યા પછી સ્કોચ બનાવતી આ બે સૌથી મોટી વૈશ્વિક કંપનીઓ તરફથી ગ્રાહકો માટે કિંમતોમાં કરવામાં આવેલી આ પહેલી મોટી રાહત છે. આનાથી એ સ્પષ્ટ થશે કે આયાત ડ્યુટી (ટેરિફ) માં થયેલી બચતનો કેટલો ફાયદો આખરે ભારતમાં વ્હિસ્કીના શોખીનો સુધી પહોંચી રહ્યો છે.
બ્રાન્ડ્ડ વ્હિસ્કીના નવા ભાવ અને બજાર પર અસર
‘સ્પિરિચ્યુઅલ લક્ઝરી લિવિંગ’ના ફાઉન્ડર સંદીપ અરોરાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે યુકે એફટીએની સીધી અસર ‘બોટલ્ડ-ઇન-ઓરિજિન’ (જે યુકેમાં જ બોટલ પેક થઈને ભારત આવે છે) બ્રાન્ડ્સની કિંમતો પર પડશે. આનાથી ભારતીય સિંગલ માલ્ટ અને અન્ય દેશી-વિદેશી વ્હિસ્કી વચ્ચે સ્પર્ધાનું એક નવું જ વાતાવરણ ઊભું થશે. કિંમતોમાં તફાવત, નવી વ્હિસ્કીની બજારમાં આવક અને તેની ઉપલબ્ધતા ભારતીય માર્કેટ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. સંશોધિત કિંમતોને આખરી મંજૂરી મળે તે પહેલાં કંપનીઓએ રાજ્યના એક્સાઇઝ (આબકારી) વિભાગ પાસે ભાવ ઘટાડાના પ્રસ્તાવો જમા કરાવવા પડે છે અને વ્હિસ્કી યુકેમાં જ બની હોવાના પુરાવા પણ આપવા પડે છે.
ઉદાહરણ તરીકે, ડિયાજીયાઓ કંપનીની ૭૫૦ એમએલની ‘જોની વોકર બ્લેક લેબલ’ બોટલ હવે બજારમાં અંદાજે ૩,૮૦0 રૂપિયામાં મળી રહી છે, જેની અગાઉની કિંમત ૪,૨૫0 રૂપિયા હતી. તેવી જ રીતે, ‘જે એન્ડ બી’ ની કિંમત અગાઉ ૨,૩૦0 રૂપિયા હતી જે ઘટીને હવે આશરે ૧,૭০০ રૂપિયા થઈ ગઈ છે.

ટેરિફમાં મોટો ઘટાડો અને કિંમતો નક્કી થવાના સમીકરણો
ભારત-યુકે કરાર અંતર્ગત બ્રિટિશ વ્હિસ્કી પર લાગતો ટેરિફ ૧૫૦ ટકાથી ઘટાડીને સીધો ૭૫ ટકા કરી દેવામાં આવ્યો છે, એટલે કે ટેરિફ રેટમાં સીધો અડધો ઘટાડો થયો છે. એટલું જ નહીં, આગામી ૧૦ વર્ષમાં તેને વધુ ઘટાડીને ૪૦ ટકા સુધી લાવવામાં આવશે. જોકે, તેનો અર્થ એ નથી કે રિટેલ કિંમતોમાં પણ એટલો જ મોટો સીધો ઘટાડો જોવા મળશે, કારણ કે આયાત ડ્યુટી એ ફાઇનલ કિંમતનો માત્ર એક જ ભાગ છે. આ સિવાય રાજ્ય સરકારની એક્સાઇઝ ડ્યુટી, અન્ય ટેક્સ, ડિસ્ટ્રિબ્યુશન કોસ્ટ (વિતરણ ખર્ચ) અને કંપનીના માર્જિન પણ કિંમત નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ભારતીય બ્રાન્ડ્સ સામે સ્પર્ધા અને આગામી સમયના પડકારો
અગાઉ ડિયાજીયાઓ અંદાજ લગાવ્યો હતો કે તેમના ‘બોટલ્ડ-ઇન-ઓરિજિન’ સ્કોચ પોર્ટફોલિયોની કિંમતો રાષ્ટ્રીય સ્તરે સરેરાશ ૭ થી ૯ ટકા સુધી ઘટી શકે છે. કેટલાક રાજ્યોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે જેનું કારણ સ્ટેટ-સ્પેસિફિક પ્રાઇસિંગ સ્ટ્રક્ચર અને વ્યાપારી નિર્ણયો છે. આ તમામ બદલાવોથી ભારતની પ્રીમિયમ વ્હિસ્કી માર્કેટમાં હરીફાઈ તીવ્ર બનશે, જેમાં અમૃત (Amrut), પોલ જોન (Paul John) અને રામપુર (Rampur) જેવા ભારતીય સિંગલ માલ્ટ પણ સામેલ છે.
અમૃત ડિસ્ટિલરીઝના પ્રમુખ રક્ષિત જગદાલેના જણાવ્યા અનુસાર, આ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવા માટે તેમણે પણ કિંમતોમાં ફેરફાર અંગે વિચારણા શરૂ કરી દીધી છે, પરંતુ બજારનું વાસ્તવિક ચિત્ર સમજવા માટે તહેવારોની સિઝન પૂરી થવાની રાહ જોવી પડશે. હાલની આ શરૂઆતની કિંમત કાપણી દેશના સૌથી મોટા વ્હિસ્કી બજારોમાં લાગુ થઈ રહી છે, જેમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. પેર્નોડ રિકાર્ડના સીઈઓ એલેક્ઝાન્ડર રિકાર્ડ અગાઉ જણાવ્યું હતું કે તેમની કંપની આ કરારનો ઉપયોગ પોતાના બ્રાન્ડ્સને ગ્રાહકો માટે વધુ સસ્તા અને સુસંગત બનાવવા તેમજ બ્રિટનમાંથી નવા સ્કોચ ઉત્પાદનો રજૂ કરવા માટે કરશે.
