ટ્રમ્પનો નવો ટેક્સ: ભારતની કઈ વસ્તુઓ પર 10% ટેરિફ નહીં લાગે? જુઓ સંપૂર્ણ યાદી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારીને ફરી એકવાર ટેરિફનો દાવ ખેલ્યો છે. ટ્રમ્પે એક નવા પ્રોક્લેમેશન પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ હવે વિશ્વભરના દેશોએ અમેરિકામાં નિકાસ કરવા માટે 10% વધારાની ઈમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડશે. આ નવો નિયમ 24 ફેબ્રુઆરીની રાત્રે 12:01 વાગ્યાથી (EST) લાગુ થઈ જશે. જોકે, રાહતની વાત એ છે કે આ ટેરિફ તમામ વસ્તુઓ પર લાગુ નથી.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ટેરિફ લાગુ
તાજેતરમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે અગાઉના ટેરિફને ગેરબંધારણીય ગણાવીને રદ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ટ્રમ્પે આ આદેશને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે દેશના હિતમાં ટેરિફ વસૂલવામાં આવશે. તેમણે 1974ના એક્ટનો ઉપયોગ કરીને આ ‘ટેમ્પરરી ઈમ્પોર્ટ ડ્યુટી’ લાદી છે, જે આગામી 150 દિવસ સુધી અમલમાં રહેશે. ભારત માટે આ એક મોટો આર્થિક પડકાર છે, પરંતુ અમુક ચોક્કસ ક્ષેત્રોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ વસ્તુઓ પર ટેરિફ નહીં લાગે (મુક્તિની યાદી)
ટ્રમ્પના નવા આદેશ મુજબ, ભારત સહિત અન્ય દેશો નીચે મુજબની ચીજવસ્તુઓ પર 10% વધારાનો ટેક્સ ચૂકવ્યા વગર અમેરિકામાં સપ્લાય કરી શકશે:
- નાણાકીય અને ઊર્જા ક્ષેત્ર: કરન્સી (ચલણ), મિનરલ્સ, એનર્જી પ્રોડક્ટ્સ, બુલિયન (સોના-ચાંદીના લગડી) અને પુસ્તકો પર આ ટેરિફ લાગશે નહીં.
- કુદરતી સંસાધનો: નેચરલ રિસોર્સ અને ફર્ટિલાઇઝર (ખાતર) જે અમેરિકામાં માઇનિંગ કે ઉત્પાદિત કરી શકાતા નથી, તેને મુક્તિ મળી છે.
- કૃષિ અને ફાર્મા: બીફ, ટામેટાં, સંતરા, ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ (દવા બનાવવાના ઘટકો) પર ટેક્સ નહીં લાગે.
- વાહનવ્યવહાર: પેસેન્જર ગાડીઓ, હળવા ટ્રક, મધ્યમ અને ભારે વાહનો, બસો અને સ્પેરપાર્ટ્સને આ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
- એરોસ્પેસ: એરોસ્પેસ પ્રોડક્ટ્સ પર પણ કોઈ વધારાનો બોજ નહીં પડે.
ફાર્મા અને ઓટો સેક્ટરની સ્થિતિ
નોંધનીય છે કે ભારત માટે ફાર્મા સેક્ટર ખૂબ જ મહત્વનું છે. મોટાભાગની દવાઓને મુક્તિ મળી છે, પરંતુ યાદીમાં ઉલ્લેખિત અમુક ચોક્કસ ફાર્મા પ્રોડક્ટ્સ પર ટેરિફ લાગી શકે છે. તેવી જ રીતે, રેયર અર્થ એલિમેન્ટ્સ (દુર્લભ તત્વો) પર ટેક્સ લાગશે, જે ટેકનોલોજી ઉત્પાદનો માટે મોંઘા સાબિત થઈ શકે છે.
શું ભારતને રિફંડ મળશે?
ટ્રમ્પના આકરા વલણને જોતા એ સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટે ભલે ટેરિફને ગેરકાયદે ગણાવ્યો હોય, પરંતુ અત્યાર સુધી વસૂલવામાં આવેલ ટેક્સ પરત (Refund) કરવામાં આવશે નહીં. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના જજોની પણ ટીકા કરી છે અને કહ્યું છે કે આ ટેરિફ તમામ દેશોએ ભર જ પડશે.

