IPL 2026: BCCIએ 30 દિવસ પહેલા બદલ્યું શેડ્યૂલ, જાણો હવે કઈ તારીખથી શરૂ થશે 19મી સીઝન
ICC T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં છે. 8 માર્ચે રમાનારા ફાઈનલ મેચ બાદ દુનિયાને નવો ચેમ્પિયન મળી જશે, પરંતુ ક્રિકેટ ચાહકો માટે રોમાંચ અહીં પૂરો નહીં થાય. વર્લ્ડ કપના તરત જ બાદ આઈપીએલ (IPL) ની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ BCCI એ ટૂર્નામેન્ટની શરૂઆતની તારીખમાં અચાનક ફેરફાર કર્યો છે. હવે આ ટૂર્નામેન્ટ નિર્ધારિત સમય કરતાં 2 દિવસ મોડી શરૂ થશે.
26 માર્ચને બદલે હવે 28 માર્ચે થશે પ્રારંભ
ડિસેમ્બર 2025માં અબુ ધાબીમાં યોજાયેલા પ્લેયર્સ ઓક્શન દરમિયાન BCCI એ જાહેરાત કરી હતી કે IPL 2026 ની શરૂઆત 26 માર્ચથી થશે. પરંતુ હવે ટૂર્નામેન્ટ શરૂ થવાના લગભગ 30 દિવસ પહેલા બોર્ડે તેને બે દિવસ પાછળ ઠેલવાનો નિર્ણય લીધો છે. હવે આ સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થશે. જોકે, રાહતની વાત એ છે કે ફાઈનલની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે અગાઉ નક્કી કર્યા મુજબ 31 મેના રોજ જ રમાશે.
શેડ્યૂલ પર ગવર્નિંગ કાઉન્સિલની લાગશે મહોર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી સપ્તાહે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં ટૂર્નામેન્ટના સંપૂર્ણ શેડ્યૂલ પર સત્તાવાર મહોર મારવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ફ્રેન્ચાઈઝીઓ તરફથી બોર્ડ પર વહેલી તકે શેડ્યૂલ જાહેર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી તેઓ તેમની તૈયારીઓ સુવ્યવસ્થિત કરી શકે. શક્ય છે કે બોર્ડ પહેલા થોડા મેચોનું શેડ્યૂલ જાહેર કરે અને ત્યારબાદ લોકસભા ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને બાકીના કાર્યક્રમની જાહેરાત કરે.
પહેલો મેચ ક્યાં રમાશે? ઉભી થઈ મોટી મૂંઝવણ
IPL ની પરંપરા મુજબ, સીઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. આ નિયમ મુજબ પ્રથમ મેચ ગત વર્ષની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવી જોઈએ.
પરંતુ, અહીં એક મોટી સમસ્યા ઉભી થઈ છે. ગત વર્ષે RCB ની જીત બાદ ઉજવણી દરમિયાન સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી, જેમાં દુર્ભાગ્યવશ કેટલાક લોકોના મોત થયા હતા. આ ઘટનાને કારણે હાલમાં આ સ્ટેડિયમ પર ક્રિકેટ મેચો યોજવા પર રોક લગાવવામાં આવી છે. ગવર્નિંગ કાઉન્સિલે હવે એ નક્કી કરવાનું રહેશે કે ઉદ્ઘાટન મેચ બેંગલુરુમાં જ રમાશે કે પછી તેને કોઈ અન્ય સ્ટેડિયમ પર ખસેડવામાં આવશે.

