IPL 2026 માં BCCI ની ‘નોન-સેન્સ’ પોલિસી: ખેલાડીઓ અને પરિવાર માટે નવા કડક નિયમો જાહેર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ 10 ફ્રેન્ચાઈઝી માટે નવી ગાઈડલાઈન્સ જારી કરી છે. આ વખતે બોર્ડનો હેતુ ટુર્નામેન્ટમાં વ્યાવસાયિક વાતાવરણ જાળવવાનો અને મેદાનની મર્યાદાઓને સુરક્ષિત કરવાનો છે. નવા નિયમો મુજબ, હવે ખેલાડીઓના અંગત જીવન અને મેદાન પરના વર્તન પર વધુ દેખરેખ રાખવામાં આવશે.
ટીમ બસમાં મુસાફરી ફરજિયાત
અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે ઘણા સ્ટાર ખેલાડીઓ, ખાસ કરીને તેમના હોમ ટાઉન (પોતાના શહેરમાં) મેચ હોય ત્યારે પોતાની ખાનગી ગાડીમાં સ્ટેડિયમ પહોંચતા હતા. પરંતુ હવે BCCI એ સ્પષ્ટ કર્યું છે કે તમામ ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશન અને મેચ માટે ફરજિયાત ટીમ બસ માં જ મુસાફરી કરવી પડશે. આ નિયમ પાછળનો હેતુ ટીમમાં એકતા જાળવવાનો અને સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનો છે.
પરિવાર અને મિત્રો માટે નવા પ્રતિબંધો
આ સીઝનથી ખેલાડીઓના પરિવારના સભ્યો કે મિત્રો ટીમ બસમાં મુસાફરી કરી શકશે નહીં. તેમને સ્ટેડિયમ કે પ્રેક્ટિસ વેન્યુ પર પહોંચવા માટે અલગ વાહનની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત:
- ડ્રેસિંગ રૂમમાં પ્રવેશબંધી: પ્રેક્ટિસના દિવસોમાં પણ ખેલાડીઓના પરિવારજનો કે મિત્રો ડ્રેસિંગ રૂમમાં પ્રવેશી શકશે નહીં.
- બેઠક વ્યવસ્થા: જો પરિવારના સભ્યો પ્રેક્ટિસ જોવા માંગતા હોય, તો તેમણે માત્ર નક્કી કરેલા ‘હોસ્પિટાલિટી એરિયા’માં જ બેસવું પડશે.
પિચ અને મેદાનની જાળવણી
BCCI એ પિચની ગુણવત્તા જાળવવા માટે મેચના દિવસે મેદાન પર પ્રેક્ટિસ કરવા પર રોક લગાવી દીધી છે. મુખ્ય પિચની આસપાસના વિસ્તારમાં (Main Square) હવે કોઈ પણ પ્રકારનો ફિટનેસ ટેસ્ટ કરી શકાશે નહીં, જેથી પિચને કોઈ નુકસાન ન થાય.
કેપ અને ડ્રેસ કોડના નિયમો
ઓરેન્જ અને પર્પલ કેપ ધારકો માટે પણ આ વખતે નિયમ બદલાયો છે. આ ખેલાડીઓએ મેચ દરમિયાન ફરજિયાતપણે આ કેપ પહેરવી પડશે. જો ખેલાડી આખી મેચ દરમિયાન કેપ પહેરવા ન માંગતા હોય, તો પણ બ્રોડકાસ્ટિંગ અને ફેન્સ માટે મેચની શરૂઆતની પહેલી બે ઓવર સુધી કેપ પહેરવી અનિવાર્ય છે.
વધુમાં, પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ખેલાડીઓ હવે સ્લીવલેસ જર્સી કે ફ્લોપી હેટ (મોટી ટોપી) પહેરીને આવી શકશે નહીં. આ ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરનાર ખેલાડીને પ્રથમ વખત ચેતવણી આપવામાં આવશે અને ત્યારબાદ નાણાકીય દંડ ફટકારવામાં આવશે.

