આઈપીએલ 2026: એક વર્ષના વિરામ બાદ કાર્તિક ત્યાગીની ધમાકેદાર વાપસી, પ્રેક્ટિસ મેચમાં એક જ ઓવરમાં ઝડપી 3 વિકેટ
આઈપીએલની નવી સીઝનનો રોમાંચ 28 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે. તમામ ટીમો હાલ મેદાન પર પરસેવો પાડી રહી છે અને ખેલાડીઓ પોતાની લય મેળવવા માટે આકરી મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુવા ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી, જે ગયા વર્ષે આઈપીએલથી દૂર રહ્યો હતો, તેણે પ્રેક્ટિસ દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા છે.
પ્રેક્ટિસમાં મચાવી સનસનાટી
આઈપીએલ 2026 માટે ખેલાડીઓની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ સીઝનનો પ્રથમ મુકાબલો 28 માર્ચના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ અને આરસીબી વચ્ચે ખેલાશે. આ પહેલા કેકેઆર દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કાર્તિક ત્યાગી પ્રેક્ટિસ મેચ દરમિયાન બેટ્સમેનો પર કહેર વર્તાવતો જોવા મળી રહ્યો છે. ત્યાગીએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને પોતાની ફિટનેસ અને ફોર્મનો પુરાવો આપ્યો છે. ભલે આ પ્રેક્ટિસ મેચ હોય, પણ તેની બોલિંગમાં જોવા મળેલી ધાર વિરોધી ટીમો માટે ચેતવણી સમાન છે.
2020 માં કર્યું હતું શાનદાર ડેબ્યૂ
કાર્તિક ત્યાગીએ વર્ષ 2020 માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેણે પોતાની ગતિ અને સચોટ યોર્કરથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ડેબ્યૂ સીઝનમાં તેને 10 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 9 વિકેટ ઝડપી હતી. જોકે, ત્યારબાદ ઈજા અને ફોર્મના કારણે તે સતત મેચો રમી શક્યો નહીં. 2021 માં તેને માત્ર 4 મેચ મળી હતી. વર્ષ 2022 થી 2024 સુધી તે અલગ-અલગ ટીમો સાથે જોડાયેલો રહ્યો, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં તેને પૂરતી તક મળી નહીં. વર્ષ 2025 માં તો તે આઈપીએલની બહાર જ થઈ ગયો હતો, પરંતુ હવે 2026 માં તે ફરી એકવાર મેદાન મારવા તૈયાર છે.
KKR એ 30 લાખમાં આપી તક
રસપ્રદ વાત એ છે કે, કાર્તિક ત્યાગીની સેલેરી ગ્રાફમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે રાજસ્થાન રોયલ્સ તેને 1 કરોડથી વધુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 4 કરોડ રૂપિયા આપતી હતી. પરંતુ આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેને માત્ર 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ભલે કિંમત ઓછી હોય, પરંતુ ત્યાગી પાસે પોતાની પ્રતિભા સાબિત કરવાની આ સુવર્ણ તક છે.

