જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરનો જનસેવા યજ્ઞ: એક વર્ષમાં ૧૦૦ ગામોની મુલાકાત લઈ લોકપ્રશ્નોનું નિરાકરણ
વહીવટી કાર્યભારની વ્યસ્તતા વચ્ચે પણ જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે લોકસંપર્કનો અનોખી મિસાલ કાયમ કરી છે. ૧ એપ્રિલ ૨૦૨૫થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીના ટૂંકા ગાળામાં તેમણે જિલ્લાના ૧૦૦ જેટલા છેવાડાના ગામોની રૂબરૂ મુલાકાત લીધી છે. તેમની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી સીમિત ન રહેતા, ગ્રામીણ જનતા માટે ‘જન-સેવા યજ્ઞ’ સમાન સાબિત થઈ છે. કલેક્ટરશ્રીએ પંચાયત ભવનથી લઈને ખેતરના છેડા સુધી પહોંચીને સરકારી યોજનાઓનું સીધું અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે.
રાત્રી સભા અને ગ્રામીણ પ્રવાસ: વહીવટ હવે જનતાના દ્વારે
કલેક્ટર કેતન ઠક્કરની કાર્યશૈલીમાં ‘રાત્રી સભાઓ’ સૌથી પ્રભાવી પાસું રહી છે. ગામડાઓમાં રાત્રિ રોકાણ કરીને તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો છે. આ સભાઓ દરમિયાન આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંગે સ્થળ પર જ માર્ગદર્શન આપી ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગ્રામ પંચાયતોની આકસ્મિક તપાસ કરી રેકોર્ડ અદ્યતન કરાવવા, જમીન પરના દબાણો દૂર કરવા અને વેરા વસૂલાત જેવી મહેસૂલી કામગીરીને પણ તેમણે નવી ગતિ આપી છે.
શિક્ષણ, આરોગ્ય અને પોષણ પર વિશેષ દેખરેખ
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે કલેક્ટરશ્રીએ સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે:
-
શિક્ષણ અને મધ્યાહન ભોજન: શાળાઓની ઓચિંતી મુલાકાત લઈ બાળકોના ભણતરનું સ્તર અને ભોજનની ગુણવત્તા તપાસી હતી. રસ્તામાં ચાલતા જતા વિદ્યાર્થીઓ સાથે વાત કરી શિક્ષણ અંગે પ્રતિભાવ મેળવવાનો તેમનો અંદાજ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
-
આરોગ્ય સુવિધા: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાનો જથ્થો અને સાધનોની સમીક્ષા કરી ગ્રામજનોને ઉત્તમ સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવી હતી.
-
આંગણવાડી: નાના બાળકો અને સગર્ભા માતાઓને મળતા પૌષ્ટિક આહારની ગુણવત્તા બાબતે તેઓએ કડક સૂચનાઓ આપી હતી.
માનવીય અભિગમ અને રાજ્યકક્ષાએ સરાહના
કલેક્ટરશ્રીએ પોતાની કામગીરીમાં માનવીય મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું છે. મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવાના તેમના નિર્ણયની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ નોંધ લીધી હતી. આ ઉપરાંત, રાજ્યના એડી. ચીફ સેક્રેટરી ડૉ. જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોના હિતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન અને મહેસૂલી કોર્ટ કેસો જેવી જટિલ જવાબદારીઓ સંભાળતા હોવા છતાં, છેવાડાના માનવી સુધી પહોંચવાના તેમના આ સંકલ્પે વહીવટી તંત્રમાં નવો વિશ્વાસ જગાડ્યો છે.


