ઓસ્ટ્રેલિયાના દિગ્ગજોનો સ્વીકાર: વી.વી.એસ. લક્ષ્મણનો ખૌફ, સચિનની મહાનતા અને બ્રાયન લારાનું સર્વોચ્ચ સ્થાન
ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ૨૦૦૦ના દાયકાની શરૂઆતની ટીમને ‘અજેય’ માનવામાં આવતી હતી. ગ્લેન મેકગ્રા, જેસન ગિલેસ્પી, બ્રેટ લી અને શેન વોર્ન જેવા બોલરોથી સજ્જ આ ટીમ સામે વિશ્વનો કોઈપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી રહેતા ડરતો હતો. પરંતુ આ મજબૂત ઓસ્ટ્રેલિયન આક્રમણ સામે બે ભારતીય બેટ્સમેનોએ એવી અડગતા બતાવી કે જે આજે પણ ક્રિકેટ પ્રેમીઓના મનમાં તાજી છે – એક હતા ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકર અને બીજા હતા ‘વેરી વેરી સ્પેશિયલ’ વી.વી.એસ. લક્ષ્મણ.
હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીએ એક પોડકાસ્ટ દરમિયાન પોતાના સમયના ટોચના પાંચ બેટ્સમેનોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તેમણે લક્ષ્મણ પ્રત્યેનો પોતાનો ડર, સચિનની સાતત્યતા અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાને કેમ તેઓ વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેન માને છે, તેના પર ખુલીને ચર્ચા કરી છે.
ઇડન ગાર્ડન્સનો એ ખૌફ અને વી.વી.એસ. લક્ષ્મણ પ્રત્યેની કંટાળો
એક સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયા માટે સચિન તેંડુલકર સૌથી મોટો પડકાર હતો, પરંતુ ૨૦૦૧ની કોલકાતા ટેસ્ટ પછી ચિત્ર બદલાઈ ગયું. ગિલેસ્પીએ જણાવ્યું કે, “મારો માનદ ઉલ્લેખ (Honorable Mention) વી.વી.એસ. લક્ષ્મણ માટે છે. ૨૦૦૧માં કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં તેણે જે રીતે અમને હરાવ્યા હતા, તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. તેની ૨૮૧ રનની એ ઇનિંગ મેં અત્યાર સુધી જોયેલી શ્રેષ્ઠ ટેસ્ટ ઇનિંગ્સમાંની એક હતી.”
ગિલેસ્પીએ જૂની યાદો તાજી કરતા કહ્યું કે લક્ષ્મણને આઉટ કરવા માટે તેમણે તમામ રણનીતિઓ અપનાવી જોઈ હતી, પણ બધું જ નિષ્ફળ રહ્યું હતું. ખાસ કરીને શેન વોર્ન જેવા જાદુઈ સ્પિનર સામે લક્ષ્મણે જે રીતે ફૂટવર્કનો ઉપયોગ કરીને શોટ્સ માર્યા હતા, તે અદ્ભુત હતા. લક્ષ્મણનો આ ખૌફ માત્ર સિનિયર ક્રિકેટમાં જ નહોતો. ગિલેસ્પી જ્યારે અંડર-૧૯ ક્રિકેટ રમવા ભારત આવ્યા હતા, ત્યારે પણ લક્ષ્મણે બોર્ડ પ્રેસિડેન્ટ્સ XI અને યુવા ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા સામે સદીઓ ફટકારી હતી. ગિલેસ્પીએ હસતા હસતા સ્વીકાર્યું, “હું ખરેખર વી.વી.એસ. લક્ષ્મણને ક્રિઝ પર જોઈને કંટાળી ગયો હતો. તેણે અમને એટલા હેરાન કર્યા હતા કે જ્યારે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે મને સૌથી વધુ આનંદ એ વાતનો થયો કે હવે મારે લક્ષ્મણને બોલિંગ નહીં કરવી પડે!”
સચિન તેંડુલકર: રન બનાવવાનું અવિરત મશીન
જેસન ગિલેસ્પીની યાદીમાં સચિન તેંડુલકર બીજા સ્થાને છે. જોકે તેમણે સ્વીકાર્યું કે વિશ્વના મોટાભાગના ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો માટે સચિન હંમેશા નંબર ૧ રહેશે. સચિનના આંકડા જ તેની મહાનતાની સાક્ષી પૂરે છે. ૨૦૦ ટેસ્ટ મેચોમાં ૫૩.૮ની સરેરાશથી લગભગ ૧૬,૦૦૦ રન અને ૫૧ સદીઓ, એટલે કે દર ચાર ટેસ્ટ મેચમાં એક સદી! આ ઉપરાંત વન-ડે ક્રિકેટમાં ૪૯ સદી અને ૧૮,૦૦૦થી વધુ રન.
ગિલેસ્પીના મતે, સચિન વિશ્વ ક્રિકેટમાં એક એવું ‘રન મશીન’ હતો જેને રોકવો અશક્ય સમાન હતો. સચિન સામે બોલિંગ કરવી એ કોઈપણ બોલર માટે માનસિક અને શારીરિક રીતે ભારે કસોટી સમાન હતું, કારણ કે તે તેની ટેકનિકમાં ક્યાંય ખામી છોડતો નહોતો.
બ્રાયન લારા: નંબર વન કેમ?
સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડી હોવા છતાં, ગિલેસ્પીએ વેસ્ટ ઈન્ડિઝના લિજેન્ડ બ્રાયન ચાર્લ્સ લારાને પોતાના લિસ્ટમાં પ્રથમ સ્થાને રાખ્યો છે. તેની પાછળનું કારણ સમજાવતા ગિલેસ્પીએ એક બોલર તરીકેના પોતાના દ્રષ્ટિકોણની વાત કરી. તેમણે કહ્યું, “સામાન્ય રીતે જ્યારે તમે સચિન કે રાહુલ દ્રવિડ જેવા બેટ્સમેન સામે તમારી સર્વશ્રેષ્ઠ બોલિંગ કરો છો, ત્યારે તેઓ પરંપરાગત રીતે રમે છે. તેઓ કાં તો ડિફેન્સ કરશે અથવા બોલને છોડી દેશે. આનાથી બોલર તરીકે તમે ડોટ બોલ ફેંકીને દબાણ બનાવી શકો છો.”
“પરંતુ બ્રાયન લારા સાથે આવું ક્યારેય શક્ય નહોતું. લારા ક્યારે કયો ગિયર બદલશે તે નક્કી જ નહોતું. તમે ઑફ-સ્ટમ્પની લાઇન પર તમારો શ્રેષ્ઠ બોલ ફેંકો, અને લારા અચાનક તેને મિડ-વિકેટ પર ફ્લિક કરી દે કે પોઇન્ટ પાછળ બાઉન્ડ્રી ભેગો કરી દે. તેની પાસે બોલરના સારા બોલ પર પણ ચોગ્ગો મારીને બોલરને દબાણમાં લાવી દેવાની અદભુત ક્ષમતા હતી. તેથી જ લારા મારા માટે સૌથી ખતરનાક અને નંબર વન બેટ્સમેન છે.”
ગ્લેન મેકગ્રાએ પણ પુરાવ્યો સૂર
આ પોડકાસ્ટમાં ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા પણ હાજર હતા અને તેમણે જેસન ગિલેસ્પીની આ વાત સાથે સંપૂર્ણ સહમતી દર્શાવી હતી. સચિન અને લારા વિશે વાત કરતા મેકગ્રાએ કહ્યું, “આ બંને ખેલાડીઓ ક્રિકેટ જગતના સર્વકાલીન મહાન બેટ્સમેન છે. સચિન માનસિક રીતે અત્યંત મજબૂત હતો. એક બોલર તરીકે તમને ખબર જ હોય કે સચિન સામે તમારે આખો દિવસ સખત મહેનત કરવી પડશે.”
જોકે, લારા વિશે વાત કરતા મેકગ્રાના અવાજમાં પણ પ્રશંસાભાવ જોવા મળ્યો. તેમણે ૧૯૯૯ની બાર્બાડોસ ટેસ્ટ યાદ કરી, જ્યાં લારાએ અણનમ ૧૫૩ રન બનાવીને વેસ્ટ ઈન્ડિઝને જીત અપાવી હતી. મેકગ્રાએ કહ્યું, “લારા એક સંપૂર્ણ પ્રતિભા (Genius) હતો. જો તે ફોર્મમાં હોય અને તેનો મૂડ હોય, તો તમને ખબર પડી જ જાય કે આજે મેદાન પર તમારો દિવસ બહુ લાંબો અને મુશ્કેલ રહેવાનો છે. બાર્બાડોસમાં અમે અદભુત બોલિંગ કરી રહ્યા હતા, બોલ રિવર્સ-સ્વિંગ થઈ રહ્યો હતો, છતાં લારાએ પૂંછડિયા બેટ્સ

