“મને માફ કરજે, હું તને ટીમમાં ન રાખી શકી”: પ્રીતિ ઝિન્ટાએ જીતેશ શર્માને ફોન કરીને કહી આ વાત
ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર અને વિસ્ફોટક ફિનિશર જીતેશ શર્માએ તાજેતરમાં પંજાબ કિંગ્સ (PBKS) ની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા સાથેના પોતાના અતૂટ સંબંધો વિશે ખુલાસો કર્યો છે. આઈપીએલ ઓક્શન દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માં ગયા બાદ, જીતેશ અને પ્રીતિ વચ્ચે થયેલી વાતચીતે ચાહકોના દિલ જીતી લીધા છે. જીતેશ પ્રીતિને પોતાની મોટી બહેન સમાન માને છે અને તેમની વચ્ચેનો આ સંબંધ માત્ર ક્રિકેટના મેદાન પૂરતો મર્યાદિત નથી.
હિમાચલ કનેક્શન અને મોટી બહેન જેવો સ્નેહ
રણવીર અલ્લાહબદિયાના પોડકાસ્ટમાં વાત કરતા જીતેશ શર્માએ જણાવ્યું કે પ્રીતિ ઝિન્ટા સાથે તેનો સંબંધ ખૂબ જ વ્યક્તિગત અને આદરપૂર્ણ છે. જીતેશ મૂળ હિમાચલ પ્રદેશનો છે અને પ્રીતિ પણ ત્યાંની જ હોવાથી બંને વચ્ચે શરૂઆતથી જ એક અલગ પ્રકારનું જોડાણ રહ્યું છે. જીતેશે કહ્યું, “તેઓ મને વ્યક્તિગત રીતે મેસેજ અને ફોન કરે છે. જ્યારે તેમને ખબર પડી કે હું પણ હિમાચલનો છું, ત્યારે અમે કલાકો સુધી સામાન્ય બાબતો પર વાતો કરતા હતા. તેઓ ખરેખર ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે.”
ઓક્શનનો ભાવુક કિસ્સો: 11 કરોડની બોલી અને પ્રીતિનો ફોન
IPL ઓક્શનની એક દિલસ્પર્શ ઘટના શેર કરતા જીતેશે જણાવ્યું કે પંજાબ કિંગ્સ તેને ટીમમાં રાખવા માટે ખૂબ જ આતુર હતું. પંજાબે જીતેશ પર 7 કરોડ રૂપિયામાં ‘રાઈટ ટુ મેચ’ (RTM) કાર્ડનો ઉપયોગ પણ કર્યો હતો, પરંતુ RCBએ 11 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવી દીધી હતી, જેની બરાબરી પંજાબ કિંગ્સ કરી શક્યું નહોતું. આ ઘટના બાદ પ્રીતિ ઝિન્ટાએ જીતેશને વ્યક્તિગત રીતે ફોન કર્યો હતો.
જીતેશે વધુમાં ઉમેર્યું, “મેમે મને ફોન કરીને કહ્યું કે, ‘મને ખૂબ જ અફસોસ છે કે હું તને મારી ટીમમાં ન લઈ શકી.’ આ એક મોટી બહેન અને નાના ભાઈ જેવો સંબંધ હતો. તેઓ ઈચ્છતા હતા કે હું તેમની ટીમમાં રહું, પણ સાથે સાથે તેઓ એ વાતથી પણ ખૂબ ખુશ હતા કે મને 11 કરોડ રૂપિયા મળ્યા છે. તેમણે મને આ પૈસા સાચી જગ્યાએ રોકાણ કરવાની સલાહ પણ આપી હતી.”
પંજાબથી બેંગ્લોર સુધીની સફર: એક નવો ટર્નિંગ પોઈન્ટ
જીતેશ શર્મા માટે પંજાબ કિંગ્સ સાથે વિતાવેલા ત્રણ સીઝન તેના કરિયરનો ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થયા છે. ત્યાં તેણે 40 મેચોમાં 730 રન બનાવીને પોતાની ઓળખ એક મજબૂત મધ્યમ ક્રમના બેટ્સમેન તરીકે ઊભી કરી હતી. હવે RCB માટે એક ભરોસાપાત્ર ફિનિશર તરીકે ઉભરી રહેલા જીતેશનું માનવું છે કે મુશ્કેલ સમયમાં શાંત રહીને મેચ જીતાડવાની ક્ષમતા તેને જૂના અનુભવોમાંથી જ મળી છે. ગત સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવવામાં પણ તેની પરિપક્વ ઇનિંગ્સનો મોટો ફાળો રહ્યો હતો.

