ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કપરાડા શાળામાં સ્ટેમ લેબનું લોકાર્પણ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે અત્યાધુનિક ‘સ્ટેમ લેબ’ (STEM Lab) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી લેબ આદિવાસી વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું ટેકનિકલ જ્ઞાન પૂરૂં પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
શું છે સ્ટેમ લેબ અને તેના ફાયદા?
સ્ટેમ (STEM) એટલે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. આ લેબ માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પણ પ્રાયોગિક અનુભવ પર ભાર મૂકે છે. લેબમાં ઉપલબ્ધ આધુનિક સંસાધનો વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે:
-
થ્રી-ડી પ્રિન્ટર: વિદ્યાર્થીઓ પોતાના ડિજિટલ મોડેલ્સને વાસ્તવિક રૂપ આપી શકશે.
-
વી.આઈ. કેમેરા અને ડ્રોન: આધુનિક ફોટોગ્રાફી અને એરોડાયનેમિક્સની સમજ મેળવી શકશે.
-
ઇલેક્ટ્રોનિક્સ સાધનો: સર્કિટ ડિઝાઇનિંગ અને રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો શીખી શકશે.
વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાની નેમ
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન શિક્ષણને મજબૂત કરવા કટિબદ્ધ છે. તેમણે વિદ્યાર્થીઓને નવીન વિચારશક્તિ કેળવી આધુનિક ટેકનોલોજીના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પણ ઉમેર્યું હતું કે, આ લેબ વિદ્યાર્થીઓની પ્રાયોગિક સમજ અને ટેકનોલોજીકલ કુશળતા વધારવામાં માઈલસ્ટોન સાબિત થશે.
સમગ્ર શાળા પરિવારમાં ઉત્સાહનો માહોલ
આ ઉદ્ઘાટન સમારોહમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય, શિક્ષકો, એસ.એમ.ડી.સી.ના વાલી સભ્યો અને સ્ટેમ લેબના મેન્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ ૧૧ અને ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લેબના સાધનોનું નિદર્શન નિહાળ્યું હતું. આધુનિક સુવિધાઓ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ રસપ્રદ અને રોજગારલક્ષી બનાવશે.
