ટેક્નોલોજી અને સબસિડીથી માઢી ગામના નર્સરી ઉદ્યોગને મળ્યો નવો વેગ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું માઢી ગામ આજે નર્સરી ઉદ્યોગના આગવા કેન્દ્ર તરીકે ઓળખાઈ રહ્યું છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં નેટ હાઉસ, પોલીહાઉસ અને ગુણવત્તાવાળી કૃષિ પદ્ધતિઓના પ્રોત્સાહનથી ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. બાગાયત ખાતાની સમયસર મળતી સહાય અને માર્ગદર્શક વ્યવસ્થાથી ગામની નર્સરીઓને સુવ્યવસ્થિત વિકાસ મળ્યો છે. પરિણામે માઢી ગામ નર્સરી વ્યવસાયમાં રાજ્ય અને પડોશી રાજ્યો માટે વિશ્વસનીય સપ્લાયર બની ગયું છે.
રાજ્યસ્તરે સપ્લાયથી ગામની આર્થિક સ્થિતિ મજબૂત
હાલ ગામમાં આશરે 52 નર્સરીઓ કાર્યરત છે, જ્યાં શાકભાજીથી લઈને ફળ અને ફૂલોના રોપાં મોટા પાયે ઉછેરવામાં આવે છે. માઢી ગામના રોપાં માત્ર મહેસાણા અથવા ઉત્તર ગુજરાત માટે નહીં, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સુધી પહોંચે છે. દર વર્ષે કરોડો રોપાંના વેપારથી ગામની આવકમાં અમૂલ્ય વધારો થયો છે. ગ્રામજનો કહે છે કે આ વ્યવસાયના કારણે છેલ્લા દાયકામાં ગામની આર્થિક રચનામાં પરિવર્તન આવ્યું છે.
નર્સરી ઉદ્યોગની શરૂઆત અને વિસ્તરણનો સફર
માઢી ગામમાં નર્સરી વ્યવસાયની શરૂઆત નાથાભાઈ પટેલના પ્રયાસોથી થઈ હતી. ત્યારે પરંપરાગત પડકી પદ્ધતિથી રોપાં તૈયાર કરી ખેડૂતોને પૂરા પાડવામાં આવતા હતા. સમય સાથે તેમણે મંડપ અને નેટ હાઉસ પદ્ધતિ અપનાવીને વધુ ગુણવત્તાવાળા રોપાંનું ઉત્પાદન શરૂ કર્યું. તેમની કાર્યપદ્ધતિથી પ્રેરાઈ અનેક ખેડૂતોએ પણ આ ક્ષેત્રમાં પગલું ભર્યું. આજે ગામમાં 52 નર્સરીઓ સફળતાપૂર્વક ચાલી રહી છે અને તેમનો કુલ વાર્ષિક ટર્નઓવર અંદાજે 50થી 55 કરોડ સુધી પહોંચી ગયો છે.
રોજગારની નવી તક અને ગામમાં સ્થિર આવક
ગામની દરેક નર્સરીમાં સરેરાશ 20 જેટલા મજૂરો કાર્યરત રહે છે, જ્યારે કુલ મળીને 1,000થી વધુ લોકો આ વ્યવસાય પર આધારિત છે. સીઝન દરમિયાન રોજગારીની સંખ્યા વધુ વધે છે, જે મહિલા મજૂરો તેમજ યુવાવર્ગ માટે સ્થાયી આવકનું મહત્વનું સાધન બન્યું છે. નર્સરી ઉદ્યોગ વિકસતાં ગામના લોકોને રોજગાર માટે બહાર જવા જવાની જરૂર ઘટી ગઈ છે અને સ્થાનિક સ્તરે અનેક પરિવારોને આર્થિક સ્થિરતા મળી છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુણવત્તાવાળું રોપા ઉત્પાદન
માઢી ગામની નર્સરીઓમાં ટામેટા, મરચાં, રીંગણ, કોબીજ, ફૂલાવર, ગલગોટા અને તડબૂચ જેવા પાકોના રોપાં આધુનિક પદ્ધતિઓથી ઉછેરવામાં આવે છે. ટ્રેમાં બીજ વાવવાની પદ્ધતિ, નિયંત્રિત તાપમાન અને પોષક તત્ત્વોની ચોક્કસ વ્યવસ્થા રોપાંને વધુ મજબૂત બનાવે છે. ખેડૂતો માટે તૈયાર રોપાં સરળતાથી પ્રાપ્ત થવાના કારણે તેમની વાવણીની સફળતા વધે છે તથા ઉત્પાદન ગુણવત્તામાં સુધારો નોંધાય છે.
સરકારની સબસિડી અને માર્ગદર્શનથી ઉદ્યોગને વેગ
તુલસી નર્સરીના સંચાલક વિપુલભાઈ પટેલ જણાવે છે કે નેટ હાઉસ અને પોલીહાઉસ માટે સરકારની સબસિડીને કારણે ખર્ચમાં અડધાથી વધુ ઘટાડો થયો છે. બાગાયત ખાતાની સહાય અને ટેકનિકલ માર્ગદર્શનથી નર્સરીઓ વધુ આધુનિક બની શકી છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની મંજૂરીથી ખેડૂતોને રોપાં ખરીદી પર બિલ સાથે સબસિડી મળવાની સુવ્યવસ્થા ઉભી થઈ છે. વિપુલભાઈનું માનવું છે કે આ પારદર્શક પ્રક્રિયાના કારણે નર્સરી સંચાલકો અને ખેડૂતો બંનેને સીધો લાભ મળે છે.

