ન ફાયર NOC, ન રજિસ્ટ્રેશન: સુરતની પ્લાસ્ટિક ફેક્ટરીમાં માલિકોની ઘોર બેદરકારીએ લીધો 4નો જી
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગના કેસમાં ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરતા ફેક્ટરી માલિક સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. ૧૯ જાન્યુઆરીના રોજ લાગેલી આ ભીષણ આગમાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, સારવાર દરમિયાન પાંચમાંથી ચાર શ્રમિકોના મોત નિપજતા આ મામલો અત્યંત ગંભીર બન્યો હતો. પોલીસે આ ઘટનામાં બેદરકારીનો ગુનો નોંધી ૩૫ વર્ષીય અબ્દુલ કાદિર રફીક મેમણ અને ૩૭ વર્ષીય મોહમ્મદ હુસૈન રફીક મેમણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જે ચોંકાવનારા ખુલાસા થયા છે તે મુજબ, ફેક્ટરીમાં પ્લાસ્ટિક ક્રશિંગ મશીન સતત ચાલવાને કારણે ઓવરહિટીંગ થયું હતું. મશીન વધુ પડતું ગરમ થઈ જવાને કારણે તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં પ્લાસ્ટિકના વેસ્ટનો નિકાલ કરવાને બદલે તેનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર કામ કરી રહેલા શ્રમિકોને બહાર નીકળવાની તક સુધ્ધાં મળી નહોતી.
ઉધના પોલીસની તપાસમાં ફેક્ટરી માલિકની ગુનાહિત બેદરકારી પણ સામે આવી છે. આ ફેક્ટરી પાસે ફાયર સેફ્ટી માટેનું અનિવાર્ય ‘ફાયર NOC’ પણ નહોતું અને ફેક્ટરીના નિયમો મુજબ તેનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું નહોતું. વધુમાં, ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને કોઈ પણ પ્રકારના સેફ્ટી જેકેટ કે સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા નહોતા. માલિકો દ્વારા ખર્ચ બચાવવા માટે બિનઅનુભવી શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હતા, જેમને આવી કટોકટીની સ્થિતિમાં કેવી રીતે બચવું તેની કોઈ જાણકારી નહોતી.
આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એન. દેસાઈએ જણાવ્યું હતું કે, ફેક્ટરી માલિકોએ સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને ફેક્ટરી ચલાવી રહ્યા હતા. શ્રમિકોના મોતના કિસ્સામાં તેમની સીધી બેદરકારી જણાતા અને તમામ પુરાવાઓ ધ્યાને રાખીને બંને માલિકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને નિયમોના ઉલ્લંઘન બદલ અન્ય કયા પગલાં લઈ શકાય તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.