કરાચીમાં રમઝાનના પહેલા જ દિવસે માતમ: ગેસ બ્લાસ્ટમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 16 ના કમકમાટીભર્યા મોત
પાકિસ્તાનના કરાચી શહેરમાં ગુરુવારે વહેલી સવારે એક કાળજું કંપાવનારી ઘટના બની છે. રમઝાન માસના પ્રથમ દિવસે, જ્યારે લોકો પવિત્ર ‘સહરી’ની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધીમાં 13 થી 14 ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા છે.
સહરીના સમયે સર્જાયો કાળમુખો ધડાકો
આ કરૂણ ઘટના કરાચીના સોલ્જર બજાર વિસ્તારમાં આવેલી ગુલ રાણા કોલોનીમાં વહેલી સવારે 4:15 થી 4:30 ના સમયગાળા દરમિયાન બની હતી. રમઝાનના પહેલા રોજા માટે પરિવારો જ્યારે સૂર્યોદય પહેલાના ભોજન (સહરી)ની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક થયેલા શક્તિશાળી વિસ્ફોટે ત્રણ માળની ઇમારતને મલબામાં ફેરવી દીધી હતી. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના મકાનોની બારીઓના કાચ પણ ફૂટી ગયા હતા.
મૃતકોમાં માસૂમ બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ
રેસ્ક્યૂ 1122 ના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 4 બાળકો, 7 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ મુજબ, વિસ્ફોટ ઇમારતના પહેલા માળે થયો હતો. કાટમાળમાંથી જીવતી બહાર કઢાયેલી 14 વર્ષની બાળકી સહિત તમામ ઘાયલોની સારવાર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગેરકાયદે બાંધકામ અને બચાવ કાર્યમાં અવરોધ
પ્રાથમિક તપાસમાં વિસ્ફોટનું કારણ ગેસ લીકેજ અથવા સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું મનાય છે. રેસ્ક્યૂ અધિકારી ડો. આબિદ શેખે જણાવ્યું કે, આ ઇમારત કાયદેસર નહોતી અને તેમાં ખૂબ જ નાની જગ્યામાં અનેક રૂમો બનાવવામાં આવ્યા હતા. વિસ્તારની ગલીઓ સાંકડી હોવાને કારણે બચાવકર્મીઓને ભારે મશીનરી ઘટનાસ્થળ સુધી પહોંચાડવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
સરકારી તંત્રની ઉંઘ ઉડી: જર્જરિત ઇમારતો મોટો ખતરો
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શહબાઝ શરીફે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. સિંધના મુખ્યમંત્રીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે કરાચીમાં લગભગ 600 જેટલી ઇમારતો ભયજનક જાહેર કરવામાં આવી હોવા છતાં લોકો ત્યાં રહેવા મજબૂર છે. આ પહેલા જુલાઈ 2025 માં પણ લયારી વિસ્તારમાં ઇમારત પડવાથી 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા, છતાં તંત્ર હજુ પણ ઘસઘસાટ ઉંઘી રહ્યું હોય તેવું લાગે છે.

