રાજ્યમાં 200થી વધુ મંગલમ કેન્ટીન, 1700 મહિલાઓની કમાણીનો બની રહ્યો આધાર
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાજ્યભરમાં મહિલાઓને વ્યવસાયિક રીતે મજબૂત બનાવવા માટે સખી મંડળ આધારિત પ્રયોગ ઝડપ પકડી રહ્યો છે. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા ભાવને હકીકત બનાવતા મહિલા સ્વસહાય જૂથો દ્વારા ચાલતા ‘મંગલમ કેન્ટીન’ મોડલના કારણે ગામડાથી શહેરી વિસ્તારો સુધી રોજગારીનું નવું જ નેટવર્ક ઉભું થયું છે. હાલ કાર્યરત 200થી વધુ કેન્ટીન મહિલાશક્તિના આ સફળ પરિવર્તનનાં સાક્ષી બની રહ્યા છે.
સરકારી-શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓ દ્વારા સંચાલિત કેન્ટીન સેવા
આ મંગલમ કેન્ટીનોએ સરકારી કચેરી, કોલેજ, હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એનજીઓ સહિત અનેક સંસ્થાઓમાં પોતાની જગ્યા બનાવી છે. રસોડાથી લઈને વ્યવસ્થાપન સુધી મહિલાઓ પોતાની કુશળતા રજૂ કરી રહી છે. રોજગારીની સાથે પોતાના કામ માટે મોટી સંખ્યામાં મહિલાઓ આત્મવિશ્વાસ પણ મેળવે છે, જે પરિવારના આર્થિક આધારને મજબૂત બનાવે છે.
1700થી વધુ મહિલાઓ માટે રોજગાર અને પ્રતિમાસ સારી આવક
કેન્ટીન સંચાલનમાં જોડાયેલી મહિલાઓને પ્રતિમાસ રૂ.10 હજારથી 50 હજાર સુધીની આવક મળી રહી છે. આવકમાં આ વધારો મહિલા આર્થિક સશક્તિકરણનું મહત્વપૂર્ણ ચિહ્ન બની રહ્યો છે. પોતાના ઘરની જવાબદારીઓ સાથે વ્યવસાયિક પ્રગતિનું સંકલન બનાવી શકવાની ક્ષમતા હવે વધુ માતૃશક્તિમાં વિકસતી જોવા મળે છે.
નવા વર્ષમાં 30 વધુ કેન્ટીન, ‘વન ડિસ્ટ્રિક્ટ વન કેન્ટીન’ અભિયાન તેજ
રાજ્ય સરકાર આ વર્ષે વન ડિસ્ટ્રિક્ટ વન કેન્ટીન અભિયાન અંતર્ગત સમાન નામ-ડીઝાઈન સાથે 30 નવી મંગલમ કેન્ટીન શરૂ કરવાની દિશામાં કાર્યરત છે. જેમાંથી 27 કેન્ટીન પહેલેથી જ સેવામાં પ્રવર્તમાન થઈ ચૂકી છે. પોલીસ વિભાગથી લઈને મ્યુનિસિપલ ઓફિસ સુધી આ સેવાઓ પહોંચે તે દિશામાં સતત આયોજન ચાલી રહ્યું છે.
તાલીમ અને માર્ગદર્શનથી ઉદ્યોગ તરફ મહિલાઓના દ્રઢ પગલાં
વિશેષ પ્રસંગો અને સ્થાનિક કાર્યક્રમોમાં કેટરિંગ સેવા આપતી મહિલાઓની ઓળખ થયા બાદ GLPC દ્વારા તેમને તાલીમ અને માર્ગદર્શન અપાય છે. રસોઈથી વ્યવસ્થાપન સુધીની પ્રાયોગિક તાલીમ મંગલમ કેન્ટીનનો આધાર બની રહી છે. સતત ક્ષમતા નિર્માણ થકી તેમની આવક, વ્યવસાય અને બજાર સમજણ બંને સશક્ત થાય છે.
પોલીસ ભવનથી શરૂઆત, હવે અનેક જિલ્લા કચેરીઓમાં સફળતા
વર્ષ 2024માં ગાંધીનગર પોલીસ ભવન ખાતે શરૂ થયેલી પ્રથમ મંગલમ કેન્ટીન આજે મોડલ સ્વરૂપે રાજ્યમાં પ્રસરી રહી છે. છ સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત આ કેન્ટીને સ્વચ્છતા, ગુણવત્તા અને પૌષ્ટિક ભોજનના ધોરણથી વિશ્વાસ જીત્યો છે. હવે અમદાવાદથી ગાંધીનગર સુધી અન્ય પોલીસ કચેરીઓમાં પણ આ સેવા કાર્યરત છે અને પોલીસ કર્મચારીઓ માટે તંદુરસ્ત ભોજનનો વિશ્વસનીય સ્ત્રોત બની છે.

