કાર્નીએ 113 દિવસમાં 32 દેશો ખૂંદ્યા, કેનેડાની બદલાતી વિદેશ નીતિ પાછળ શું છે મોટું કારણ?

4 Min Read

113 દિવસમાં 32 દેશોની મુલાકાત: અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા કેનેડા કેમ બદલી રહ્યું છે પોતાની વિદેશ નીતિ?

અમેરિકાના ટેરિફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ ટિપ્પણીઓ વચ્ચે કેનેડાએ પોતાની વિદેશ નીતિમાં મોટો ફેરફાર શરૂ કર્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની માત્ર 113 દિવસમાં પાંચ ખંડોના 32 દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. માર્ચ 2025માં પદ સંભાળ્યા બાદ તેમણે પોતાના કાર્યકાળનો લગભગ 20 ટકા સમય વિદેશમાં વિતાવ્યો છે. આ પ્રવાસો પાછળનો મુખ્ય હેતુ સ્પષ્ટ છે કેનેડાના વેપાર, અર્થતંત્ર અને સુરક્ષા માટે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવી તથા વિશ્વના અન્ય દેશો સાથે નવા સંબંધો મજબૂત કરવા.

કેનેડા અને અમેરિકા વચ્ચે દાયકાઓથી ગાઢ વેપારી સંબંધો રહ્યા છે. પરંતુ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની શકે છે તેવી તેમની ટિપ્પણીઓથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આવી સ્થિતિમાં કાર્ની સરકાર હવે વૈકલ્પિક બજારો અને નવા વેપારી ભાગીદારો શોધી રહી છે.

- Advertisement -

usa.jpg

અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ

કેનેડાની અર્થવ્યવસ્થા લાંબા સમયથી અમેરિકાના બજાર સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. કેનેડાની કુલ માલસામાનની નિકાસનો મોટો હિસ્સો અમેરિકામાં જાય છે. જોકે, તાજેતરના આંકડા દર્શાવે છે કે આ નિર્ભરતામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે.

- Advertisement -

કેનેડા સરકારના સત્તાવાર આંકડા અનુસાર, 2024માં દેશની કુલ માલસામાનની નિકાસમાં અમેરિકાનો હિસ્સો 75.9 ટકા હતો, જે 2025માં ઘટીને 71.7 ટકા થયો હતો. આ દરમિયાન અમેરિકા સિવાયના દેશોમાં કેનેડાની નિકાસમાં 17.2 ટકાનો વધારો નોંધાયો હતો.આ બદલાવ છતાં અમેરિકા કેનેડાનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બંને દેશોના ઉદ્યોગો, સપ્લાય ચેઇન અને રોજગાર એકબીજા સાથે જોડાયેલા હોવાથી અમેરિકાથી સંપૂર્ણપણે અલગ થવું કેનેડા માટે સરળ નથી. તેથી કાર્નીની નીતિનો હેતુ સંબંધો તોડવાનો નહીં, પરંતુ વેપાર માટે વધુ વિકલ્પો ઊભા કરવાનો છે.

યુરોપ, એશિયા અને ચીન સાથે નવા વેપારી સંબંધો

કાર્નીની તાજેતરની વિદેશ યાત્રાઓમાં યુરોપ અને એશિયાના દેશો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. 11થી 19 નવેમ્બર દરમિયાન તેમણે આયર્લેન્ડ, ફિલિપાઇન્સ, કંબોડિયા અને ચીનની મુલાકાત લીધી હતી. આ પ્રવાસોમાં વેપાર, રોકાણ અને સુરક્ષા સંબંધિત ચર્ચાઓ કરવામાં આવી હતી.

યુરોપિયન યુનિયન કેનેડાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. 2025માં બંને વચ્ચે માલસામાન અને સેવાઓનો કુલ વેપાર આશરે 178 અબજ ડોલર રહ્યો હતો. બીજી તરફ, દક્ષિણ-પૂર્વ એશિયા પણ કેનેડા માટે મહત્વપૂર્ણ બજાર બની રહ્યું છે. 2025માં કેનેડા અને આસિયાન દેશો વચ્ચે માલસામાનનો વેપાર 52.5 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 23.7 ટકા વધુ હતો.

- Advertisement -

કાર્ની ફિલિપાઇન્સ સાથે મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા અને આસિયાન સાથે વેપાર સમજૂતી આગળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. કેનેડિયન સરકારના અનુમાન મુજબ, ફિલિપાઇન્સ સાથેના કરારથી 2035 સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર ત્રણ ગણો થઈ શકે છે.

ચીન સાથેના સંબંધો સુધારવા પણ કેનેડા પ્રયાસ કરી રહ્યું છે. 2025માં બંને દેશો વચ્ચે માલસામાનનો વેપાર 125.7 અબજ ડોલર રહ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વેપાર તણાવ ઘટાડવા માટે પગલાં લેવામાં આવ્યા છે. ચીને કેનેડાની આશરે 400 મિલિયન કેનેડિયન ડોલરની નિકાસ પરના ટેરિફ કામચલાઉ સ્થગિત કરવા સંમતિ આપી છે. તેમાં ફ્રોઝન પોર્ક અને સીફૂડનો સમાવેશ થાય છે. બદલામાં કેનેડાએ ચીનના કેટલાક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ટેરિફમાં રાહત આપવાનો સંકેત આપ્યો છે.

usa0.jpg

વિદેશ નીતિની સફળતા સામે ઘરઆંગણાના પડકારો

કાર્નીની વિદેશ યાત્રાઓને લઈને કેનેડામાં રાજકીય ચર્ચા પણ ચાલી રહી છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, માર્ચ 2026 સુધીમાં તેમની આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પાછળ 4 મિલિયન ડોલરથી વધુ ખર્ચ થયો હતો. વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીનું કહેવું છે કે વડાપ્રધાન વિદેશ પ્રવાસો પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જ્યારે દેશ મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે.

નવેમ્બર 2026ના એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટના સર્વેમાં 62 ટકા લોકોએ માન્યું કે કાર્ની સરકારે અન્ય દેશો સાથે વેપાર સંબંધોમાં સુધારો કર્યો છે. 60 ટકા લોકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડાની સ્થિતિ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું. જોકે, 39 ટકા લોકોનું માનવું હતું કે સરકારના કાર્યકાળ દરમિયાન મોંઘવારી અને જીવનનિર્વાહનો ખર્ચ વધુ ખરાબ થયો છે.

Share This Article