McLaren મેકલેરને તેની આગામી દમદાર સુપરકાર ‘McL 820’ ની ઝલક દેખાડી, પ્રખ્યાત 750S નું લેશે સ્થાન
બ્રિટિશ લક્ઝરી અને હાઇ-પરફોર્મન્સ સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપની ‘મેકલેરેન’ (McLaren) ઓટોમોબાઈલ જગતમાં હંમેશાં તેના સ્પીડ અને એરોડાયનેમિક ડિઝાઇન માટે જાણીતી છે. તાજેતરમાં કંપનીએ પોતાની આગામી નવી સુપરકાર સંબંધિત એક મોટું એલાન કર્યું છે. મેકલેરેને સત્તાવાર રીતે આગામી સુપરકાર ‘McL 820’ ના નામ અને તેના પાવર આઉટપુટના સંકેતો આપીને ઓટો વર્લ્ડમાં ભારે ઉત્સુકતા જગાવી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ શાનદાર કાર અત્યારની લોકપ્રિય સુપરકાર ‘750S’ નું સ્થાન લેશે.
શું છે નામ અને પાવરનું રહસ્ય?
મેકલેરેનની પરંપરા રહી છે કે તેના મોડેલના નામમાં છુપાયેલા અંક તેની હોર્સપાવર ક્ષમતા દર્શાવે છે. આ જ પેટર્નને અનુસરીને નવી કારનું નામ McL 820 રાખવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે આ કાર અંદાજે 820 PS (મેટ્રિક હોર્સપાવર) એટલે કે આશરે 809 bhp જેટલો જબરદસ્ત પાવર જનરેટ કરશે.

આ પાવર આઉટપુટ તેના પ્રી-ડિસેસર એટલે કે 750S (જે 740 bhp પાવર આપતી હતી) કરતા ઘણું વધારે છે. આ વધારાનો પાવર ડ્રાઇવિંગના શોખીનો માટે રસ્તા પર રોમાંચની એક નવી જ વ્યાખ્યા લખશે. કંપનીના આ નવા મોડેલને લઈને ઓટો માર્કેટમાં એવી ચર્ચા છે કે તે ફેરારી અને અન્ય દિગ્ગજ સુપરકાર બ્રાન્ડ્સને સીધી ટક્કર આપશે.
હાઇબ્રિડ એન્જિન ટેક્નોલોજી અને પરફોર્મન્સ
રિપોર્ટ્સ અનુસાર, McLaren McL 820 માં કંપની પોતાની ઇન-હાઉસ વિકસિત કરવામાં આવેલી અત્યાધુનિક હાઇબ્રિડ પાવરટ્રેનનો ઉપયોગ કરી શકે છે. આ કાર V8 એન્જિન આધારિત હાઇબ્રિડ સેટઅપ સાથે આવી શકે છે, જે ઉત્તમ પાવરની સાથેસાથે આધુનિક ટેક્નોલોજીનો અદ્ભુત સમન્વય રજૂ કરશે. મેકલેરેન હવે ધીમે-ધીમે પોતાની કારોમાં ઇલેક્ટ્રિફિકેશન અને નવા એન્જિન ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહી છે, જેમાં આ કાર સીમાચિહ્નરૂપ સાબિત થશે.
કારની ડિઝાઇન અને એરોડાયનેમિક્સની ઝલક ટીઝરમાં જોવા મળી છે, જે ખૂબ જ આક્રમક, ફ્યુચરિસ્ટિક અને શાર્પ છે. સ્પીડ લવર્સ માટે આ કાર માત્ર દેખાવમાં જ નહીં પરંતુ ટ્રેક પર પણ બેજોડ પર્ફોર્મન્સ આપવા માટે સજ્જ થઈ રહી છે.

ક્યારે આવશે બજારમાં?
મેકલેરેન હાલમાં તેની વર્તમાન 750S મોડેલ માટે અંતિમ ઓર્ડર લઈ રહી છે, જેનો અર્થ એ છે કે વર્તમાન પ્રોડક્શન સાયકલ પૂરી થવાની આરે છે. જ્યારે નવી McL 820 સત્તાવાર રીતે આગામી વર્ષ 2027 માં વૈશ્વિક બજારમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. કાર પ્રેમીઓ અને સ્પીડ એન્થુઝિયાસ્ટ્સ આ ભવ્ય સુપરકારના રોડ લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
