ભારતની જીત પર પાકિસ્તાની દિગ્ગજોમાં બે ભાગ: આમિરની ભવિષ્યવાણી ખોટી પડતા અકળાયો, તો શોએબ અખ્તરે ભારતને ગણાવ્યું સર્વશ્રેષ્ઠ
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026ની વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે અને આ જીતનો ગુંજ સરહદ પાર પાકિસ્તાનમાં પણ સંભળાઈ રહ્યો છે. અમદાવાદના મેદાન પર 8 માર્ચના રોજ ભારતે જે રીતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું, તેણે આખા ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. ભારત સતત બીજી વખત આ ખિતાબ જીતનાર પ્રથમ ટીમ બની છે. ભારતની આ સફળતા પર પાકિસ્તાનના બે પૂર્વ દિગ્ગજો, મોહમ્મદ આમિર અને શોએબ અખ્તરના વિરોધાભાસી નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મોહમ્મદ આમિરની અકળામણ
પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર આખા ટૂર્નામેન્ટ દરમિયાન ભારતની હારની ભવિષ્યવાણી કરી રહ્યો હતો. જોકે, ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન બનીને તેને ખોટો સાબિત કર્યો છે. જ્યારે એક ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે ભારત જીતી ગયું અને તમારી પ્રિડિક્શન ખોટી પડી, ત્યારે આમિરે અકળાઈને જવાબ આપ્યો કે, “જીતી ગયા છે, બસ ઠીક છે. તે કપ પોતાના ઘરે લઈ જશે, કંઈ બીજાના ઘરે તો નહીં લાવે ને? વેલ ડન.” જોકે, તેણે સ્વીકાર્યું હતું કે ભારતે છેલ્લી ત્રણેય મેચોમાં (વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ફાઈનલ) સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું.
શોએબ અખ્તરે ભારતીય ‘સિસ્ટમ’ના વખાણ કર્યા
બીજી તરફ, ‘રાવલપિંડી એક્સપ્રેસ’ તરીકે જાણીતા શોએબ અખ્તરે ભારતીય ક્રિકેટના મુક્તકંઠે વખાણ કર્યા છે. શોએબ અખ્તરે એક સ્પોર્ટ્સ શોમાં જણાવ્યું હતું કે, “આ જીત માત્ર ખેલાડીઓની નથી, પરંતુ ભારતીય ક્રિકેટની પોલિસી અને સિસ્ટમની જીત છે. ત્યાં મેરિટ (લાયકાત)નો વિજય થયો છે.” તેણે વધુમાં ઉમેર્યું કે રણજી ટ્રોફી રમીને પણ ખેલાડીઓ આજે સારું કમાઈ રહ્યા છે અને મજબૂત બની રહ્યા છે.
સંજુ સેમસન અને મેનેજમેન્ટનો મોટો રિસ્ક
શોએબ અખ્તરે ખાસ કરીને સંજુ સેમસનની પસંદગી અને ભારતીય કોચના નિર્ણયો પર ભાર મૂકતા કહ્યું કે, “કોચે મોટું જોખમ ઉઠાવ્યું હતું. તેમણે લાયકાતના આધારે સંજુ સેમસન જેવા ખેલાડી પર ભરોસો મૂક્યો અને તે આજે તમારી સામે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં પણ આ યુવા ટીમે સાબિત કરી દીધું કે તેમની પોલિસી સાચી દિશામાં છે.”
અખ્તરે યુવા ખેલાડીઓ વિશે શું કહ્યું?
સંજુ સેમસન: તે અત્યંત પરિપક્વ ખેલાડી છે અને તેણે મોટી મેચોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.
અભિષેક શર્મા: તે હજી ઘણો યુવાન છે, તેમાં પ્રતિભા છે પણ હજી ઘણું શીખવાનું બાકી છે.
ભારતે રચ્યો નવો ઈતિહાસ
ભારત હવે વિશ્વની એકમાત્ર એવી ટીમ બની ગઈ છે જેણે સતત બે વાર T20 વર્લ્ડ કપ જીત્યો હોય. બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે આ હાર આઘાતજનક રહી છે, કારણ કે તેઓ બીજી વખત ફાઈનલ હારનારી ત્રીજી ટીમ (પાકિસ્તાન અને શ્રીલંકા બાદ) બની ગઈ છે.

