દિવસના પ્રથમ 60 મિનિટનું ગણિત: જાણો કેમ તમારે જાગતાની સાથે જ મોબાઈલ ન અડવો જોઈએ.
તમારી સવારની શરૂઆત કેવી રીતે થાય છે? આ એક સાદો પ્રશ્ન તમારા આખા દિવસનો નકશો નક્કી કરી શકે છે. તમે સવારે ઉઠ્યા પછી જે પ્રથમ 60 મિનિટ પસાર કરો છો, તેને ન્યુરોલોજીસ્ટ ડો. સુધીર કુમાર ‘ગોલ્ડન અવર’ કહે છે. જો આ એક કલાકનો સદુપયોગ કરવામાં આવે, તો તમારી માનસિક શાંતિ, ઊર્જા અને સ્વાસ્થ્યમાં અદભૂત સુધારો જોવા મળી શકે છે.
સવારના પ્રથમ કલાકમાં શું કરવું જોઈએ?
૧. સૂર્યપ્રકાશનો સાથ લો ડો. કુમારના જણાવ્યા મુજબ, જાગ્યાની 30 થી 60 મિનિટની અંદર કુદરતી સૂર્યપ્રકાશમાં જવું એ સૌથી મહત્વનું કામ છે. સવારનો તડકો શરીરમાં ‘કોર્ટિસોલ’ હોર્મોનને સક્રિય કરે છે, જે તમને આખો દિવસ સતર્ક અને ઉર્જાવાન રાખે છે. આ ઉપરાંત, સવારની આ ક્રિયા રાત્રે ઊંઘ લાવવા માટેના ‘મેલાટોનિન’ હોર્મોનનું કાઉન્ટડાઉન પણ શરૂ કરી દે છે, જેનાથી રાત્રે સમયસર અને સારી ઊંઘ આવે છે.
૨. શરીરને હાઈડ્રેટ કરો આખી રાતની ઊંઘ દરમિયાન આપણું શરીર પાણીનો ઉપયોગ કરે છે, જેના કારણે સવારે ઉઠતી વખતે શરીરમાં પાણીની અછત હોય છે. તેથી, જાગ્યા પછી તરત જ પાણી પીવું અત્યંત જરૂરી છે. આ આદત તમારા મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો (ટોક્સિન્સ) ને બહાર કાઢવામાં મદદ કરે છે.
૩. હળવી શારીરિક હિલચાલ સવારે ઉઠતાની સાથે જ બહુ ભારે કસરત કરવાની જરૂર નથી. તેના બદલે, હળવું સ્ટ્રેચિંગ અથવા ઝડપથી ચાલવું (બ્રિસ્ક વોકિંગ) વધુ ફાયદાકારક છે. આ પ્રવૃત્તિ શરીરના તાપમાનમાં સામાન્ય વધારો કરે છે, જે તમને આખો દિવસ એક્ટિવ રહેવામાં મદદરૂપ થાય છે.
સવારે કઈ ભૂલો ટાળવી જોઈએ?
સારી આદતો જેટલી જરૂરી છે, તેટલું જ ખરાબ આદતોથી દૂર રહેવું પણ અનિવાર્ય છે:
-
તરત જ ચા કે કોફી ન પીવો: ઘણા લોકોને ‘બેડ ટી’ વગર ચાલતું નથી, પરંતુ ડો. કુમાર તેને ટાળવાની સલાહ આપે છે. જાગ્યાના તુરંત બાદ કેફીન લેવાથી શરીરનું કુદરતી હોર્મોનલ સંતુલન ખોરવાઈ શકે છે.
-
સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાથી દૂરી: સવારના સમયે ઈમેલ ચેક કરવા કે સોશિયલ મીડિયા પર સ્ક્ર્રોલિંગ કરવાથી મગજ પર માહિતીનો બિનજરૂરી બોજ વધે છે. આ આદત સવારથી જ તણાવ પેદા કરી શકે છે અને તમારા દિવસના ફોકસને બગાડી શકે છે.
-
સ્નૂઝ બટનનો મોહ છોડો: અલાર્મ વાગ્યા પછી ‘ફક્ત ૧૦ મિનિટ’ માટે સ્નૂઝ બટન દબાવવું એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જ્યારે તમે ફરીથી થોડી મિનિટો માટે ઊંઘો છો, ત્યારે મગજ નવી સ્લીપ સાયકલ શરૂ કરે છે જે અધૂરી રહી જાય છે. પરિણામે, તમે વધુ થાક અને આળસ અનુભવો છો.
-
ખાંડવાળો નાસ્તો ટાળો: દિવસની શરૂઆત વધુ પડતી ખાંડ ધરાવતા સીરીયલ્સ કે પ્રોસેસ્ડ ફૂડથી ન કરો. આનાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે અને થોડા સમય પછી તમારી એનર્જીમાં મોટો ઘટાડો આવે છે.

