મુંબઈ એરપોર્ટના T1 ટર્મિનલનું થશે રિડેવલપમેન્ટ, MIAL અને એરલાઈન્સ વચ્ચે મહત્વની બેઠક; વિન્ટર શિડ્યુલમાં ફ્લાઈટ સ્લોટ્સ યથાવત્ રહેશે
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના જૂના થઈ ગયેલા ટર્મિનલ 1 (T1) ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રિડેવલપમેન્ટ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ સંદર્ભે જીત અદાણી અને અરૂણ બંસલે મુંબઈ એરપોર્ટની એરલાઈન્સ ઓપરેટિંગ કમિટી (AOC) સાથે એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં એરલાઈન સમુદાયને ખાતરી આપવામાં આવી હતી કે કામગીરી દરમિયાન મુસાફરો કે ફ્લાઈટ્સના સંચાલનમાં નહિવત અડચણ આવે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે ઐતિહાસિક સ્લોટ ફાળવણીનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે અને આગામી વિન્ટર શિડ્યુલ દરમિયાન કોઈ પણ સ્લોટ્સમાં ફેરફાર નહીં કરવાની ખાતરી આપવામાં આવી છે.

બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો:
સંયુક્ત વર્કિંગ ગ્રૂપની રચના: T1 ના રિડેવલપમેન્ટ પ્લાનના અમલીકરણ માટે આગામી બે અઠવાડિયામાં એક સંયુક્ત વર્કિંગ ગ્રૂપ (Joint Working Group) કામગીરી કરશે અને યોગ્ય પ્લાન તૈયાર કરશે.
સમર શિડ્યુલથી ટ્રાફિક બેલેન્સિંગ: એરલાઈન્સ કંપનીઓએ ટર્મિનલના રિડેવલપમેન્ટ અને ટ્રાફિક બેલેન્સિંગ માટે સમર શિડ્યુલથી સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
નવી મુંબઈ એરપોર્ટ (NMIA) માટે સહયોગ: જે એરલાઈન્સ પોતાની કામગીરી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પર શિફ્ટ કરવા ઇચ્છતી હોય, તેમને MIAL દ્વારા સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવશે.

28 ઓક્ટોબરે આગામી બેઠક: બંને પક્ષો વચ્ચે 28 ઓક્ટોબરે ફોલો-અપ મીટિંગ યોજાશે. ત્યાં સુધી એરપોર્ટ પ્રશાસન દરેક એરલાઈન્સની નેટવર્ક અને સ્લોટ ટીમ સાથે સતત સંપર્કમાં રહેશે.
બેઠકના અંતે બંને પક્ષોએ એકબીજાનો આભાર માન્યો હતો અને મુંબઈગરાઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે મુંબઈ એરપોર્ટના વિકાસ તરફ આગળ વધવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
