મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશના હવાઈ મુસાફરો માટે સારા સમાચાર: નવી મુંબઈ એરપોર્ટના આગમન સ્તરે લક્ઝુરિયસ ટ્રાન્ઝિટ સ્ટે
ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ હવાઈ મુસાફરોના અનુભવને વધુ આરામદાયક અને સંતોષકારક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ખાતે અદાણી એરપોર્ટે ૮૦ રૂમની ભવ્ય અને આધુનિક ક્ષમતા ધરાવતી ‘સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ’ (Swirl Transit Hotel) નો વિધિવત પ્રારંભ કર્યો છે. આ ટ્રાન્ઝિટ હોટેલની મદદથી હવે એરપોર્ટ પર લાંબો સમય રોકાણ કરનારા, વહેલી સવારે ફ્લાઈટ પકડનારા કે મોડી રાત્રે લેન્ડ થનારા મુસાફરોને એરપોર્ટ પરિસરમાં જ ફ્રેશ થવા, કામ કરવા અને વિશ્રામ કરવાની ઉત્કૃષ્ટ સુવિધા મળી રહેશે.
ટર્મિનલ-૧ ના આગમન સ્તરે બે માળની વિશ્વસ્તરીય સુવિધા
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૧ ના અરાઈવલ લેવલ (આગમન સ્તર) પર આ બે માળની ટ્રાન્ઝિટ હોટેલ તૈયાર કરવામાં આવી છે. પ્રવાસીઓની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હોટેલમાં ફ્લેક્સિબલ બુકિંગના વિકલ્પો આપવામાં આવ્યા છે. અહીં આવતા મહેમાનો પોતાની અનુકૂળતા મુજબ માત્ર ચાર કલાક માટે અથવા આખી રાતના રોકાણનો વિકલ્પ પસંદ કરી શકે છે. હોટેલમાં પ્રીમિયમ ભોજન, શાવર અને લક્ઝુરિયસ હોટેલ સેવાઓનો સમાવેશ થાય છે.
અદાણી એરપોર્ટના નોન-એરો બિઝનેસના મુખ્ય કારોબારી અધિકારી (CEO) સુચિત બંસલે જણાવ્યું હતું કે, “સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ એરપોર્ટના ધમધમતા વાતાવરણ વચ્ચે પણ મુસાફરોને પોતાના ઘર જેવી શાંતિ, આરામ અને કામ કરવાની મોકળાશ પૂરી પાડે છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને મોટા પાયે એવિએશન અને પેસેન્જર હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, ત્યારે આવી હોસ્પિટાલિટી સેવાઓ મુસાફરીના સમગ્ર અનુભવને સમૃદ્ધ બનાવે છે. આગામી સમયમાં અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત અન્ય એરપોર્ટો પર પણ આ પ્રકારની ટ્રાન્ઝિટ હોસ્પિટાલિટી શરુ કરવામાં આવશે.”
૬ અલગ-અલગ કેટેગરીના ૮૦ આધુનિક રૂમ્સ
સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલમાં પ્રવાસીઓ માટે ૧૩૦ ચોરસ ફૂટથી લઈને ૪૧૦ ચોરસ ફૂટ સુધીની વિશાળ જગ્યા ધરાવતા રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હોટેલને કુલ ૬ અલગ-અલગ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં સુપિરિયર સિંગલ, સુપિરિયર ડબલ, સુપિરિયર ટ્વીન, સુપિરિયર એક્સેસિબલ, જૂનિયર સ્યુટ અને એક્ઝિક્યુટિવ સ્યુટનો સમાવેશ થાય છે.
મુસાફરોની સુવિધા માટે દરેક રૂમમાં હાઈ-સ્પીડ વાઈ-ફાઈ, સ્માર્ટ ટીવી, ડેડિકેટેડ વર્કસ્ટેશન, ઈલેક્ટ્રોનિક સેફ, ટી-કોફી મેકર, પ્રીમિયમ બેડ અને બાથ લિનન, બ્રાન્ડેડ ટોયલેટરીઝ અને ઇન-રૂમ ડાઇનિંગ સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત, ૨૪ કલાક હાઉસકીપિંગ, એક્સપ્રેસ લોન્ડ્રી, કન્સીઅર્જ સહાય, પિક-અપ એન્ડ ડ્રોપ અને વેક-અપ કોલ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. ખાનપાન માટે અહીં ૪૦ મહેમાનોની ક્ષમતા ધરાવતું ૨૪ કલાક ચાલુ રહેતું રેસ્ટોરન્ટ, ગ્રેબ-એન્ડ-ગો કાઉન્ટર અને વાઈન બારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર વધતી નોન-એરો સેવાઓ અને ગુવાહાટીમાં નવો પ્લાન
દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ્સ પૈકીના એક એવા નવી મુંબઈ એરપોર્ટે ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પોતાની વાણિજ્યિક કામગીરી શરુ કરી હતી, ત્યારબાદ ૨૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ અબુ ધાબી માટેની પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સાથે આંતરરાષ્ટ્રીય સેવાઓનો પ્રારંભ કર્યો હતો. સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલના લોન્ચિંગ સાથે આ એરપોર્ટની પેસેન્જર અને નોન-એરોનોટિકલ ઈકોસિસ્ટમ વધુ મજબૂત બની છે.
નેટવર્ક વિસ્તરણના ભાગરૂપે, અદાણી એરપોર્ટ્સ ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ટૂંક સમયમાં સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરશે. ગુવાહાટી એરપોર્ટના ટર્મિનલ-૨ ના સિક્યોર્ડ ઝોનમાં લેવલ-૩ પર ૨૧ રૂમની ટ્રાન્ઝિટ હોટેલ બનાવવાનું આયોજન છે, જે નોર્થ-ઈસ્ટ જતા અને આવતા બિઝનેસ તથા કેઝ્યુઅલ ટ્રાવેલર્સ માટે ઉપયોગી સાબિત થશે.
