અદાણી અને ડ્રુક ગ્રીન પાવર વચ્ચે ૪૯:૫૧ ની ભાગીદારી સાથે કરાર સંપન્ન
દક્ષિણ એશિયામાં ગ્રીન એનર્જી અને પ્રાદેશિક ઊર્જા સહયોગને નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારતના અગ્રણી ખાનગી વીજ ઉત્પાદક અદાણી પાવર અને ભૂટાનની સરકારી વીજ ઉત્પાદક કંપની ‘ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ’ વચ્ચે ૭૭૦ મેગાવોટ ક્ષમતાના ‘ચમખારછુ-૧’ જળવિદ્યુત પ્રકલ્પના નિર્માણ માટે શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ યોજાયેલા આ કરાર સમારોહમાં ભૂટાનના વડાપ્રધાન લ્યોનચેન ડાશો શેરિંગ તોબગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભૂટાનના નાણાં, ઊર્જા અને કુદરતી સંસાધન મંત્રી, ડ્રુક હોલ્ડિંગ તેમજ અદાણી પાવરના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
આ કરાર ભારત અને ભૂટાન વચ્ચેના લાંબા ગાળાના આર્થિક અને રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
પ્રોજેક્ટનું માળખું અને વિગતવાર કાર્ય યોજના
ચમખારછુ-૧ જળવિદ્યુત પ્રકલ્પ મધ્ય ભૂટાનના ઝેમગાંગ જિલ્લામાં ચમકારછુ નદી પર નિર્માણ પામશે. આ પ્રોજેક્ટ ‘પીકિંગ રન-ઓફ-રિવર’ પ્રકારનો હશે, જેને ‘બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર’ (BOOT) મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. આ યોજનામાં અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર વચ્ચે ૪૯:૫૧ ના ગુણોત્તરમાં ઇક્વિટી ભાગીદારી રહેશે. વાણિજ્યિક કામગીરી શરૂ થયાની તારીખથી આ પ્રોજેક્ટ માટે ૩૦ વર્ષની છૂટછાટ (Concession) આપવામાં આવી છે.
પ્રોજેક્ટના સમયપત્રક અંગે માહિતી આપતાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૭ ના પ્રથમ છ મહિના દરમિયાન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય સત્તાવાર રીતે શરૂ થશે અને ભૂમિપૂજન થયાના છ વર્ષની અંદર તેને પૂર્ણ કરીને કાર્યાન્વિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
૫,૦૦૦ મેગાવોટના વ્યાપક વિઝનનો એક ભાગ
અદાણી જૂથ અને ડ્રુક ગ્રીન પાવર વચ્ચે મે ૨૦૨૫ માં કુલ ૫,૦૦૦ મેગાવોટ ક્ષમતાના જળવિદ્યુત પ્રકલ્પોના નિર્માણ માટે જે મુખ્ય સમજૂતી કરાર (MoU) થયો હતો, આ ચમખારછુ-૧ પ્રોજેક્ટ તે જ વ્યાપક યોજનાનો એક મહત્વનો ભાગ છે. આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૫ માં બંને ભાગીદારો વચ્ચે ૫૭૦ મેગાવોટના વાંગછુ જળવિદ્યુત પ્રકલ્પ માટે સફળતાપૂર્વક કરાર થઈ ચૂક્યા છે. આમ, આ બંને કંપનીઓ વચ્ચેનો આ બીજો મોટો જળવિદ્યુત કરાર છે.
બંને દેશો માટે પરસ્પર લાભદાયી સંતુલન
અદાણી પાવર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ આ ભાગીદારી અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયાના એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવામાં જળવિદ્યુત અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ પ્રકલ્પ ઊર્જા સુરક્ષા વધારવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ટકાઉ વિકાસના લક્ષ્યોને સાકાર કરવામાં મોટું યોગદાન આપશે. તેમણે ઉમેર્યું કે, આ પ્લાન્ટ શિયાળાની ઋતુમાં ભૂટાનની ટોચની વીજ જરૂરિયાતોને પૂરી કરશે, જ્યારે ઉનાળા દરમિયાન વધારાની સ્વચ્છ ગ્રીન પાવરની ભારતમાં નિકાસ શક્ય બનશે, જે બંને દેશો માટે લાંબા ગાળાનું મૂલ્ય ઊભું કરશે.
બીજી તરફ, ડ્રુક ગ્રીન પાવરના મેનેજિંગ ડિરેક્ટર ડાશો છેવાંગ રિનઝિને આ પ્રોજેક્ટને ભૂટાનની હાઇડ્રોપાવર ક્ષમતામાં મોટો વધારો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ૭૭૦ મેગાવોટનો આ પ્લાન્ટ ભૂટાનની ઊર્જા આત્મનિર્ભરતા મજબૂત કરશે અને ભારત સાથેની સ્વચ્છ ઊર્જા ભાગીદારીને વધુ ઊંડી બનાવશે. બંને કંપનીઓ ૫,૦૦૦ મેગાવોટના માસ્ટર પ્લાન હેઠળ હાઇડ્રોપાવર ક્ષેત્રે વધારાની તકો મેળવવા માટે પણ સક્રિય રીતે સાથે મળીને કામ કરી રહી છે.
