વલસાડમાં નાનીવહીયાળની શાળાનો દબદબો: જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ મીટમાં અંકિત અને ઉર્વશીએ જીત્યા ગોલ્ડ મેડલ!
વલસાડ: ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય ‘મેરા યુવા ભારત’ (માય ભારત) વલસાડ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ મીટમાં નાનીવહીયાળની શાળાએ મેદાન માર્યું છે. તારીખ 18/01/2026ના રોજ સંસ્કાર ભારતી હાઈસ્કૂલ, ગીતાનગર-વાપી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 15 થી 29 વર્ષના યુવા ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. જેમાં વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, નાનીવહીયાળ (તા. ધરમપુર) ના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
શાળાના વિદ્યાર્થીઓએ કુલ 3 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાંથી 2 સ્પર્ધામાં પ્રથમ અને 1 સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિજેતાઓની વિગત નીચે મુજબ છે:
પ્રથમ ક્રમ (ગોલ્ડ મેડલ)
- લાંબી કૂદ (ભાઈઓ): ચૌધરી અંકિત શાળીદામ (ધોરણ-10)
- લાંબી કૂદ (બહેનો): ગાયકવાડ ઉર્વશીબેન જિજ્ઞેશભાઈ (ધોરણ-10)
દ્વિતીય ક્રમ (સિલ્વર મેડલ)
- લાંબી કૂદ (બહેનો): જીનલબેન લક્ષીભાઈ ગાયકવાડ (ધોરણ-11)
આ કાર્યક્રમમાં મેરા યુવા ભારત વલસાડના કુ. હેતલબેન શર્મા, અદિતબેન પટેલ સહિત વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો, ટ્રેનરો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિજેતા ખેલાડીઓને તૈયાર કરવામાં વ્યાયામ શિક્ષિકા અમિતાબેન ગામીત અને ટ્રેનર વિજયકુમાર વાનીએ વિશેષ મહેનત કરી હતી. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અને જિલ્લા પંચાયત સભ્ય શૈલેશકુમાર પટેલ, દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ (સુરત) ના પ્રમુખ નિષિતભાઈ એસ. દેસાઈ, મંત્રી દત્તેશભાઇ ભટ્ટ, સહમંત્રી કાંતાબેન પટેલ, વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. હવે આ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે, જે માટે સમગ્ર શાળા પરિવારે તેઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી છે.
