અમેરિકી હુમલા પહેલા ઈરાનમાં રહસ્યમય ભૂકંપ: પરમાણુ મથક પાસે 5.5ની તીવ્રતાના આંચકા, શું તેહરાને પરમાણુ પરીક્ષણ કરી લીધું?
ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા બિદુખન વિસ્તારમાં ગુરુવારે સવારે (ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યે) ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ છે અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હોવાનું કહેવાય છે. જોકે, આ સામાન્ય કુદરતી ભૂકંપ છે કે પછી કોઈ પરમાણુ પરીક્ષણની અસર, તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.
શંકા કેમ જઈ રહી છે?
પરમાણુ નિષ્ણાતો માને છે કે જ્યારે પણ જમીનની નીચે પરમાણુ પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે 4 થી 5.5ની તીવ્રતાના કૃત્રિમ આંચકા અનુભવાય છે. ઈરાન પર અત્યારે અમેરિકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે, અને આવા સમયે પરમાણુ સાઈટની નજીક આંચકા આવવા તે માત્ર સંયોગ ન પણ હોઈ શકે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
બુશેહર પરમાણુ મથકની ખાસિયત
બુશેહર ઈરાનનું એકમાત્ર કાર્યરત ન્યુક્લિયર પ્લાન્ટ છે. ઈરાનનો દાવો છે કે અહીં યુરેનિયમ દ્વારા માત્ર વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, પરંતુ પશ્ચિમી દેશોને શંકા છે કે અહીં ગુપ્ત રીતે પરમાણુ હથિયારો તૈયાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે જૂન 2025 માં જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, ત્યારે બુશેહર સુરક્ષિત રહ્યું હતું. હાલમાં રશિયા અહીં વધુ 8 પરમાણુ સાઈટ બનાવવામાં મદદ કરી રહ્યું છે.
પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા
ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી ઓર્ગેનાઈઝેશન (IAEA) મુજબ, ઈરાન પાસે હાલમાં આશરે 440 કિલો સંવર્ધિત યુરેનિયમ છે. પરમાણુ બોમ્બ બનાવવા માટે યુરેનિયમ 90 ટકા સુધી સંવર્ધિત હોવું જરૂરી છે અને ઈરાન પાસે 10 પરમાણુ હથિયાર બનાવી શકાય તેટલો જથ્થો હોવાનો અંદાજ છે. અમેરિકા સતત તેહરાન પર આ યુરેનિયમનો જથ્થો અન્યત્ર ટ્રાન્સફર કરવા દબાણ કરી રહ્યું છે, જેના માટે ઓમાન અને જિનીવામાં બેઠકો પણ થઈ છે.

