રસાયણમુક્ત ખેતીથી ડબલ આવક: પ્રિ ઓર્ગેનિક માર્ટ દ્વારા ખેડૂતને મળ્યું યોગ્ય બજાર
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના અમરપુરાના 62 વર્ષીય રતનસિંહ હમીરજી છેલ્લા અનેક વર્ષોથી પ્રાકૃતિક ખેતીનું સફળ મોડેલ ઊભું કરી રહ્યા છે. ટેક્નિકલ એન્જિનિયર તરીકેની નોકરી છોડીને ખેતી તરફ વળેલા રતનસિંહે શરૂઆતમાં પરંપરાગત પદ્ધતિઓ અપનાવી હતી, પરંતુ ધીમે ધીમે રસાયણમુક્ત ખેતી તરફ આગળ વધ્યા. “ઓન ફાર્મર રિસર્ચ” દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન, ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા અને આત્મા પ્રોજેક્ટની તાલીમે તેમની દિશા બદલવામાં મોટો ફાળો આપ્યો હતો. આજે તેમની ખેતી ઘણા ખેડૂતો માટે એક જીવંત પ્રેરણા બની છે.
10 વીઘામાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી
કુલ 15 વીઘામાંથી 10 વીઘા જમીન પર તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવે છે. ગૌછાણ, ગૌમૂત્ર, જીવામૃત, દશપર્ણી જેવી ઘરગથ્થુ બનાવટીઓથી તેઓ જમીનની ઉપજાઉ શક્તિ વધારતા રહે છે. રતનસિંહ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી સહેલી નથી, પરંતુ ઓછા ભાગથી શરૂઆત કરવામાં આવે તો માર્ગ સરળ લાગે છે. ખર્ચના મામલે પણ આ પદ્ધતિ વધુ લાભદાયી છે. એક વીઘા શાકભાજીમાં 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ આવક 1 લાખથી પણ વધુ મળે છે. ઘઉંની સિઝનમાં તો એક વીઘામાંથી લગભગ 55,000 રૂપિયા સુધીની કમાણી થતી હોય છે.
પ્રિ ઓર્ગેનિક માર્ટથી ઉત્પાદનોને મળ્યો યોગ્ય ભાવ
પાકને બજારમાં યોગ્ય કિંમત મળે તે માટે રતનસિંહે રાધનપુર રોડ પર “પ્રિ ઓર્ગેનિક માર્ટ” શરૂ કર્યો છે, જ્યાં તેમના પુત્ર અને વહૂ વેચાણનું સંચાલન કરે છે. પ્રાકૃતિક ઘઉં અને શાકભાજીની ગુણવત્તાને કારણે તેમને બજારમાં ડબલ ભાવ મળે છે. સામાન્ય ઘઉં 20 કિલો દીઠ 400 થી 500 રૂપિયે વેચાય છે જ્યારે રતનસિંહની પ્રાકૃતિક ઘઉંની થેલી 1,000 થી 1,200 રૂપિયે વેચાય છે. આ વર્ષે તો સિઝન શરૂ થાય એ પહેલાં જ 30 થી 32 બોરી ઘઉંના ઓર્ડર બૂક થઈ ગયા હતા. આ સાથે શાકભાજીને પણ વધતો પ્રતિસાદ મળતા તેમનો આવક સ્ત્રોત વધુ મજબૂત બન્યો છે.
ખેડૂતોને પ્રેરણા આપવા તાલીમનો પણ ઉપક્રમ
રતનસિંહ માત્ર પોતાની ખેતી સુધી જ મર્યાદિત નથી રહ્યા. તેઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ શીખવવા પણ સક્રિય છે. જીવામૃત બનાવવાની રીત, દશપર્ણીનું દ્રાવણ, જમીન સુધારણા પદ્ધતિઓ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાના ઉપાયો તેઓ ખેડૂતોને સમજાવે છે. સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટ કેવી રીતે સહાયતા અને તાલીમ આપે છે તે અંગે પણ ખેડૂતોને માહિતગાર કરે છે. તેમની માર્ગદર્શન પ્રવૃત્તિઓ ગામ અને આસપાસના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું જાગૃતિ વલય ઊભું કરી રહી છે.
પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય અને રતનસિંહનો મક્કમ વિશ્વાસ
રતનસિંહની સફર સ્પષ્ટ કરે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર નફાકારક નથી, પરંતુ સ્વસ્થ ભવિષ્ય માટે આવશ્યક છે. તેઓનો વિશ્વાસ છે કે કોઈ પણ ખેડૂત ધીમે ધીમે આ પદ્ધતિ અપનાવી શકે છે અને કુદરત તરફ વળવાથી ઉપજ અને ગુણવત્તા બંનેમાં વૃદ્ધિ જોવા મળે છે. તેમનો અનુભવ બતાવે છે કે સાચી દિશામાં કરેલી મહેનત અંતે ડબલ પુરસ્કાર આપે છે. તેમની વાર્તા અનેક નાના અને મધ્યમ ખેડૂત માટે અવિરત પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.

