સરકારી હોસ્પિટલ હોવા છતાં નવસારી સિવિલ હોસ્પિટલ બની સલામત પ્રસૂતિ માટે પસંદગીનું કેન્દ્ર
2025નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલે પોતાની કામગીરીથી એક નવી ઓળખ ઊભી કરી છે. સામાન્ય રીતે સરકારી હોસ્પિટલ અંગે લોકોના મનમાં અસ્તવ્યસ્તતા અને બેદરકારીની છબી ઉભી થતી હોય છે. પરંતુ નવસારી સિવિલ હોસ્પિટલે આ તમામ જૂની માન્યતાઓને પાછળ છોડીને વિશ્વસનીય સેવા કેન્દ્ર તરીકે સ્થાન મેળવ્યું છે. વર્ષ દરમિયાન દર્દીઓ પ્રત્યે દાખવેલી સંવેદનશીલતા અને સુવ્યવસ્થિત સારવાર પદ્ધતિએ લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો છે.
કોરોના કાળથી શરૂ થયેલી વિશ્વસનીય સેવા
કોરોના મહામારી દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય સ્ટાફે જે નિષ્ઠા અને માનવતા દર્શાવી હતી, તે આજે પણ લોકો યાદ કરે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં દર્દીઓની સંભાળ, સમયસર સારવાર અને શિસ્તબદ્ધ વ્યવસ્થાપનથી હોસ્પિટલ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસ્યો છે. આ સમયગાળાએ હોસ્પિટલની ટીમે સાબિત કર્યું કે સરકારી આરોગ્ય વ્યવસ્થામાં પણ ગુણવત્તાયુક્ત સેવા શક્ય છે. પરિણામે સામાન્ય નાગરિકો ઉપરાંત ઉચ્ચ અધિકારીઓનો પણ વિશ્વાસ અહીં વધ્યો છે.
ગાયનેક વિભાગની નોંધપાત્ર સિદ્ધિ
ઓછા સ્ટાફ છતાં નવસારી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગે નોંધપાત્ર કામગીરી કરી છે. યોગ્ય આયોજન, ટીમવર્ક અને કર્મનિષ્ઠ તબીબોના પ્રયત્નોથી અહીં સલામત પ્રસૂતિ સેવાઓ સતત સુધરતી ગઈ છે. વર્ષ દરમિયાન ડિલિવરીના કેસોમાં થયો વધારો એ માત્ર આંકડો નથી, પરંતુ માતા અને બાળક બંને માટે સુરક્ષિત સારવારની સાક્ષી છે. આ વિભાગે સાબિત કર્યું છે કે પ્રતિબદ્ધતા હોય તો મર્યાદાઓ પણ અવરોધ બની શકતી નથી.
વર્ષ 2025ના પ્રસૂતિ આંકડાઓ
નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર વર્ષ 2025 દરમિયાન અહીં મોટી સંખ્યામાં સલામત પ્રસૂતિ નોંધાઈ છે. જાન્યુઆરીથી 24 ડિસેમ્બર સુધીના સમયગાળામાં હજારો માતાઓએ હોસ્પિટલમાં સુરક્ષિત રીતે સંતાનને જન્મ આપ્યો છે. જાન્યુઆરી મહિનામાં કુલ 145 ડિલિવરી થઈ હતી, જેમાં 64 પુરૂષ અને 77 સ્ત્રી શિશુનો સમાવેશ થયો હતો. ફેબ્રુઆરીમાં 114 તથા માર્ચમાં 123 ડિલિવરી નોંધાઈ હતી, જેમાં બંને લિંગના શિશુઓની સંખ્યા લગભગ સમતોલ રહી હતી. એપ્રિલમાં 125, જૂનમાં 110 અને જુલાઈમાં 121 ડિલિવરી થઈ હતી, જ્યારે ઓગસ્ટમાં આ આંકડો વધીને 151 પહોંચ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં 185 અને ઓક્ટોબરમાં વર્ષનો સૌથી વધુ 198 ડિલિવરીનો આંક નોંધાયો હતો. નવેમ્બરમાં 183 ડિલિવરી થઈ હતી, જ્યારે 24 ડિસેમ્બર 2025 સુધીમાં ડિસેમ્બર મહિનામાં 127 ડિલિવરી નોંધાઈ છે. સમગ્ર સમયગાળા દરમિયાન કુલ 840 પુરૂષ અને 850 સ્ત્રી શિશુઓનો જન્મ થયો હોવાનું આંકડાઓ દર્શાવે છે.
દીકરીઓના વધતા જન્મથી સકારાત્મક સંદેશ
2025 દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલમાં બાળકીના જન્મનો આંકડો થોડો વધુ નોંધાયો છે. આ સ્થિતિ સમાજમાં બદલાતી માનસિકતા અને દીકરી પ્રત્યે વધતા સન્માનનું સૂચક છે. હોસ્પિટલની સંવેદનશીલ કામગીરી અને જાગૃતિના પરિણામે માતા-પિતામાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. દીકરીનો જન્મ હવે ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે સ્વીકારાતો જઈ રહ્યો છે, જે સમાજ માટે સકારાત્મક સંકેત આપે છે.


