પશ્ચિમ એશિયાના તણાવની સીધી અસર; કેમ ભારતીય વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો મોટો અવાજ?
ઓમાનના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા વાણિજ્યિક જહાજો પર થઈ રહેલા સળંગ હુમલાઓએ વૈશ્વિક રાજદ્વારી આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને હંમેશાં કટિબદ્ધ દેખાતી ભારત સરકારે આ ઘટના પર અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હી દ્વારા અમેરિકી રાજદ્વારીને પાઠવવામાં આવેલા કડક સમન્સ અને ડિમાર્ચે એ સ્પષ્ટ કરી દીધું છે કે હિંદ મહાસાગર અને તેની આસપાસના દરિયાઈ વેપાર માર્ગો પર ભારતીય જવાનોના લોહીની કિંમતે થતી કોઈપણ બેદરકારી ભારત સહન નહીં કરે. પશ્ચિમ એશિયાનું યુદ્ધ હવે દરિયાઈ માર્ગોને અસુરક્ષિત બનાવી રહ્યું છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે લાલબત્તી સમાન છે.
રોજ ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજો પર થયેલા અણધાર્યા આતંકી હુમલા અને સુરક્ષા ખામીઓ પર ભારત સરકારે અત્યંત કડક અને આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ભારતની આકરી નારાજગી અને સખત નિંદા બાદ હવે અમેરિકી વિદેશ વિભાગ (US State Department) તરફથી પણ એક મોટું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આજે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે આ ગંભીર મુદ્દે અમેરિકા સીધું ભારત સરકાર સાથે સંપર્કમાં છે અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ અગાઉ, ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે રાત્રે નવી દિલ્હીમાં સ્થિત ટોચના અમેરિકી રાજદ્વારી (ચાર્જ ડી’અફેર્સ) જેસન મીક્સને તાત્કાલિક સમન્સ પાઠવીને સાઉથ બ્લોક તેડાવ્યા હતા અને સત્તાવાર રીતે કડક શબ્દોમાં ડિમાર્ચ સોંપ્યું હતું.
‘સેટેબેલો’ જહાજ પર હુમલો: ૩ ભારતીય ખલાસીઓ હજુ પણ ગુમ
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓમાનના દરિયાકાંઠેથી પસાર થઈ રહેલા વાણિજ્યિક જહાજ ‘સેટેબેલો’ ને નિશાન બનાવીને આ ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ જહાજ પર કુલ ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. હુમલાની તીવ્રતા વચ્ચે તાત્કાલિક શરૂ કરાયેલા સંયુક્ત બચાવ અભિયાન દરમિયાન ૨૧ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ અત્યંત ચિંતાજનક બાબત એ છે કે ૩ ભારતીય નાગરિકો હજુ પણ દરિયામાં ગુમ છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર માહિતી આપી છે કે તેઓ સ્થાનિક ઓમાન ઓથોરિટી અને કોસ્ટ ગાર્ડ સાથે સતત સંપર્કમાં છે અને ગુમ થયેલા ખલાસીઓ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સરકારે કહ્યું- “વાણિજ્યિક માળખાને નિશાન બનાવવાનું બંધ કરો”
વિદેશ મંત્રાલયે આ ઘટનાની આકરા શબ્દોમાં ભત્સના કરતા જણાવ્યું છે કે, “આ પ્રદેશમાં વાણિજ્યિક જહાજો અને નિર્દોષ નાગરિક માળખાગત સુવિધાઓ પર થઈ રહેલા સતત હુમલા અત્યંત ચિંતાજનક છે. આ તમામ હલચલ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા લાંબા સંઘર્ષનું સીધું પરિણામ છે.” ભારતે વૈશ્વિક મંચ પરથી તમામ સૈન્ય પક્ષોને તાત્કાલિક ધોરણે તણાવ ઓછો કરવા અને લડાઈ બંધ કરીને મુત્સદ્દીગીરી (રાજદ્વારી ઉકેલ) તરફ આગળ વધવા માટે અપીલ કરી છે. ભારતે ભારપૂર્વક કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓ અનુસાર કોઈપણ અવરોધ વિના વૈશ્વિક વેપાર અને ટ્રાફિક ચાલુ રહેવો જોઈએ, કારણ કે આ માર્ગો પર આખા વિશ્વની આર્થિક વ્યવસ્થા ટકેલી છે.
એમટી મારીવેક્સ ઘટના: ૨૪ ભારતીયોને મળ્યું નવજીવન
નોંધનીય છે કે આ પહેલા ગત સોમવારે, ૮ જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટની દક્ષિણમાં પલાઉનો ધ્વજ ધરાવતા કન્ટેનર જહાજ ‘એમટી મારીવેક્સ’ માં અચાનક ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ જહાજ ઓમાનના કિનારે સંપૂર્ણપણે અક્ષમ (નકામું) થઈ ગયું હતું. આ જહાજ પર સવાર તમામ ૨૪ ક્રૂ મેમ્બર્સ ભારતીય નાગરિકો હતા. ભારતીય નૌસેના અને ઓમાન સરકારના સમયસરના સંકલનથી આ તમામ ૨૪ ખલાસીઓને સહીસલામત બચાવી લેવાયા હતા. ભારતે આ સાહસિક બચાવ કામગીરી માટે ઓમાન પ્રશાસનનો જાહેર આભાર પણ માન્યો હતો.
પશ્ચિમ એશિયાનું યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સંકટ
ભારતીય વિદેશ મંત્રાલયે વૈશ્વિક સમુદાય સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે કે પશ્ચિમ એશિયામાં છેલ્લા ૧૦૦ દિવસથી વધુ સમયથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષે હવે એક ભયાનક માનવતાવાદી કટોકટીનું સ્વરૂપ લઈ લીધું છે. આ યુદ્ધ માત્ર જમીન પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ દરિયાઈ માર્ગો સુધી વિસ્તરતા વૈશ્વિક અર્થતંત્ર, વ્યાપારી જહાજોની અવરજવર અને સૌથી મહત્વના એવા ક્રૂડ ઓઈલ તેમજ ઉર્જા પુરવઠા (Energy Supply) ને સીધી અને ગંભીર અસર કરી રહ્યું છે. જો વૈશ્વિક સત્તાઓ વહેલી તકે આ દરિયાઈ આતંકવાદને નહીં રોકે, તો આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભીતિ છે.
