ગુજરાત બજેટ 2026-27: ₹4,08,053 કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર, જાણો કયા વિભાગને મળી કેટલી ફાળવણી
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. વર્ષ 2026-27 માટેનું આ બજેટ ₹4,08,053 કરોડનું છે, જે ગત વર્ષની સરખામણીએ અંદાજે 10.2% નો વધારો દર્શાવે છે. “વિકસિત ગુજરાત @ 2047” ના વિઝન સાથે રજૂ થયેલા આ બજેટમાં કોઈ પણ નવા કરવેરા લાદવામાં આવ્યા નથી, જે સામાન્ય જનતા માટે મોટી રાહત છે.
આ બજેટમાં સરકારનો મુખ્ય ભાર ‘GYAN’ (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ) પર રહ્યો છે. શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ માટે તિજોરીના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. ચાલો જોઈએ મુખ્ય વિભાગોને થયેલી ફાળવણીની વિગતવાર માહિતી.
વિભાગવાર ફાળવણીની વિગતો (મુખ્ય આંકડાઓ)
બજેટમાં વિવિધ વિભાગો માટે કરવામાં આવેલી ફાળવણી નીચે મુજબ છે, જે રાજ્યના સર્વાંગી વિકાસની પ્રાથમિકતાઓ દર્શાવે છે:
| વિભાગનું નામ | ફાળવેલ રકમ (કરોડમાં) | મુખ્ય વિશેષતા |
| શિક્ષણ વિભાગ | ₹63,184 | સૌથી વધુ ફાળવણી, નમો લક્ષ્મી અને સરસ્વતી યોજના |
| આરોગ્ય અને પરિવાર કલ્યાણ | ₹21,515 | 4 નવી મેડિકલ કોલેજો, PMJAY-MA યોજના |
| કૃષિ અને ખેડૂત કલ્યાણ | ₹24,022 | ટેકાના ભાવે ખરીદી અને રાહત પેકેજ |
| માર્ગ અને મકાન વિભાગ | ₹24,705 | રસ્તા અને પુલોનું આધુનિકીકરણ |
| પંચાયત અને ગ્રામ વિકાસ | ₹13,772 | ગ્રામીણ આવાસ અને માળખાગત સુવિધાઓ |
| નર્મદા અને જળ સંપત્તિ | ₹25,641 | સૌની યોજના અને નર્મદા પ્રોજેક્ટ |
| રમતગમત અને સાંસ્કૃતિક | ₹1,331 | ‘ઓલિમ્પિક રેડી સિટી’ અમદાવાદ માટે વિશેષ ફંડ |
બજેટની 5 મોટી જાહેરાતો જે બદલશે ગુજરાતનો ચહેરો
1. શિક્ષણમાં ક્રાંતિ: ₹63,184 કરોડ
શિક્ષણ માટેની આ મંગી ફાળવણીમાં ₹3,055 કરોડ ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ માટે ફાળવાયા છે. 926 નવી ‘પીએમ શ્રી’ શાળાઓ શરૂ કરવામાં આવશે, જે ગામડાના બાળકોને પણ વિશ્વસ્તરીય શિક્ષણ આપશે.
2. અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’
2030 ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યના ઓલિમ્પિકના યજમાન બનવાના સપનાને સાકાર કરવા માટે રમતગમત વિભાગને ₹1,331 કરોડ ફાળવાયા છે. તેમાંથી ₹500 કરોડ માત્ર અમદાવાદમાં ‘SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ’ ના વિકાસ માટે ખર્ચાશે.
3. આરોગ્ય સુવિધાઓનો વિસ્તાર
રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર અને ડાંગમાં નવી સરકારી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. PMJAY-MA હેઠળ મફત સારવાર માટે ₹3,472 કરોડની જોગવાઈ કરાઈ છે.
4. ખેડૂતો માટે ટેકાના ભાવ અને વીજળી
ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ટેકાના ભાવે ખરીદી માટે ₹18,000 કરોડ અને ખેતીવાડી વીજ જોડાણો માટે ₹9,324 કરોડની સબસિડી જાહેર કરવામાં આવી છે.
5. પ્રવાસન અને પર્યાવરણ
વર્ષ 2026 ને ‘ગુજરાત ટુરિઝમ વર્ષ’ જાહેર કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અંબાજી કોરિડોરના વિકાસ માટે કરોડોની જોગવાઈ છે. પર્યાવરણ જાળવણી માટે ઈલેક્ટ્રિક વાહનો પરની 5% ટેક્સ રિબેટ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

