તુર્કિયેના નિવેદનથી શહબાઝ શરીફને મોટો આંચકો: ‘ઇસ્લામિક નાટો’ બનાવવાની પાકિસ્તાનની આશા પર વળ્યું પાણી
‘ઇસ્લામિક નાટો’ બનાવવાની કોશિશમાં લાગેલા પાકિસ્તાનને તેના સૌથી નજીકના મિત્ર ગણાતા દેશ તુર્કિયે તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તુર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો દેશ કોઈ નવા ભૂ-રાજકીય જૂથ (Geopolitical Bloc) નો હિસ્સો બનશે નહીં. આ નિવેદન બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની મુસ્લિમ દેશોનું સૈન્ય ગઠબંધન કરવાની યોજનાને ભારે નુકસાન પહોંચ્યું છે.
તુર્કિયેના વિદેશ મંત્રીએ શું કહ્યું?
હાકાન ફિદાને એક સત્તાવાર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તુર્કિયે કોઈ પણ નવું ભૂ-રાજકીય જૂથ બનાવવામાં રસ ધરાવતું નથી. તેમણે સામૂહિક જવાબદારી પર આધારિત પ્રાદેશિક એકતા મંચ બનાવવાની પહેલ કરી છે. અગાઉ એવી અટકળો હતી કે તુર્કિયે પાકિસ્તાન-સાઉદી અરેબિયાના સંરક્ષણ કરારમાં સામેલ થશે, પરંતુ ફિદાનના આ નિવેદનથી સાઉદી અરેબિયા અને પાકિસ્તાન બંનેની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.
“પોતાની સુરક્ષા આઉટસોર્સ ન કરો”
વિદેશ મંત્રી ફિદાને ખૂબ જ કડક શબ્દોમાં પ્રાદેશિક દેશોને શિખામણ આપી કે, “તમારી સુરક્ષા અન્ય શક્તિઓને આઉટસોર્સ ન કરો.” તેમણે તર્ક આપ્યો કે આ ક્ષેત્રની મુખ્ય સમસ્યા માત્ર બહારનો હસ્તક્ષેપ નથી, પરંતુ રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસનો ઊંડો અભાવ છે. જ્યાં સુધી પ્રાદેશિક દેશો પોતાની સમસ્યાઓની જવાબદારી પોતે નહીં લે, ત્યાં સુધી સ્થિરતા આવી શકશે નહીં. તેમણે એવી વ્યવસ્થા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જે બાહ્ય શક્તિઓ પર નિર્ભર રહેવાને બદલે સમાન હિતોને પ્રતિબિંબિત કરતી હોય.
પ્રભુત્વ સ્વીકારવાનો ઇનકાર
તુર્કિયેના વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભવિષ્યની કોઈ પણ વ્યવસ્થા સર્વસમાવેશક હોવી જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે:
“અમે કોઈ તુર્કી પ્રભુત્વ ઈચ્છતા નથી, કોઈ આરબ પ્રભુત્વ નહીં અને કોઈ ફારસી (ઈરાની) પ્રભુત્વ પણ નહીં.”
તેમણે વારંવાર નિયમો પર આધારિત સહયોગ અને પ્રાદેશિક માલિકી વધારવા પર ભાર મૂક્યો હતો, જેનો અર્થ છે કે તુર્કિયે હવે કોઈ ધાર્મિક કે લશ્કરી જૂથબંધીનો હિસ્સો બનીને પોતાની વિદેશ નીતિને મર્યાદિત કરવા માંગતું નથી.
વધતી રાજદ્વારી અંતર અને મધ્ય-પૂર્વના સમીકરણો
વર્તમાનમાં તુર્કિયે મધ્ય-પૂર્વમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. સાઉદી અરેબિયા સાથે તેના સંબંધો મજબૂત થયા છે, પરંતુ સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથેના સંબંધોમાં દૂરી વધી છે. જોકે પેલેસ્ટાઈન મુદ્દે તુર્કિયે, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન એકમત છે, પરંતુ UAE દ્વારા ‘અબ્રાહમ કરાર’ હેઠળ ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવ્યા બાદ પ્રાદેશિક સમીકરણો બદલાઈ ગયા છે. આવા સમયે તુર્કિયેએ કોઈ પણ નવા સૈન્ય બ્લોકનો હિસ્સો બનવાનો ઇનકાર કરીને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી દીધી છે.

