સરકારે ૩૯ આવશ્યક મેડિસિનની કિંમતો પર લગાવ્યો લગામ
ભારતમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર (BP), હૃદયરોગ અને હાડકાંની નબળાઈ જેવી ગંભીર બીમારીઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવા રોગોમાં દર્દીઓને આજીવન અથવા લાંબા સમય સુધી નિયમિત દવાઓ લેવી પડે છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના માસિક બજેટનો મોટો હિસ્સો માત્ર મેડિકલ સ્ટોરના બિલ ચૂકવવામાં જ ખર્ચાઈ જાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના કરોડો દર્દીઓને સીધી અને મોટી આર્થિક રાહત આપતો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સરકારે રોજિંદા ઉપયોગમાં આવતી તેમજ કટોકટીના સમયે ઉપયોગી એવી ૩૯ આવશ્યક દવાઓની મહત્તમ છૂટક કિંમત (MRP) ફિક્સ કરી દીધી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) ના આ આકરા વલણ બાદ બજારમાં ઉપલબ્ધ ઘણી જરૂરી દવાઓની કિંમતોમાં ૨૦ થી ૪૦ ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળશે.
DPCO-2013 ના કડક કાયદા હેઠળ ભાવ નિયંત્રણ
કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય ડ્રગ્સ (પ્રાઈસ કન્ટ્રોલ) ઓર્ડર એટલે કે DPCO-૨૦૧૩ ના નિયમો હેઠળ લીધો છે. આ કાયદાકીય જોગવાઈ અમલમાં આવ્યા બાદ હવે દેશની કોઈપણ નાની-મોટી ફાર્માસ્યુટિકલ કંપની કે મેડિકલ સ્ટોર ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા ભાવ કરતાં એક પણ રૂપિયો વધુ વસૂલ કરી શકશે નહીં. આટલું જ નહીં, સરકારે તમામ દવા ઉત્પાદક કંપનીઓને કડક આદેશ આપ્યો છે કે તેમણે તેમના નવા લોન્ચ થનારા કે હાલના તમામ બેચના દવાના પેકેટો પર નવી અને ઘટેલી MRP સ્પષ્ટપણે છાપવી પડશે. આનાથી ગ્રાહકો અથવા દર્દીઓ છેતરાશે નહીં અને તેમને સાચી કિંમતની પારદર્શક માહિતી મળી શકશે.
આ મહત્વપૂર્ણ દવાઓના ભાવમાં થયો ઘટાડો
સરકારે જે ૩૯ દવાઓની કિંમતો નિયંત્રિત કરી છે તેમાં સૌથી મોટો ફાયદો હાર્ટના દર્દીઓને મળશે. હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવા, લોહીને પાતળું રાખવા અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવા માટે સૌથી વધુ વપરાતી ‘ક્લોપીડોગ્રેલ + એસ્પિરિન + એટોર્વાસ્ટેટિન’ ના કોમ્બિનેશન વાળી કેપ્સ્યુલની મહત્તમ કિંમત હવે માત્ર ૬.૩૭ રૂપિયા પ્રતિ કેપ્સ્યુલ નક્કી કરવામાં આવી છે. તે જ રીતે, ગંભીર હાઈ બ્લડ પ્રેશરના નિયંત્રણ માટે અપાતી ‘એમલોડિપાઇન + બિસોપ્રોલોલ + ટેલ્મીસાર્ટન’ ટેબ્લેટની કિંમત હવે વધુમાં વધુ ૧૪.૭૪ રૂપિયા પ્રતિ ટેબ્લેટ રહેશે. વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને નબળા હાડકાંની તકલીફ વાળા લોકો માટે રાત-દિવંસ વપરાતી કેલ્શિયમ અને વિટામિન D3 ની સપ્લિમેન્ટ ટેબ્લેટની કિંમત હવે જીએસટી (GST) સાથે માત્ર ૮.૯૩ રૂપિયા પ્રતિ ટેબ્લેટ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત, આંખની સર્જરી કે મોતિયાના ઓપરેશન બાદ ચેપ અને સોજો અટકાવવા માટે ઉપયોગી એવા નેપાફેનાક અને મોક્સીફ્લોક્સાસીન આઈ ડ્રોપ્સની નવી કિંમત ૬૮.૬૪ રૂપિયા પ્રતિ મિલીલીટર નક્કી થઈ છે. હડકવા અથવા કૂતરું કરડ્યા બાદ અપાતા અત્યંત જરૂરી એવા એન્ટી-રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શનનો ભાવ ૧૧૯.૪૮ રૂપિયા કરવામાં આવ્યો છે. સૌથી મોટી રાહત હાર્ટ એટેક દરમિયાન હોસ્પિટલમાં લોહીના ગઠ્ઠા ઓગાળીને દર્દીનો જીવ બચાવવા માટે વપરાતા મોંઘાડાટ ‘ટેનેક્ટેપ્લેઝ’ (TNK-TPA) ઇન્જેક્શનમાં મળી છે, જેની મહત્તમ કિંમત હવે ૬૦,૨૩૮.૨૭ રૂપિયા પ્રતિ વાયલ નક્કી કરાઈ છે, જેથી ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી અંધાધૂંધ ચાર્જ ન વસૂલી શકે.
નિયમો તોડનારા મેડિકલ સ્ટોર્સ અને કંપનીઓ સામે કડક કાર્યવાહી
NPPA એ દેશભરના ડ્રગ ઇન્સ્પેક્ટરો અને ઓથોરિટીઝને એલર્ટ કરી દીધા છે. જો કોઈ પણ મેડિકલ સ્ટોર કે હોસ્પિટલ ફાર્મસી નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર કંપનીઓએ ગ્રાહકો પાસેથી વસૂલેલી વધારાની રકમ વ્યાજ સહિત સરકારની તિજોરીમાં જમા કરાવવી પડશે. સન ૧૯૯૭ માં સ્થપાયેલી ભારત સરકારની આ સ્વતંત્ર નિયામક સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે દેશના ગરીબ અને સામાન્ય નાગરિકોને વ્યાજબી ભાવે જીવનરક્ષક દવાઓ મળી રહે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના અહેવાલો પણ કહે છે કે ભારતમાં લોકો પોતાની નિકટની વ્યક્તિની સારવાર માટે પોતાની જમાપુંજી અથવા ઘરેણાં વેચી દે છે, કારણ કે અહીં દર્દીઓનો આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ (પોતાના ખિસ્સામાંથી થતો ખર્ચ) વૈશ્વિક સરેરાશ કરતાં ઘણો વધારે છે. આવા સમયે હાર્ટ, બીપી અને ડાયાબિટીસ જેવી દવાઓ સસ્તી થવાથી લાખો પરિવારોના ઘરનું આર્થિક સંતુલન ખોરવાતા બચી જશે.