અમેરિકાના યુબામાં છેલ્લાં 12 વર્ષથી ગેરકાયદે રહેતા એક ભારતીયને તાજેતરમાં ICE(ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) દ્વારા દેશનિકાલનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 2005માં મેક્સિકો સરહદેથી ગેરકાયદે પ્રવેશેલા ભારતીય બલજીતસિંહે 2011માં અહીંની સ્થાનિક મહિલા સાથે લગ્ન કરી લીધા હતા, તેઓને બે બાળક પણ છે. પરંતુ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ USમાં ગેરકાયદે વસવાટ કરનારા પર તવાઈ બોલાવી છે. તાજેતરમાં જ બલજીતની અટકાયત કરાયા બાદ તેને ડિટેન્શન સેન્ટરમાં લઈ જવાયો હતો. ડિટેન્શન સેન્ટરના અનુભવને તે પૃથ્વી પરનું નરક ગણાવે છે.
યુબાના 39 વર્ષના બલજીતસિંહને એક અઠવાડિયા માટે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. બલજીતની અટકાયત બાદ તે રડી પડ્યો હતો. તેની ઓગસ્ટની ઈમિગ્રેશન એપોઈમેન્ટ પહેલા તે તેના પરિવાર માટે ઘર તૈયાર કરવા માગતો હતો કારણ કે તેને અણસાર આવી ગયો હતો કે, આવનારો સમય કદાચ તેના માટે સારો નહીં હોય. જો કે, ICEએ તેને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો જેથી તે તેને પર્સનલ જરૂરી કામ પૂર્ણ કરી શકે તથા વતન જવાની તૈયારી કરી શકે. બલજીત હવે અમેરિકા 10 વર્ષ સુધી આવી શકશે નહીં.
ફેડરલ ઈમિગ્રેશન ઓથોરિટીએ બલજીતસિંહને તાજેતરમાં ડિટેન્શન સેન્ટરમાંથી મુક્ત કર્યા બાદ તેઓ નદી કિનારે તેમના કૂતરાને લઈને ચાલતા તથા તેમના બાળકો સાથે રમતા જોવા મળ્યા હતા. ઓથોરિટીએ તેમને દેશમાંથી વતન પરત ફરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. ICEના પ્રવક્તા લોરી હલેએ જણાવ્યું કે, સિંહને અમે 90 દિવસનો સમય આપ્યો છે, જેથી તે તેના પર્સનલ જરૂરી કામ પૂરા કરી શકે અને તેના ભારત પરત જવાની તૈયારી કરી શકે. સિંહે જણાવ્યું કે, તે વર્ષોથી ICE ચેક-ઇન કરી રહ્યા છે, પરંતુ ઈમિગ્રેશનના અધિકારીઓએ કહ્યું છે કે, ‘હવે સરકાર બદલાઈ ગઈ છે, નવું વહીવટીતંત્ર અમલમાં આવી ગયું છે, જેથી તમામ કાયદા બદલાઈ ગયા છે.’
સિંહે વધુમાં કહ્યું કે, તેનું કોઈ ક્રિમિનલ રેકોર્ડમાં નામ નથી. તેની પત્ની, કેટ સિંહ એક અમેરિકન નાગરિક છે. અમે 2011માં લગ્ન કર્યા હતા અને અમારે 5 વર્ષ અને 3 વર્ષના બે બાળકો છે. બલજીત સિંહે નવ વર્ષ સુધી એક જ ફિલ્ડમાં કામ કર્યું છે, તેણે આ દરમિયાન ગેસ સ્ટેશન્સ ચલાવ્યા તથા સંચાલિત કર્યા છે. આ વર્ષે દંપતી યુબા સિટીમાં ટ્રાન્સફર થયું, જ્યાથી સિંહ કામ કરતો તે ગેસ સ્ટેશન નજીક હતું. તેઓએ 135,000 ડોલરમાં ફિક્સર-અપર હાઉશ પણ ખરીદ્યું છે, જેને રિનોવેટ કરાવવામાં છ સપ્તાહના લાગ્યા છે.