પર્યાવરણ અને ટકાઉપણા તરફ અગ્રેસર ઓડિશા: સરકાર અને અદાણી ફાઉન્ડેશનની સંયુક્ત સંશોધન પહેલ
ઓડિશામાં દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ અને પર્યાવરણના જતન માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ કદમ ભરાયું છે. ભુવનેશ્વર ખાતે ઓડિશા સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ગણેશ રામ સિંહ ખુંટિયાના હસ્તે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલા ‘ઓલિવ રિડલી’ કાચબાઓની હિલચાલના ત્રણ વર્ષીય સંશોધનાત્મક અભ્યાસનો પ્રથમ વર્ષનો અહેવાલ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ અભ્યાસ ઓડિશા વાઇલ્ડલાઇફ ઓર્ગેનાઇઝેશન, વન વિભાગ તેમજ અદાણી પોર્ટ્સના ધામરા પોર્ટ કંપની અને અદાણી ફાઉન્ડેશનની સંયુક્ત ભાગીદારીથી હાથ ધરવામાં આવ્યો છે, જેમાં અદાણી ફાઉન્ડેશનના સીઈઓ ડૉ. અભિષેક લખતકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઓલિવ રિડલી કાચબાઓનું સંરક્ષણ અને વૈજ્ઞાનિક અભિગમ
વિશ્વભરમાં ઓલિવ રિડલી કાચબાઓ માટે ઓડિશાનો દરિયાકિનારો સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ખાસ કરીને કેન્દ્રપાડા જિલ્લામાં ગહીરમાથા અને ગંજમ જિલ્લામાં રુષિકુલ્યા ખાતે મોટા પાયે આ કાચબાઓ માળાનું નિર્માણ કરે છે. વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ ની અનુસૂચિ I હેઠળ આ પ્રજાતિને ભારતમાં સર્વોચ્ચ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. આ અભ્યાસ અંતર્ગત સેટેલાઇટ ટેગિંગ, બોટ-આધારિત સર્વેક્ષણો અને કિનારાના વિશ્લેષણોનો સમાવેશ કરીને કાચબાઓ દરિયાકાંઠાના પાણી અને માળાના રહેઠાણોનો કેવી રીતે ઉપયોગ કરે છે તેની ઊંડી સમજ મેળવવામાં આવી છે.
વૈજ્ઞાનિકો અને ડૉ. પ્રીતિ અદાણી દ્વારા સરકારના અભિગમની પ્રશંસા
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આર. સુરેશ કુમારે જણાવ્યું હતું કે અંદાજે ૧૫ વર્ષ બાદ ઓરિસ્સામાં ઓલિવ રિડલી કાચબાઓના સેટેલાઇટ ટ્રેકિંગના નવીકરણથી આ કાચબાઓની હિલચાલ અને રહેઠાણ વિશે નવી અને સચોટ માહિતી પ્રાપ્ત થઈ છે. આ પુરાવા-આધારિત સંશોધનને કારણે લાંબા ગાળાના સંરક્ષણ માટે મજબૂત ડેટાસેટ તૈયાર થયો છે.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. પ્રીતિ જી. અદાણીએ ઓરિસ્સાના કુદરતી વારસાના રક્ષણ માટે ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના નેતૃત્વ હેઠળની સરકારના ટકાઉપણા અને પર્યાવરણ સંરક્ષણના અભિગમને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર અને ખાનગી ક્ષેત્રના સહયોગથી આવા મહત્ત્વપૂર્ણ કાર્યોને મજબૂત આધાર મળે છે.
ટેલિમેટ્રી અને બોટ-સર્વેના ચોંકાવનારા તારણો
સંશોધનના ટેલિમેટ્રી ડેટા મુજબ નર અને માદા ઓલિવ રિડલી કાચબાઓની હિલચાલમાં મોટો તફાવત જોવા મળ્યો છે. નર કાચબાઓએ દરિયા કિનારાથી પોતાનું સ્થળાંતર વહેલું શરૂ કર્યું હતું, જ્યારે માદાઓ લાંબા સમય સુધી નજીકના દરિયાકાંઠાના પાણીમાં રહી હતી. એક માદા કાચબાએ ૨૭૧ દિવસમાં ૬,૭૧૯ કિમીનો લાંબો પ્રવાસ કરીને શ્રીલંકાના પૂર્વ પાણી સુધી પહોંચીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.
જ્યારે બોટ-આધારિત સર્વેક્ષણમાં ૨૦૨૫-૨૬ની ઋતુ દરમિયાન ૧,૩૯૦ વ્યક્તિગત કાચબા અને ૬૭ સમાગમ જોડીઓ નોંધાઈ હતી, જેમાંથી મોટાભાગના કાચબાઓ દરિયાકાંઠાના બે કિલોમીટરના વિસ્તારમાં જ જોવા મળ્યા હતા. આ ડેટા દરિયાઈ જીવસૃષ્ટિના યોગ્ય સંચાલન માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
અદાણી ફાઉન્ડેશનના સામાજિક અને પર્યાવરણીય કાર્યો
પર્યાવરણીય ટકાઉપણું જાળવવા માટે અદાણી સમૂહ સતત કાર્યરત છે. તાજેતરમાં ન્યુયોર્કમાં યોજાયેલા ક્લાઈમેટ વીકમાં પણ અદાણી સમૂહે ભાગ લઈને આબોહવા સંબંધી કાર્યવાહીમાં યોગદાન આપ્યું હતું. ઓડિશામાં અદાણી ફાઉન્ડેશન છેલ્લા એક દાયકાથી સાત જિલ્લાના ૨૮૩ ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય, ફરતા દવાખાના, આજીવિકા કાર્યક્રમો, પીવાનું પાણી અને ગ્રામીણ વીજળીકરણ જેવા જનકલ્યાણના કાર્યો દ્વારા નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે.
