ટ્રમ્પની ભાષા કોઈને પણ શોભે તેવી નથી… અમેરિકી રાષ્ટ્રપતિ પર ઓમર અબ્દુલ્લાનો આકરો પ્રહાર
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઈરાન સાથેના યુદ્ધના મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. ઓમર અબ્દુલ્લાએ સવાલ ઉઠાવ્યો હતો કે આ લડાઈથી અમેરિકા કે દુનિયાને આખરે શું મળ્યું? તેમણે ટ્રમ્પને સલાહ આપી કે તેમણે ઈઝરાયેલ પર નિયંત્રણ રાખવું જોઈએ જેથી તે લેબનોન પર હુમલો કરવાનું બંધ કરે. આ સાથે જ ઓમર અબ્દુલ્લાએ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા સામે પણ સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
“રાષ્ટ્રપતિ પદની ગરિમાને શોભતું નથી આ વર્તન”
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, “ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે, તે એક રાષ્ટ્રપતિ તો શું, કોઈ સામાન્ય વ્યક્તિને પણ શોભતી નથી. મેં પહેલા પણ કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદનો વિશે કંઈ કહી શકાતું નથી. મને લાગે છે કે તેઓ પોતે પણ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ સવારે એક વાત કરે છે, બપોરે બીજી અને સાંજે ત્રીજી વાત કરે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, ટ્રમ્પે યાદ રાખવું જોઈએ કે તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે. સોશિયલ મીડિયા પર જે રીતે તેઓ નિવેદનો આપે છે તે અયોગ્ય છે.
“આપણું એકાઉન્ટ તો બ્લોક થઈ ગયું હોત”
ટ્રમ્પના સોશિયલ મીડિયા વ્યવહાર પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “જે પ્રકારની ગાળાગાળી અને ભાષાનો તેઓ સોશિયલ મીડિયા પર ઉપયોગ કરે છે, જો તમે કે હું એવું કર્યું હોત તો ફેસબુક કે ટ્વિટર (X) આપણું એકાઉન્ટ અત્યાર સુધીમાં સીઝ કે બ્લોક કરી દીધું હોત. પરંતુ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે અને લોકો તેમનાથી ડરે છે, એટલે તેમના પર કોઈ કાર્યવાહી થતી નથી. કોઈને વારંવાર ધમકી આપવી એ કયા પ્રકારની રાજનીતિ છે?”
જંગ પાછળનો હેતુ શું હતો?
યુદ્ધના પરિણામો પર સવાલ ઉઠાવતા નેશનલ કોન્ફરન્સના નેતાએ પૂછ્યું કે, ટ્રમ્પ જણાવે કે આ જંગ પાછળનો તેમનો અસલી હેતુ શું હતો? અમેરિકા તેને પોતાની મોટી સફળતા ગણાવે છે અને કહે છે કે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) ખુલી ગયું, પરંતુ સત્ય એ છે કે તે પહેલાથી જ ખુલ્લું હતું અને દરેક માટે મફત હતું. હવે આ યુદ્ધ પછી ઈરાનને તક મળી ગઈ છે અને તે ત્યાં ટોલ ટેક્સ વસૂલી રહ્યું છે. તો પછી આ જંગથી અમેરિકાને શું હાંસલ થયું?
ઈઝરાયેલ પર અંકુશ જરૂરી
ઓમર અબ્દુલ્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો વિશ્વમાં શાંતિ ઈચ્છતા હોય તો ટ્રમ્પે ઈઝરાયેલ પર લગામ કસવી પડશે. તેમણે કહ્યું, “ઈઝરાયેલ જે રીતે લેબનોન પર બોમ્બમારો કરી રહ્યું છે અને નિર્દોષ લોકોને મારી રહ્યું છે, તે જોતા તમને લાગે છે કે સીઝફાયર (યુદ્ધવિરામ) થશે? જો આ સંઘર્ષવિરામ નિષ્ફળ જશે, તો તેમાં ઈરાનનો નહીં પણ માત્ર ને માત્ર ઈઝરાયેલનો જ વાંક હશે.”

