બજારમાં માત્ર 50 રૂપિયા મણનો ભાવ મળતા લીંબુડા ગામના ખેડૂતે રોટાવેટર ફેરવ્યુ
જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં ડુંગળીના ભાવમાં ભારે ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છગનભાઈ નામના ખેડૂતે પોતાના 10 વીઘા વિસ્તારમાં ડુંગળી વાવેતર કર્યું હતું, પરંતુ બજારમાં ભાવ એટલા ઓછા મળતા રહ્યા કે ખર્ચ પણ ન નિકળી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મોંઘાં બિયારણ અને દવાઓ સાથે ઊંચા મજુર ખર્ચા બાદ પણ માર્કેટમાં માત્ર 50 રૂપિયા મણનો ભાવ મળતા ખેડૂતનું મનોબળ તૂટી ગયું છે.
ખેતરમાં જ તૈયાર પાક પર રોટાવેટર ફેરવવાનો નિર્ણય
ખેડૂત છગનભાઈએ જણાવ્યા મુજબ ડુંગળીના પાક પાછળ વીઘે 10 થી 15 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થયો હતો. આવા ખર્ચ સામે આવતા આવકનો કોઈ અણસાર ન હોવાથી તેમણે ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં ન લઈ જઈ ખેતરમાં જ રોટાવેટર ફેરવવાનો નિર્ણય કર્યો. પાકની આવી સ્થિતિ જોઈ ખેત મજુરો પણ નિરાશ થયા છે અને આ પરિસ્થિતિને તેઓ અત્યંત દુઃખદ ગણાવી રહ્યા છે.
બજારમાં ભાવ ન મળતા ઉત્પાદન કરતા નુકસાન વધુ
બજારમાં ડુંગળીના ભાવ સતત ઘટતા જાય છે, જેના કારણે લીંબુડા સહિત જોડિયા વિસ્તારના અનેક ખેડૂતોને ઉત્પાદન કરતા નુકસાન વધુ થઈ રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું કે, ઓછા ભાવને કારણે ખેતરમાંથી ઉપજને વેચવા લઈ જવું પણ નુકસાનકારક બની ગયું છે. આવી સ્થિતિમાં પાકનો નાશ કરવો જ એકમાત્ર રસ્તો રહી ગયો છે, જે ખેડૂતો માટે અત્યંત પીડાદાયક નિર્ણય છે.
સરકારને સહાય માટે ખેડૂત સમાજની માંગ
આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો સરકાર સમક્ષ ડુંગળીની આયાત અને નિકાસને સંતુલિત કરવાની માંગણી કરી રહ્યા છે. તેઓ કહે છે કે, યોગ્ય ભાવ ન મળતા ઉત્પાદન કરનારાઓને ભારે મૂંઝવણનો સામનો કરવો પડે છે. સરકાર ડુંગળી ઉત્પાદનકારોની વ્હારે આવે અને પોષણક્ષમ ભાવની વ્યવસ્થા કરે એવી આશા ખેડૂતોમાં વ્યાપ્ત થઈ છે. ખેડૂતો ઈચ્છે છે કે ડુંગળી ઉગાડ્યા બાદ રડવાની નોબત નહીં આવે એવી નીતિ અમલમાં આવે.

