હનીટ્રેપ મારફતે જવાનોને ફસાવતી મહિલા પંજામાં
ગુજરાત એ.ટી.એસ.એ દેશવિરુદ્ધ ચાલી રહેલા જાસૂસી તંત્રનો પર્દાફાશ કરીને દમણની એક મહિલા અને ગોવાના એક પુરુષને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ બંને લોકો પાકિસ્તાનના હેન્ડલરો સાથે સીધા સંપર્કમાં હોવાથી શંકા વધુ ગાઢ બની હતી. બંનેની ધરપકડ બાદ તેમના મોબાઈલ ફોન અને દસ્તાવેજોમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે, જેના આધારે વધુ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. એજન્સીઓ આ સમગ્ર નેટવર્ક કેવી રીતે કાર્યરત હતું તેની પણ શોધખોળ કરી રહી છે.
નિવૃત્ત સુબેદાર માહિતી લીક કરતો હોવાનું સામે આવ્યું
તપાસ દરમ્યાન ખુલ્યું કે ગોવાના અજયકુમાર સુરેન્દ્રસિંહ, જે આર્મીમાં સુબેદાર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે, 2022થી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ખાતા સાથે સંપર્કમાં હતો. “અંકિતા શર્મા” નામની ખોટી ઓળખ હેઠળ પાકિસ્તાની હેન્ડલરોએ તેની સાથે મિત્રતા કરી અને તેને યુનિટ, પોસ્ટિંગ અને મુવમેન્ટ જેવી સંવેદનશીલ માહિતી માંગવામાં આવી હતી. વધુમાં, હેન્ડલરો દ્વારા તેના મોબાઈલમાં ટ્રોજન ફાઇલ મોકલી તેને ઇન્સ્ટોલ કરવા કહેવામાં આવ્યું હતું જેથી તેમની પાસે તેના ફોનનો સીધો ઍક્સેસ રહે. અજયકુમારે અજાણતાં કેટલીક મહત્વની વિગતો શેર પણ કરી હતી.
મહિલાએ ખોટી ઓળખથી જવાનોને ફસાવવાનો સ્વીકાર કર્યો
દમણમાં રહેતી રશ્માની રવિન્દ્ર પાલે પ્રાથમિક પૂછપરછમાં સ્વીકાર્યું કે તે પાકિસ્તાની હેન્ડલર અબ્દુલ સત્તાર અને ખાલીદ માટે મધ્યસ્થ તરીકે કાર્ય કરતી હતી. “પ્રિયા ઠાકુર” નામથી ખોટી ઓળખ બનાવી તે ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરતી અને મીઠી વાતોથી ખાનગી માહિતી મેળવી લેતી. તેનું કામ હનીટ્રેપ અને સ્વીટ ટોક મારફતે જવાનોને ભાવનાત્મક રીતે ફસાવી ગુપ્ત માહિતી બહાર પડાવવાનું હતું. તેણીને અનેક મોબાઈલ નંબરોની યાદી આપવામાં આવતા તે સતત નવા લોકોને નિશાને લેતી હતી.
યુનિટોની હરાફેરી-અભ્યાસ સંબંધિત માહિતી પર ખાસ નજર
હેન્ડલરો દ્વારા રશ્માનીને આર્મીની અમુક યુનિટોના યુદ્ધ અભ્યાસ, સૈનિકોની હરાફેરી અને કામગીરી અંગે માહિતી એકત્ર કરવાની સૂચના આપવામાં આવી હતી. રશ્માની સત્તારના પાકિસ્તાની નંબર સાથે સીધી વાતચીત કરતી અને નાણાકીય લાભ માટે એરટેલ પેમેન્ટ બેન્કમાં નવું એકાઉન્ટ ખોલ્યું હતું. તેના ફોનમાંથી આંતરરાષ્ટ્રીય વોટ્સએપ કોલ, નાણાંકિય વ્યવહારો અને દસ્તાવેજોની વિગતો મળી આવતાં આરોપ વધુ મજબૂત બન્યો છે. તપાસમાં પાકિસ્તાની ઓપરેટરોના IP એડ્રેસ પણ મળી આવતા નેટવર્કની વાસ્તવિકતા સામે આવી છે.
ATS દ્વારા વધુ તપાસને ગતિ
એટીએસે બંને આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર નેટવર્કની કડી જોડવાની કામગીરી તેજ કરી દીધી છે. હેન્ડલરો ભારતના કયા વિસ્તારોને નિશાન બનાવી રહ્યા હતા, આ માહિતી કઈ રીતે અને ક્યાં વપરાતી હતી અને અન્ય કોઇ વ્યક્તિ તેમાં સંકળાયેલી છે કે નહીં તે મુદ્દાઓ પર તપાસ ચાલુ છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે આ કેસ દેશની સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી અત્યંત સંવેદનશીલ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા શક્ય છે.

