પાકિસ્તાનનું નવું નાપાક કાવતરું: જૈશ બાદ હવે લશ્કર પણ તૈયાર કરશે ‘મહિલા આતંકીઓ’, ટ્રેનિંગ માટે ખુલશે ખાસ કેમ્પ
પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) હવે ભારતમાં અશાંતિ ફેલાવવા માટે એક નવો અને ખતરનાક રસ્તો અપનાવી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદના પદચિહ્નો પર ચાલતા હવે લશ્કરે પણ પોતાના સંગઠનમાં ‘મહિલા વિંગ’ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. આ માટે પાકિસ્તાનમાં બે વિશેષ તાલીમ કેન્દ્રો એટલે કે ‘મરકઝ’ બનાવવાની યોજના હોવાનો ખુલાસો થયો છે, જેનાથી ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
શું છે લશ્કરની નવી રણનીતિ?
અત્યાર સુધી લશ્કર-એ-તૈયબામાં મહિલાઓનો ઉપયોગ માત્ર રાજકીય પ્રચાર અને ભીડ એકઠી કરવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે બદલાયેલી રણનીતિ મુજબ, આ મહિલાઓને ‘ઓવર ગ્રાઉન્ડ વર્કર’ (OGW) તરીકે તૈયાર કરવામાં આવશે.
- નવા ટ્રેનિંગ કેમ્પ: પાકિસ્તાનમાં બે નવા મરકઝ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જ્યાં મહિલાઓને આતંકી ગતિવિધિઓમાં મદદ કરવાની ખાસ તાલીમ અપાશે.
- નેતૃત્વ: આ વિંગની કમાન ઈફ્ફત સઈદ પાસે હોવાનું મનાય છે, જેમની તાજેતરની ટિપ્પણીઓ સંગઠનની આક્રમક રણનીતિમાં પરિવર્તનનો સંકેત આપે છે.
- વિસ્તરણ: ઈસ્લામાબાદ સ્થિત ‘મરકઝ કુબા અલ ઈસ્લામ’નું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને મહિલાઓ માટે તાલીમની સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે.
જૈશ-એ-મોહમ્મદના માર્ગે લશ્કર
તમને જણાવી દઈએ કે લશ્કર પહેલા જૈશ-એ-મોહમ્મદે ‘ઓપરેશન સિંદૂર’ બાદ પોતાની મહિલા વિંગ શરૂ કરી દીધી હતી. જૈશમાં આ વિંગની જવાબદારી મસૂદ અઝહરની બહેન સંભાળી રહી છે. જ્યારે મોટા આતંકી નેતાઓ પર આંતરરાષ્ટ્રીય દબાણ વધે છે અને તેઓ અંડરગ્રાઉન્ડ થાય છે, ત્યારે સંગઠનનું કામ ચાલુ રાખવા માટે તેઓ મહિલાઓનો ‘ઢાલ’ તરીકે ઉપયોગ કરવાની પેરવી કરે છે.
સુરક્ષા એજન્સીઓ કેમ ચિંતિત છે?
જ્યારે મહિલાઓ આતંકી સંગઠનોમાં જોડાય છે, ત્યારે તેમને ઓળખવી અને પકડવી સુરક્ષા દળો માટે પડકારજનક બની શકે છે. લશ્કરના વરિષ્ઠ નેતા અબ્દુર રઉફ આ કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યો હોવાના અહેવાલે સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. અમેરિકાએ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર બંને પર 10-10 લાખ ડોલરનું ઈનામ જાહેર કરેલું છે, છતાં તેઓ પાકિસ્તાનની ધરતી પરથી આવી નાપાક હરકતો ચાલુ રાખી રહ્યા છે.

