પ્રાકૃતિક ખેતીને મોડેલ બનાવવા પંચમહાલ જિલ્લાના તમામ વિભાગોને સંકલિત પ્રયાસોની અપીલ
પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા કરી પંચમહાલને પ્રાકૃતિક ખેતીમાં મોડેલ જિલ્લો બનાવવાનો છે.
ક્લસ્ટર સ્તરે તાલીમ અને વેચાણ કેન્દ્રો ઉભા કરવા પર વિશેષ ભાર
કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી કે પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો દરેક ખેડૂત સુધી પહોંચવા જોઈએ. આ માટે ગ્રામ્ય અને ક્લસ્ટર સ્તરે ખેડૂતોને પદ્ધતિસરની તાલીમ આપવાની કામગીરી વધુ તેજ કરવા જણાવાયું હતું. ખેડૂતો જે પ્રાકૃતિક ઉત્પાદન પકવે છે, તેનું તેમને પૂરતું વળતર મળી રહે તે માટે જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ‘પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રો’ શરૂ કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ગાય નિભાવ સહાય યોજના અને તાલુકા સ્તરે મોનિટરિંગ
ગાય આધારિત ખેતીને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા જે ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે, તેની પ્રક્રિયા ઝડપી બનાવવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી. આ ઉપરાંત, જિલ્લાના તમામ ૭ તાલુકાઓમાં તાલુકા અમલીકરણ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિઓ છેવાડાના ખેડૂત સુધી પહોંચીને મોનિટરિંગ મજબૂત બનાવશે, જેથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો સ્થળ પર જ નિકાલ લાવી શકાય.
વિવિધ વિભાગોના સંકલનથી કૃષિ ક્રાંતિ લાવવાનો નિર્ધાર
આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટ, પંચામૃત ડેરીના અધિકારીઓ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના પ્રતિનિધિઓએ પણ પોતાની કામગીરીના અહેવાલો રજૂ કર્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પશુપાલન અને ખેતીવાડી વિભાગ સાથે મળીને કામ કરશે તો ખેડૂતોની આવક બમણી થશે અને પંચમહાલ જિલ્લો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં નવી ઓળખ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
