રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મહોત્સવ, ખેડૂતોને મૂલ્યવર્ધન અને માર્કેટિંગ માટે પ્રોત્સાહન
કચ્છના ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું એક મોટું અભિયાન ચાલી રહ્યું છે. જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને થતા નુકસાનને અટકાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. સરકાર ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહન આપવા માટે તાલીમ, બજાર વ્યવસ્થા અને વિવિધ આર્થિક યોજનાઓ પૂરી પાડી રહી છે.
મિલેટ્સ અને શ્રી અન્નને દૈનિક આહારમાં સ્થાન આપવા મંત્રીશ્રીની અપીલ
આજના સમયમાં સમગ્ર વિશ્વમાં પરંપરાગત મિલેટ્સ (જાડા ધાન્ય) ની લોકપ્રિયતા વધી રહી છે. મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે સારા સ્વાસ્થ્ય માટે આપણે પણ આપણા દૈનિક ભોજનમાં ‘શ્રી અન્ન’ ને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે ખેડૂતોને માત્ર ઉત્પાદન કરવા પૂરતું સીમિત ન રહીને, તેમના પ્રાકૃતિક ઉત્પાદનોનું મૂલ્યવર્ધન (Value Addition) કરીને વેચાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કચ્છમાં થઈ રહેલા સર્વાંગી વિકાસને કારણે હવે લોકો ફરીથી ગામડાંઓ તરફ વળી રહ્યા છે (રિવર્સ માઇગ્રેશન), જે ભવિષ્યમાં આ પ્રદેશને વધુ સમૃદ્ધ બનાવશે.
આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય
આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શ્રી અન્ન માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ માનવ શરીર માટે જરૂરી તમામ પોષક તત્વોથી ભરપૂર છે. રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓથી મુક્ત ખેતી એ આવનારી પેઢીની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે. ખેડૂતોએ આર્થિક સદ્ધરતાની સાથે સામાજિક જવાબદારી સમજીને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન લાયક ખેડૂત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે આર્થિક સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
બે દિવસીય મહોત્સવમાં સખી મંડળો અને ખેડૂતોના વિવિધ સ્ટોલનું આકર્ષણ
ગાંધીધામમાં આયોજિત આ બે દિવસીય મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવતા સખી મંડળો દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. નાગરિકો અહીંથી સીધું જ શુદ્ધ અને સાત્વિક ઉત્પાદનોની ખરીદી કરી શકશે. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી, ડીઆરડીએ ડાયરેક્ટર નિકુંજ પરીખ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ પ્રકારના આયોજનોથી ખેડૂતોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે એક સીધું પ્લેટફોર્મ મળી રહ્યું છે જે ગ્રાહકો અને ઉત્પાદકો બંને માટે ફાયદાકારક છે.

