સુરત ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝમાં સલામતી જાગૃતિ માટે મોકડ્રીલ, DEOC સંપર્ક અને ક્વિક રિસ્પોન્સ પર ભાર
સુરત શહેરના પાંડેસરા જી.આઈ.ડી.સી.માં આવેલી સિદ્ધિ વિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ્સ કંપનીમાં સુરક્ષાના ભાગરૂપે એક વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગોમાં આગ જેવી દુર્ઘટના સમયે કર્મચારીઓની સુરક્ષા અને તંત્રની સજ્જતા ચકાસવા માટે આ કવાયત હાથ ધરાઈ હતી. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં અકસ્માતો ઘટાડવા અને જાગૃતિ લાવવાના હેતુથી નાયબ કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના માર્ગદર્શન હેઠળ આ આખું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
૩૦ મિનિટની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ
મોકડ્રીલ દરમિયાન સવારે ૧૧:૧૫ વાગ્યે ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં કંપનીના ફાયર વિભાગે પ્રયાસો કર્યા, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને કલરટેક્સ જેવી અન્ય કંપનીઓની મદદ લેવામાં આવી હતી. પ્રોટોકોલ મુજબ તમામ કર્મચારીઓનું હેડ કાઉન્ટિંગ કરીને તેમને સુરક્ષિત રીતે ‘એસેમ્બલી પોઈન્ટ’ પર ખસેડાયા હતા. ફાયર ફાઈટરોએ ૩૦ મિનિટની મહેનત બાદ આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી.
ઇમરજન્સી સમયે સમયનું મહત્વ અને DEOCની ભૂમિકા
મોકડ્રીલ બાદ યોજાયેલી બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર વી.જે. ભંડારીએ જણાવ્યું હતું કે દુર્ઘટના સમયે ‘ક્વિક રિસ્પોન્સ ટાઈમ’ એટલે કે ઝડપી પ્રતિસાદ સૌથી મહત્વનો છે. તેમણે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) વિશે સમજ આપતા કહ્યું કે કોઈપણ મોટી ઘટનામાં સૌથી પહેલા અહીં જાણ કરવાથી તમામ એજન્સીઓ એકસાથે સક્રિય થઈ જાય છે. આવી પ્રેક્ટિસથી સુરક્ષામાં રહેલી નાની-નાની ખામીઓ દૂર કરી શકાય છે અને ભવિષ્યમાં જાનહાનિ ટાળી શકાય છે.
સુરક્ષા માટે સાઈન બોર્ડ અને હેલ્પલાઈન નંબર ફરજિયાત
પ્રાંત અધિકારીએ કંપની સંચાલકોને અનુરોધ કર્યો હતો કે દરેક ફેક્ટરીના ગેટ અને એસેમ્બલી પોઈન્ટ પર ઇમરજન્સી હેલ્પલાઈન નંબરો મોટા અક્ષરે પ્રદર્શિત કરવા જોઈએ. જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે માણસ ગભરાઈ જતો હોય છે, ત્યારે લોબી અને ધાબા પર લાગેલા ડાયરેક્શન બોર્ડ તેને સાચી દિશામાં બહાર નીકળવામાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમમાં પોલીસ, સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને જી.પી.સી.બી.ના અધિકારીઓ સહિત અનેક વિભાગોના પ્રતિનિધિઓએ હાજર રહી મોકડ્રીલને સફળ બનાવી હતી.

