‘આ તદ્દન બકવાસ છે…’ ઉસ્માન ખ્વાજાના આરોપો પર ભડક્યો પેટ કમિન્સ, 8 વર્ષ જૂના સેન્ડપેપર કૌભાંડ પર તોડી ચુપકીદી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં આઠ વર્ષ જૂનું સેન્ડપેપર કૌભાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથા ‘સબ્ર’માં 2018ના બોલ ટેમ્પરિંગ વિવાદને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ખ્વાજાના દાવા મુજબ, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમના અનેક ખેલાડીઓને બોલ સાથે ચેડાં કરવાની યોજના વિશે જાણકારી હતી. હવે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે આ આરોપોનો જોરદાર જવાબ આપ્યો છે. સિડનીમાં યોજાયેલી ખાસ પ્રેસ કોન્ફરન્સમાં કમિન્સે ખ્વાજાના દાવાઓને ‘સંપૂર્ણ બકવાસ’ ગણાવ્યા હતા. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેને મેદાન પર સેન્ડપેપર લઈ જવામાં આવી રહ્યું હોવાની કોઈ જાણકારી નહોતી.
ખ્વાજાના આરોપો પર કમિન્સનો જોરદાર જવાબ
13 નવેમ્બર, શુક્રવારે સિડનીના ક્રિકેટ સેન્ટર ખાતે પેટ કમિન્સે લાંબી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે ઉસ્માન ખ્વાજાની આત્મકથામાં કરવામાં આવેલા દાવાઓ અંગે મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. કમિન્સે કહ્યું કે જો ખ્વાજાનો અર્થ એવો હોય કે આખી ટીમને મેદાન પર સેન્ડપેપર લઈ જવાની જાણકારી હતી, તો તે વાત સંપૂર્ણપણે ખોટી છે.

કમિન્સે સ્પષ્ટતા કરી કે તે છેલ્લાં આઠ વર્ષથી સતત એક જ વાત કહેતો આવ્યો છે કે તેને બોલ સાથે ચેડાં કરવા માટે સેન્ડપેપરનો ઉપયોગ થવાની જાણ નહોતી. તેણે કહ્યું કે ખ્વાજાએ પોતાના પુસ્તકમાં એવો આરોપ પણ લગાવ્યો છે કે તે અને અન્ય કેટલાક ખેલાડીઓ બોલ ટેમ્પરિંગની યોજનાના મુખ્ય સૂત્રધાર હતા. કમિન્સે આ આરોપને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવ્યો હતો.
કમિન્સે વધુમાં કહ્યું કે ખ્વાજાએ કેપ્ટન કેમેરોન બેનક્રોફ્ટને સેન્ડપેપરનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી હતી તે જાણીને તેને આશ્ચર્ય થયું હતું. કમિન્સના મતે, આ વાત તે ઉસ્માન ખ્વાજાના વ્યક્તિત્વ સાથે મેળ ખાતી નથી જેને તે ઓળખે છે.તેણે કહ્યું કે ઉસ્માન તેનો મિત્ર છે અને તેને પોતાની વાત કહેવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ કોઈના જીવન અને પ્રતિષ્ઠાને અસર કરતા નિવેદનો માટે જવાબદારી પણ લેવી જોઈએ.
2018નું સેન્ડપેપર કૌભાંડ શું હતું?
આ સમગ્ર વિવાદ માર્ચ 2018માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ સાથે જોડાયેલો છે. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમેરોન બેનક્રોફ્ટને બોલની સપાટી સાથે સેન્ડપેપર વડે ચેડાં કરતા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારે હોબાળો મચાવ્યો હતો.તપાસ બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે કડક કાર્યવાહી કરી હતી. તે સમયના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઉપકેપ્ટન ડેવિડ વોર્નર પર 12-12 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે કેમેરોન બેનક્રોફ્ટને નવ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથા ‘સબ્ર’માં આ ઘટનાનો ફરી ઉલ્લેખ કર્યો છે. તેના દાવા પ્રમાણે, ટીમમાં માત્ર ત્રણ ખેલાડીઓ જ આ સમગ્ર ઘટનાથી વાકેફ નહોતા એવું માનવું યોગ્ય નથી. તેણે જણાવ્યું હતું કે તેને બોલ સાથે ચેડાં કરવાની યોજના વિશે જાણ થઈ હતી અને તેણે બેનક્રોફ્ટને સાવચેત રહેવાની સલાહ પણ આપી હતી.ખ્વાજાના આ નિવેદન બાદ જૂના વિવાદની ફરી ચર્ચા શરૂ થઈ હતી. પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે પણ ખ્વાજાના દાવાઓને સમર્થન આપ્યું હતું. વોર્નરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ખ્વાજાએ જે વાત કહી છે તે સાચી છે અને આ મામલે તે લાંબા સમયથી પોતાની વાત રજૂ કરવા માગતો હતો.
“…Complete and utter nonsense”
Australian Captain Pat Cummins sternly responds to allegations made by Usman Khawaja about Sandpaper Gate in 2018.
#Cricket https://t.co/58O130HRbC
— SEN Cricket (@SEN_Cricket) November 12, 2026
કમિન્સે તપાસ અને સજાને લઈને પણ કરી વાત
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કમિન્સે માત્ર ખ્વાજાના આરોપોનો જ જવાબ આપ્યો નહોતો, પરંતુ 2018ની ઘટનામાં ખેલાડીઓને મળેલી સજા અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેના મતે, સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટને આપવામાં આવેલી સજા જરૂર કરતાં ઘણી વધારે કડક હતી.કમિન્સે એમ પણ કહ્યું કે બોલ સાથે ચેડાં કરવા માટે કોઈ મોટી યોજના બનાવવામાં આવી નહોતી. તેણે ટીમની અંદર કોઈ ગુપ્ત બેઠક કે બોલરો વચ્ચે આવી કોઈ પૂર્વનિયોજિત ચર્ચા થઈ હોવાનો પણ ઇનકાર કર્યો હતો.
ખ્વાજાએ પોતાની આત્મકથામાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ માટે ચોક્કસ રંગના લોકો હોવા જરૂરી હોવા અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. કમિન્સે આ દાવાને પણ નકારી કાઢ્યો હતો. તેના મતે, કોઈ વ્યક્તિને તેની ચામડીના રંગના આધારે કેપ્ટનશિપથી દૂર રાખવામાં આવે છે એવો આરોપ ગંભીર છે અને તેના માટે પુરાવા હોવા જરૂરી છે.
