દૂધસાગર ચૂંટણી બાદ પ્રતિનિધિત્વને લઈને સવાલો, પાટીદાર આગેવાનોમાં ચિંતા
પાટીદાર રાજકારણ અંગે વરુણ પટેલે તીખી ટકોર કરતાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલાં EWS અમલમાં નહીં આવે તો પાટીદારોનું રાજકીય પતન થશે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં દૂરબિનથી શોધવા છતાં રાજકારણમાં પાટીદાર દેખાશે નહીં. તેમની ટિપ્પણીએ સંગઠનો અને નેતાઓમાં નવી ચર્ચા જગાવી છે.
અલ્પેશ કથીરિયા પણ જોડાયા, EWSનું સમર્થન જાહેર
વરુણ પટેલની માંગ બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પણ ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે પાટીદર સમાજને EWS અનામત મળવું જોઈએ અને તે માટે હાઈકોર્ટમાં પીટિશન પહેલેથી જ દાખલ છે. તેમના મતે EWS લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં સમાજને મજબૂત પ્રતિનિધિત્વ મળશે. કથીરિયાએ સ્પષ્ટ કહ્યું કે અનામત ઝડપથી અમલમાં આવે એ સમયની જરૂરિયાત છે.
સહકારી ચૂંટણીનો ઉલ્લેખ, પ્રતિનિધિત્વ ઘટવાનો આક્ષેપ
વરુણ પટેલે તાજેતરના મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો કે મતદાર યાદીમાં થયેલા ફેરફારો પાટીદાર પ્રતિનિધિત્વ માટે ઘાતક સાબિત થયા. તેમનું માનવું છે કે સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી સમાજની સક્રિયતા રહી છે, પરંતુ હવે તેમની રાજકીય અસર ઓછી કરવામાં આવી રહી છે. પટેલે આગાહી કરી કે EWS લાગુ ન થાય તો આવનારી ચૂંટણી પાટીદારો માટે નવા પડકાર લાવશે.
રાજકીય સંતુલન અંગે ચિંતા, સમાજમાં ઉશ્કેરાવાનો ભય
પાટીદાર નેતાઓનું માનવું છે કે જો પ્રતિનિધિત્વમાં અસંતુલન ઊભું થશે તો બીજા સમાજોમાં પણ અસંતોષ વધી શકે છે. વરુણ પટેલે લખ્યું કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો રાજકીય પતન અનિવાર્ય બનશે. સમયસર અનામત અમલમાં આવે તો પાટીદાર સમાજ ફરીથી મજબૂત રીતે ચૂંટણીઓમાં સામે આવી શકે. હવે નજર રહેશે સરકાર આગામી પગલાં કેટલી ઝડપથી લે છે તેના પર.

