શું તમે પણ વધુ પડતું વીમા પ્રીમિયમ ચૂકવી રહ્યા છો? આ નાની ભૂલો તમારા વીમા ખર્ચમાં કરી રહી છે મોટો વધારો
વીમો લેવાનો મૂળભૂત હેતુ અણધારી આફત કે મુશ્કેલીના સમયે પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. જોકે, વર્તમાન સમયમાં સુરક્ષા મેળવવાની ઘેલછામાં ઘણા લોકો એટલી બધી પોલિસીઓ ખરીદી લે છે કે દર વર્ષે તેમનું બજેટ ખોરવાઈ જાય છે અને તેમણે બિનજરૂરી રીતે ભારે પ્રીમિયમ ચૂકવવું પડે છે. નાણાકીય નિષ્ણાતોના મતે, વગર વિચાર્યે લીધેલી પોલિસીઓ અને સમયસર સમીક્ષા ન કરવાની આદત ગ્રાહકોના ખિસ્સા પર મોટો બોજ નાખે છે. આથી, દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાના વીમા પોર્ટફોલિયોની સમીક્ષા કરવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
શું છે આ ‘ઓવર-ઇન્સ્યોરન્સ’ ની સમસ્યા?
ઘણા લોકો માને છે કે ‘ઓવર-ઇન્સ્યોરન્સ’ એટલે ખૂબ વધારે નાણાકીય રક્ષણ હોવું, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઓવર-ઇન્સ્યોરન્સનો સાચો અર્થ એ થાય છે કે તમારી પાસે એક જ પ્રકારના જોખમને આવરી લેતી એકથી વધુ પોલિસીઓ છે અથવા તો તમે એવા એડ-ઓન અને રાઇડર્સ ખરીદી રાખ્યા છે જેની તમને ખરેખર કોઈ જરૂર જ નથી.
સમય જતાં લોકો બેંકોના કહેવાથી, એજન્ટોના દબાણમાં, ઓનલાઈન ઓફર્સ જોઈને કે નોકરીદાતા દ્વારા મળતા ગ્રુપ કવરેજ ઉપરાંત પણ નવી પોલિસીઓ ઉમેરતા જાય છે. પરંતુ બાદમાં તેઓ જૂની પોલિસીઓની સમીક્ષા કરતા નથી, જેના કારણે બિનજરૂરી પ્રીમિયમનો બોજ સતત વધતો રહે છે.

વીમા ખર્ચ ઘટાડવા માટે કરો આ સરળ ઉપાયો
તમામ પોલિસીઓની યાદી તૈયાર કરો: જો તમને લાગતું હોય કે તમારો વીમા ખર્ચ વધી રહ્યો છે, તો સૌથી પહેલાં તમારી પાસે રહેલી તમામ પોલિસીઓનું એક લિસ્ટ બનાવો. જેમાં આરોગ્ય વીમો (Health Insurance), જીવન વીમો (Life Insurance), વ્યક્તિગત અકસ્માત કવર (Personal Accident Cover) અને બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી યોજનાઓનો સમાવેશ કરો. દરેક પોલિસીની સમીક્ષા કરી તપાસો કે કઈ પોલિસીમાં કયું કવરેજ મળી રહ્યું છે અને શું બે પોલિસીમાં એકસરખી સુવિધા તો નથી મળી રહી ને?
એકથી વધુ હેલ્થ પોલિસીનું સાચું ગણિત: ઘણા લોકો પાસે કંપનીનું ગ્રુપ હેલ્થ કવરેજ હોવા છતાં બે-ત્રણ વ્યક્તિગત હેલ્થ પોલિસીઓ હોય છે. મલ્ટિપલ હેલ્થ પોલિસી હોવામાં કશું ખોટું નથી, પરંતુ યાદ રાખો કે હોસ્પિટલમાં દાખલ થવાના વાસ્તવિક બિલથી વધુ ક્લેમ ક્યારેય મળતો નથી. બે-ત્રણ પોલિસીઓ હોવાનો અર્થ એ નથી કે તમને બિલ કરતાં વધુ પૈસા મળશે. આથી, તમારી જરૂરિયાત મુજબનું જ કવરેજ રાખીને વધારાનું પ્રીમિયમ ચૂકવવાનું બંધ કરવું જોઈએ.
જીવન વીમાની જરૂરિયાત પુનઃ ચકાસો: જીવન વીમાની બાબતમાં કુલ સમ એશ્યોર્ડ (Sum Assured) તમારા પરિવારની ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો માટે પૂરતું હોવું જોઈએ. ઘણીવાર લોકો જૂના દેવાં ચૂકવાઈ ગયા પછી કે બાળકો આર્થિક રીતે પગભર થઈ ગયા પછી પણ બિનજરૂરી નાની-નાની પરંપરાગત પોલિસીઓનું પ્રીમિયમ ભરે છે, જેનો કોઈ અર્થ સરતો નથી.

બધા એડ-ઓન કે રાઇડર્સ ખરીદવાની જરૂર નથી: વીમા કંપનીઓ ગંભીર બીમારી (Critical Illness), આકસ્મિક મૃત્યુ અને હોસ્પિટલ કેશ જેવા અનેક રાઇડર્સ ઓફર કરતી હોય છે. આ સુવિધાઓ દરેક માટે ઉપયોગી નથી હોતી. બિનજરૂરી રાઇડર્સ ઉમેરવાથી પ્રીમિયમનો દર ખૂબ વધી જાય છે. આથી, ફક્ત એ જ એડ-ઓન પસંદ કરો જે તમારી જીવનશૈલી અને સ્વાસ્થ્ય સ્થિતિ માટે ખરેખર જરૂરી હોય.
યોગ્ય આયોજન અને સમયસરની સમીક્ષા દ્વારા તમે બિનજરૂરી વીમા પોલિસીઓમાંથી બહાર નીકળીને દર વર્ષે હજારો રૂપિયાની બચત કરી શકો છો.