રેસકોર્ષ હાટમાં કલાકારોનો સ્વદેશી રંગ જામ્યો, નદીના પથ્થરથી બને અદભૂત હસ્તકલાની દુનિયા
શું તમે ક્યારેય નદી કે દરિયા કિનારે પડેલા સામાન્ય પથ્થરને જોઈને વિચાર્યું છે કે તે સજાવટની શ્રેષ્ઠ વસ્તુ બની શકે? મહેસાણાના જાણીતા પેબલ સ્ટોન આર્ટિસ્ટ અમિતભાઈ પારેખે આ કલ્પનાને હકીકતમાં બદલી છે. રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે યોજાયેલા ‘કુટિર હસ્તકલા હાટ-૨૦૨૬’ માં તેમની આ અનોખી કળા આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય દેખાતા પથ્થરો જ્યારે અમિતભાઈના હાથમાં આવે છે, ત્યારે તે આત્મનિર્ભર ભારતની નવી ઓળખ બનીને બહાર આવે છે.
આઠ વર્ષની સફર અને ૪૦ થી વધુ ડિઝાઈનો
અમિતભાઈ પારેખ છેલ્લા આઠ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું કે અગાઉ તેઓ માત્ર ૬ પ્રકારની ડિઝાઈન બનાવતા હતા, પરંતુ આજે તેમની પાસે ૪૦ થી વધુ પ્રકારની વૈવિધ્યસભર કલાકૃતિઓ છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત હસ્તકલા મેળાઓ કલાકારો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે. ઓછા ખર્ચે સ્ટોલની ફાળવણી અને યોગ્ય માર્કેટિંગને કારણે કલાકારો હવે વેચાણની ચિંતા છોડીને માત્ર પોતાની કારીગરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
‘વોકલ ફોર લોકલ’ અને સરકારી પીઠબળ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ ના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વેગ આપી રહી છે. કુટિર ઉદ્યોગ અને હસ્તકલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આવા હાટનું આયોજન કરવામાં આવે છે, જ્યાં મહેસાણા, વડોદરા, કચ્છ અને પાટણ જેવા વિવિધ જિલ્લાઓના કલાકારોને પ્લેટફોર્મ મળે છે. આ મેળા માત્ર વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ કલાકારોના આત્મવિશ્વાસને વધારવાનું માધ્યમ છે.
સ્વદેશી ગૌરવની નવી ઓળખ
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ના સૂત્ર સાથે આ મેળામાં ઘર સજાવટની અનેક ચીજો ઉપલબ્ધ છે. પથ્થરોમાંથી બનેલી ફ્રેમ્સ, મૂર્તિઓ અને અન્ય આર્ટ પીસ એ સાબિત કરે છે કે જો કૌશલ્ય હોય તો શૂન્યમાંથી સર્જન શક્ય છે. આ કળા હવે માત્ર પ્રદર્શન પૂરતી મર્યાદિત ન રહેતા, લોકોના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી રહી છે, જે આત્મનિર્ભરતાનું સાચું પ્રમાણ છે.
