Valsad બાબુ કાકાનો ભડાકો: “વલસાડ ભાજપમાં ફોટાબાજીની રમત, સાંસદની અવગણના કે જૂથબંધીનું પ્રદર્શન?”
Valsad: ભાજપના ગઢ ગણાતા વલસાડ જિલ્લા રાજકારણમાં અત્યારે એક આમંત્રણ પત્રિકાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. પક્ષના જૂના જોગી અને સ્પષ્ટવક્તા એવા ‘બાબુ કાકા’ એ આજે કાર્યકરોની વચ્ચે પત્રિકાનો ઘા કરીને સંગઠનના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. બાબુ કાકાએ આક્ષેપ કર્યો છે કે વલસાડ ભાજપમાં અત્યારે ‘ચમચાબારી’ અને ‘જૂથબંધી’નો કીડો પક્ષને અંદરથી કોરી રહ્યો છે.
“આ આમંત્રણ પત્ર છે કે મોટા સાહેબોની હાજી-હાજી?”
ચશ્મા નાક પર ચઢાવીને લાલચોળ આંખે પત્રિકા જોતા બાબુ કાકાએ વલસાડી બોલીમાં તડાકો મારતા કહ્યું કે, “અરે ભાઈ સાંભળજો… આ વલસાડ ભાજપમાં હું ચાલી રિયું છે તે ભાળો છો કે ની? આ પેલા મોટા-મોટા સાહેબોના ફોટા તો એવા છાપ્યા છે જાણે કોઈ મોટો મેળો ભરાવાનો હોય! પણ આમાં આપણા વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ ક્યાં છે? એમને તો સાવ છેલ્લે ‘મુખ્ય મહેમાન’માં નાખી દીધા? અરે દાદા, જે માણસ દિલ્હીમાં આપણો અવાજ છે, એનો ફોટો મૂકવામાં આ સંગઠનવાળાના પેટમાં હું કામ તેલ રેડાય છે?”
“મોટા નેતાઓના ખાસ થવાની હોડમાં પક્ષનો ભઠ્ઠો બેસાડ્યો!”
બાબુ કાકા અહીં જ ના અટક્યા, એમણે ટેબલ પર પત્રિકા પછાડતા સંગઠનના નવા નિશાળિયાઓને આડે હાથ લીધા. એમણે કહ્યું કે અત્યારે વલસાડમાં કોણ કયા મંત્રીની વધારે નજીક છે એ બતાવવાની હરીફાઈ ચાલી રહી છે. “પોતાની ખુરશી બચાવવા હાટું તમે તમારા જ સાંસદની અવગણના કરો? ઘરના છોકરાને ગાળો દેવાની ને બહારનાને હાર પહેરાવવાના? આ વિખવાદ હવે ચરમસીમાએ પૂઈગો છે. જો આ ‘ફોટાબાજી’ ને ‘ચમચાબારી’ બંધ ની થાય, તો ચૂંટણી ટાણે વલસાડની ગાદી સાચવવી અઘરી પડી જશે!”
ભીતરઘાતની ચેતવણી: “ચૂંટણીમાં ડબ્બો ગુલ થતા વાર ની લાગે”
કાર્યકરો સામે આંગળી ચીંધીને બાબુ કાકાએ છેલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે, જો પાયાનો કાર્યકર અને ચૂંટાયેલા પ્રતિનિધિ નારાજ હશે તો મેદાન મારવું મુશ્કેલ પડશે. “સંગઠનના નેતાઓ જે હવામાં ઉડે છે ને, એમને કહી દેજો કે જમીન પર આવી જાવ, ની તો આ વખતે જનતા અને કાર્યકરો ભેગા મળીને મોટો ભડાકો કરશે! જે સાંસદની તમે અવગણના કરો છો ને, એના જ જોરે વોટ માંગવા જવાનું છે. મોવડી મંડળ જાગી જાય, ની તો આ ‘ભીતરઘાત’ આખા જિલ્લાને ડૂબાડી દેશે!”
બાબુ કાકાનો છેલ્લો ટોણો:
“પક્ષ મોટો છે, તમારી ચપલૂસી નઈ! સુધરી જાવ ની તો સીધા કરી નાખશું!”
હવે જોવાનું એ રહે છે કે બાબુ કાકાના આ ‘ભડાકા’ પછી વલસાડ ભાજપના સંગઠનમાં કોઈ સુધારો આવે છે કે પછી આ ‘પત્રિકા યુદ્ધ’ આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરે છે.
