વડાપ્રધાને સ્ટેજ પર ઝૂકીને કોના આશીર્વાદ લીધા? જાણો 98 વર્ષના એ ‘કર્મયોગી’ માખનલાલ સરકાર વિશે જેમણે બંગાળમાં ભાજપનું બીજ રોપ્યું
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર જ્યારે શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે આખું મેદાન કેસરીયા રંગમાં રંગાઈ ગયું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ આખા કાર્યક્રમનું કેન્દ્રબિંદુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એક 98 વર્ષના વૃદ્ધ વચ્ચેની ક્ષણો બની રહી.
પીએમ મોદીએ સ્ટેજ પર આ વૃદ્ધના ચરણ સ્પર્શ કર્યા, તેમને શાલ ઓઢાડી અને ગળે લગાવીને સન્માનિત કર્યા. આ તસવીર જોયા પછી સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય જનતા સુધી એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે – આખરે કોણ છે આ માખનલાલ સરકાર?
માખનલાલ સરકાર: જનસંઘથી ભાજપ સુધીની અવિરત સફર
માખનલાલ સરકાર માત્ર એક વૃદ્ધ કાર્યકર નથી, પરંતુ તેઓ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સમાન છે. આજે જ્યારે બંગાળમાં ભાજપે સત્તાના શિખરે પહોંચ્યું છે, ત્યારે તેના મૂળમાં માખનલાલ જેવા હજારો સમર્પિત કાર્યકરોનું લોહી-પરસેવો રહેલો છે. 98 વર્ષની વય ધરાવતા માખનલાલ સરકાર આઝાદી પછીના ભારતમાં રાષ્ટ્રવાદી આંદોલન સાથે જોડાયેલા સૌથી જૂના પાયાના નેતાઓમાંથી એક છે.
તેમના સમર્પણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 1952માં જ્યારે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં ભારતીય તિરંગો લહેરાવવા માટે આંદોલન કર્યું હતું, ત્યારે માખનલાલ તેમની સાથે હતા. તે સમયે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જનસંઘના સમયથી જ તેઓ બંગાળના ગામેગામ જઈને વિચારધારાનો પ્રચાર કરતા રહ્યા છે.
સંગઠન શક્તિના પર્યાય
1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, ત્યારે માખનલાલ સરકારે બંગાળના ઉત્તર ભાગમાં પક્ષને મજબૂત કરવાની જવાબદારી લીધી. તેઓ પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લાના સંગઠનાત્મક સંયોજક બન્યા.
તેમની કાર્યશૈલી એટલી પ્રભાવશાળી હતી કે માત્ર એક જ વર્ષમાં તેમણે આ વિસ્તારોમાં અંદાજે 10,000 થી વધુ નવા સભ્યોને પક્ષમાં સામેલ કર્યા હતા. એ જમાનામાં બંગાળમાં ડાબેરીઓનો મજબૂત ગઢ હતો, ત્યારે ભાજપના સભ્યો બનાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. માખનલાલ સરકાર 1981 થી સતત સાત વર્ષ સુધી જિલ્લા અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. સામાન્ય રીતે ભાજપમાં કોઈ નેતા બે વર્ષથી વધુ એક પદ પર રહેતા નથી, પરંતુ તેમની અસાધારણ લોકપ્રિયતા અને કામગીરીને કારણે તેમને લાંબા સમય સુધી આ જવાબદારી સોંપાઈ હતી.
વડાપ્રધાનનું ભાવુક સન્માન
શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સવારે હેલિકોપ્ટર મારફતે રેસકોર્સ ગ્રાઉન્ડ અને ત્યાંથી રોડ માર્ગે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. હજારો સમર્થકોના અભિવાદન વચ્ચે જ્યારે તેઓ સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની નજર માખનલાલ સરકાર પર પડી. વડાપ્રધાને પ્રોટોકોલ બાજુ પર મૂકીને આ પીઢ નેતાનો આદર કર્યો.
મોદીએ તેમને શાલ ઓઢાડી, તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને લાંબા સમય સુધી હસીને તેમની સાથે વાત કરી. આ દ્રશ્ય ભાજપના કાર્યકરો માટે અત્યંત પ્રેરણાદાયી હતું. પીએમ મોદીએ આ રીતે સંદેશ આપ્યો કે ભાજપ આજે જે ઊંચાઈ પર છે, તેમાં પાયાના નાનામાં નાના અને જૂના કાર્યકરનું યોગદાન સર્વોપરી છે.
બંગાળમાં ‘કેસરીયો સાગર’
આ શપથ ગ્રહણ સમારોહ માત્ર એક રાજકીય કાર્યક્રમ નહોતો, પરંતુ બંગાળમાં ભાજપની મોટી જીતનો જશ્ન હતો. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ કેસરીયા રંગના સમુદ્ર જેવું દેખાતું હતું. પશ્ચિમ બંગાળના ખૂણેખૂણેથી, ઝારખંડ જેવા પડોશી રાજ્યો અને વિદેશથી પણ ભાજપ સમર્થકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આવ્યા હતા.
શુભેન્દુ અધિકારીનું મુખ્યમંત્રી બનવું એ બંગાળના રાજકારણમાં મોટું પરિવર્તન માનવામાં આવે છે, પરંતુ માખનલાલ સરકાર જેવા નેતાનું પીએમ દ્વારા થતું સન્માન એ સાબિત કરે છે કે રાજકારણમાં જ્યારે નિષ્ઠા અને ધીરજ હોય ત્યારે ભલે સમય લાગે, પણ અંતે વિચારધારાનો વિજય થાય છે.

